દુર્ગા પૂજાના પર્વમાં એકથી વધીને એક દુર્ગા માતાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે. આવી અનેક પ્રતિમાઓ ચર્ચાનો વિષય પણ બને છે. પરંતુ આ વર્ષે એક દુર્ગાના પંડાલે દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના ભક્તિમય માહોલની વચ્ચે કોલકત્તાની એક દુર્ગા ઉત્સવ સમિતિએ માતા દુર્ગાની મૂર્તિ પર 50 કિલો સોનું લગાવ્યું છે.
દરેક ધર્મના લોકોને પોતાનો તહેવાર હોય છે. ભક્તો માતાજીનો તહેવાર ધામધૂમથી મનાવતા હોય છે. આ વર્ષે કોલકત્તામાં દુર્ગા પંડાલ માટે માતાજીની ખાસ મૂર્તિ બનાવવામાં આવી છે. 50 કિલો સોનું જડેલી આ મૂર્તિનું દુર્ગા પૂજામાં ખાસ મહત્વ રહેશે.
જાણો મૂર્તિની કિંમત : દુર્ગા માતાની મૂર્તિ અને પંડાલમાં જેટલું સોનું લગાવ્યું છે તેની કિંમત 20 કરોડ રૂપિયા જેટલી છે. સમિતિએ દાવો કર્યો છે કે આ વર્ષે નવરાત્રિમાં આ દેશની સૌથી મોંઘી મૂર્તિ હશે.
મૂર્તિની સુરક્ષા : સંતોષ મિત્ર સ્ક્વાયરમાં બનેલા પંડાલમાં રાખવામાં આવેલી મૂર્તિ 13 ફીટ ઊંચી છે. તેની સુરક્ષામાં મોટી સંખ્યામાં પોલીસ રાખવામાં આવી છે. સોનાથી જડેલી દુર્ગા માતાની આ મૂર્તિ પર અનેક પ્રકારે નજર રાખવામાં આવી છે.
માથાથી લઈને પગ સુધી સોનાથી મઢેલી છે મૂર્તિ : મળતી માહિતિ અનુસાર માતાને માથાથી લઈને પગ સુધી સોનાથી મઢવામાં આવ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે આ નવરાત્રિમાં આ મૂર્તિ દેશની સૌથી મોંઘી મૂર્તિ હશે. માતાની સવારી સિંહ અને મહિષાસુરને પણ સોનાથી સજાવવામાં આવ્યા છે. સોનાથી સજેલા સિંહ અલગ છાપ છોડી રહ્યા છે અને લોકોને પ્રભાવિત કરી રહ્યા છે.