મહાપુરુષોના ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવાનો અમૂલ્ય અવસર એટલે પર્યુષણ. આ પર્વ આત્મજાગરણનું પર્વ છે. પર્યુષણ પર્વની ઉજવણી નહીં, પણ ઉપાસના કરવાની છે. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. શ્રી પર્યુષણ પર્વ એટલે આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ. વિભાવથી સ્વભાવ તરફ વળવાનું પર્વ. જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ, તૂટેલાં દિલોના તારને સાંધતું પર્વ. પર્યુષણ પર્વ એટલે ભીતરને બદલવાનું પર્વ.
અંતરને ભક્તિથી રંગવાનું પર્વ. સંવેદના જગાડવાનું પર્વ. આત્માભિમુખ થઈને અંતરમાં ડોકિયું કરવાનું અમૃત ચોઘડિયું એટલે પર્યુષણ પર્વ. પરિ = ચારે બાજુ ઉષ = વસવું. ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવાનું પર્વ એટલે પર્યુષણ. આ દિવસો દરમિયાન અર્થ અને કામરૂપી પુરુષાર્થને તિલાંજલિ આપી માત્ર ધરમની આરાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વને ‘દસ લક્ષણ પર્વ’તરીકે ઊજવવામાં આવે છે.
1. ઉત્તમ ક્ષમા
પર્યુષણ પર્વ ક્ષમાનું પર્વ છે. જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય તો હૃદયપૂર્વક ક્ષમા માગવી જોઈએ. ક્ષમા એટલે જીવમાત્ર પ્રત્યે રહેલા દ્ષભા વે વનો ત્યાગ. ક્ષમા માગો અને ક્ષમા આપો. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. મનુષ્યનું આભૂષણ રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે, ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.
2. ઉત્તમ વિનય
‘જગતમાં માન ન હોય તો અહીં જ મોક્ષ હોત.’ શ્રીમદ્ રાજચંદ્રજીનું આ વિધાન દર્શાવે છે કે માનવીમાં અભિમાનની કેટલી મહત્તા છે! 12 પ્રકારનાં તપમાં વિનયને અંતરંગ તપ ગણવામાં આવ્યું છે. આધ્યાત્મિક વિકાસ માટે વિનય ગુણની ખિલવણી અત્ત આયં વશ્યક છે. અહંકારરૂપી પર્વતને ભેદીને જ મહાપુરુષો આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શક્યા છે. એક કવિએ કહ્યું છે:
‘અહમ્ રે
અહમ્ તું જાને રે મરી,
પછી બાકી
મારામાં રહે તે હરિ.’
અહંકાર જ્ઞાનપ્રાપ્તિમાં પરમ વિઘ્નરૂપ છે, જ્યારે વિનય મોક્ષમાર્ગે લઈ જનાર પરમ મિત્ર છે. ‘ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ન કોઈ, નીચા નીચા જો ચલે, સબસે ઊંચા હોઈ.’
3. ઉત્તમ આર્જવ (સરળતા)
માયાચાર એટલે છેતરપિંડીના ભાવ, વિશ્વાસઘાતના ભાવ. આવા ‘ભાવ’ ન કરવા તેનું નામ સરળતા. જેવું હૈયે તેવું હોઠે, જેવું હોઠે તેવું હાથે, તેનું નામ સરળતા. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે, સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. માયાચાર કરવાથી તિર્યંચગતિ(પશુ-પક્ષી)ની પ્રાપ્તિ થાય છે. માયાચારી મનુષ્યનો કોઈ વિશ્વાસ કરતા નથી. શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે, ‘દુર્જનતા કરીને ફાવવું એ જ હારવું એમ માનવું.’
4. ઉત્તમ શૌચ (સંતોષ)
સર્વ પાપનો બાપ તે લોભ છે. ક્રોધ પ્રીતિ કો નષ્ટ કરતા હૈ, માન વિનયકો નષ્ટ કરતા હૈ, માયા મૈત્રી કો નષ્ટ કરતી હૈ ઔર લોભ સર્વસ્વ નષ્ટ કરતા હૈ. લોભને કોઈ થોભ નથી. જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. માણસનું પેટ તો ભરાય છે, પણ પટારો કદી ભરાતો નથી. તૃષ્ણા આકાશ જેવી અનંત છે. સંતોષી નર સદા સુખી. મહાપુરુષો તો કિંચિત માત્ર પણ ગ્રહણ કરવું તેને સુખનો નાશ માને છે. લોભ ઘટાડવા આપણી કહેવાતી સંપત્તિનું દાન કરતા રહેવું જોઈએ.
