કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ ૯૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે માતાના મઢ ક્ચ્છ કુળદેવી આશાપુરા માં નું મંદિર આવેલું છે. મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પર એક મંદિર આવેલું છે. મંદિરનાં ગર્ભગૃહમાં આશાપુરા માતાજીની છ ફુટ ઉંચી મૂર્તિ બિરાજમાન છે. મનુષ્યનાં શરીર કરતાં પણ ઉંચી મૂર્તિ છે. આશરે 550 વર્ષ પહેલાં એટલે કે ૧૪મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ થયુ હોવાનું માનવામાં આવે છે.
રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિરનાં ગર્ભગૃહમાં અને માતાનાં અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. નીજ મંદિર તેમજ મંદિર ને ફરતે કોતરણી કામ તેમ જ અફાટ ઝૂમર તેમજ મંદિરનાં ગુમટમાં માતાજીઓની દૈવી શક્તિનાં દર્શન કરાવતી પ્રતિમાઓનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.
આશાપુરા માં ની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશનીનાં હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. તેમજ અન્ય કોઈપણ ઈચ્છા હોય તો સાચા મનથી માનેલી મનોકામના આશાપુરા માં પૂર્ણ કરે છે માં આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ આશાપુરા નામ કહેવાય છે. કચ્છમાં સાક્ષાત આશાપુરાનાં બેસણા છે.
મા આશાપુરાનાં પ્રાગટ્યની અનોખી કથા છે એવું કહેવાય છે કે આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા દેવચંદ વાણિયા નામનો વ્યક્તિ કચ્છમાં હતો તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિ પૂર્વક આરાધના કરી હતી જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણીયાને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારુ મંદિર બનાવજે પરંતુ સાથે જ એવી ચેતવણી આપી હતી કે, મંદિરનાં દરવાજા છ મહિના સુધી ખોલવા નહિ, વાણિયો ખૂબ રાજી થઈ ગયો અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે અહીં જ રહેવા લાગ્યો.
એક પછી એક એમ પાંચ મહિના પસાર થઇ ગયા અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરૂ સાથે મધુર અવાજનો રણકાર સંભળાયો જે સાંભળીને દેવચંદની અધીરાઈ ખૂટી ગઈ અને તેણે મંદિરનાં દ્વાર ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ વાણિયાએ એક મહિના પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં અર્ધસ્વરૂપમાં પ્રગટ થયા હતા તેણે માતાજીની માફી પણ માંગી. માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી તેને માફ કરી વરદાન માગવાનું કહ્યું , કહેવાય છે કે દેવચંદએ પુત્ર રત્નની માંગણી કરી અને માં એ આશા પૂર્ણ કરી હતી. માતાજી આશા પૂર્ણ કરતા હોવાથી ત્યારથી આશાપુરાનાં નામે ઓળખાય છે.
માતાના મઢમાં નવરાત્રિ દરમિયાનમાં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ હોય છે નવરાત્રિમાં છેલ્લા દિવસે આશાપુરા મા ની મૂર્તિ પર રાખેલી પત્રી (ફૂલ) ડમરુનાં તાલે રાજપરિવારનાં પ્રતિનિધિનાં ખોળામાં આવી જાય છે માતાનાં મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે. અહીં ગાદીપતિ તરીકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી સેવા આપી રહ્યા છે. આશાપુરા માતાજી પર કચ્છવાસીઓની અસીમ શ્રધ્ધા છે. લાખો લોકો દર વર્ષે માતાજીનાં ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. વડાપ્રધાન મોદી પણ માતાનાં મઢ આશાપુરા માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. દર વર્ષે લાખો માઇ ભક્તો નવરાત્રીમાં આશાપુરા માં નાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.