5. ઉત્તમ સત્ય
‘सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रवि:
सत्येन वाति वायुश्च, सर्वं सत्ये प्रतिष्ठितम्!’
સર્વ જીવનું હિત કરવાવાળા જ્ઞાનીપુરુષો સદા સત્ય વચન બોલે છે. સત્ય અને પ્રિય બોલવું જોઈએ, પરંતુ અપ્રિય, ખેદજનક અને કટુ વચનો ન બોલવાં.
‘સાંચ બરાબર
તપ નહીં, જૂઠ બરાબર
પાપ,
જાકે હિરદે
સાંચ હૈ, તાકે હિરદે
આપ.’
6. ઉત્તમ સંયમ
ભગવાને બે પ્રકારનો સંયમ કહ્યો છે: 1. ઇન્દ્રિય સંયમ:- પાંચ ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાં. 2. પ્રાણીસંયમ: પાંચ સ્થાવર અને એક ત્રસ – એમ છકાય જીવની રક્ષા કરવી. સ્પર્શેન્દ્રિયમાં મગ્ન થવાથી હાથી, રસના ઇન્દ્રિયમાં લીન થવાથી માછલી, ચક્ષુ ઇન્દ્રિયમાં મોહિત થવાથી પતંગિયું, ઘ્રાણેન્દ્રિયમાં લીન થવાથી ભમરો અને શ્રોતેન્દ્રિયમાં મગ્ન થવાથી હરણ નાશ પામે છે, તો જો આપણે પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં, લુબ્ધ થઈએ તો શી દશા થાય?
7. ઉત્તમ તપ: तपसा निर्जरा च।
અર્થાત્ તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. જ્ઞાનીજનો તપ દ્વારા કર્મોને બાળી નાખે છે, તો અજ્ઞાની જીવો તપ દ્વારા કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકે છે. ઇચ્છાઓનો નિરોધ કરવો તે તપ છે. તપ વિના આત્માની શુદ્ધિ થતી નથી. તપના 12 પ્રકાર છે. 1. બાહ્ય તપ:- અનશન, ઉણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયકલેશ. 2. અંતરંગ તપ :- વિનય, પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્તયુ્સર્ગ અને ધ્યાન.
8. ઉત્તમ ત્યાગ
ત્યાગ
ઉપયોગી અને અનુપયોગી એમ બંને વસ્તુઓનો કરવામાં આવે છે. જ્યારે દાન ઉપયોગી વસ્તુનું
કરવામાં આવે છે. ભોગોની પ્રાપ્તિ કરતાં તેમનો ત્યાગ ચડિયાતો છે. ત્યાગી સમગ્ર
જગતનું રત્ન છે, જ્યારે ભોગી
કીચડમાં ફસાયેલ પામર પ્રાણી છે.
तेन त्यवतेन भुंजीथा:।
‘ત્યાગ વિરાગ
ન ચિત્તમાં, થાય ન તેને
જ્ઞાન,
અટકે ત્યાગ
વિરાગમાં તો ભૂલે નિજ ભાન.’
9. ઉત્તમ આકિંચન્ય
શરીર આદિ પર પદાર્થોને પોતાના ન માનવામાં અર્થાત્ નિર્મમત્વભાવથી પ્રવર્તન કરવું તેને આકિંચન્ય ધર્મ કહે છે. પૂર્વ થયેલા મહાપુરુષોએ અનાસક્તભાવ કેળવી, નાની વયે મુનિદીક્ષા ધારણ કરી આત્મકલ્યાણ કરી ગયા.
मम इति संसार: न मम इति मोक्ष:।
10. ઉત્તમ બ્રહ્મચર્ય
સૌથી મોટું વ્રત અહિંસા વ્રત અને સૌથી કઠિન વ્રત તે બ્રહ્મચર્ય છે. મુનિને સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત હોય છે. પોતાની ધર્મપત્ની સિવાય પોતાનાથી નાની સ્ત્રીને પુત્રી સમાન, સમવયસ્કને બહેન સમાન અને પોતાથી મોટી સ્ત્રીને માતા સમાન માનવી તે ગૃહસ્થનું બ્રહ્મચર્ય વ્રત છે. નિશ્ચિયથી આત્મામાં ચર્યા (રમણતા) કરવી તેનું નામ બ્રહ્મચર્ય. શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે:
‘નીરખીને
નવયૌવના, લેશ ન
વિષયનિદાન,
ગણે કાષ્ઠની
પૂતળી, તેહ ભગવાન
સમાન.’
પર્યુષણ પર્વમાં આપણે ઉપરોક્ત ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશું તો પર્યુષણની ઉજવણી સાર્થક ગણાશે.