ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ , એક પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ તરીકે મહિલા નાયબ મુખ્યમંત્રીને સ્થાન મળી શકે છે.
હાલના મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને કાઢીને યુવા ધારાસભ્યોને ચાંસ આપી શકાય છે. મુખ્યત્વે કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ મેળવનારા કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. નવા સીએમ મંગળવારે શપથ લે તેવી પ્રબળ શક્યતાઓ છે જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના એક અઠવાડિયામાં પૂર્ણ કરી ત્યારબાદ નવી સરકારની કામગિરિ શરૂ થશે.
ગુજરાત ભાજપના પ્રમુખ પદે સીઆર પાટીલની નિમણૂંક કરાયા બાદ તેમણે કેટલાક કઠોર નિવેદનો જારી કર્યા હતા. જેમા ભાજપને હવે કોંગ્રેસની જરૂર જ નથી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં જેમની ઉંમર 60 વર્ષથી તથા જેઓ ત્રણ ટર્મથી ચૂંટાયેલ છે તેવા ને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો.
પાટીલના આવા નિર્ણય બાદ હવે ભાજપની નવી સરકાર બની રહી છે ત્યારે નવા મંત્રીમંડળમાંથી કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ મેળવેલા બે મંત્રીઓને પડતા મુકવાની સાથે વૃદ્ધ અને બિમાર મંત્રીઓને પણ પડતા મુકી યુવાનોને તક આપવામાં આવશે તેવો વિચાર લાગે છે.
ત્યારે ગુજરાતમાં 15 મહિના બાદ આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે મંત્રીમંડળ બનાવવા જઈ રહ્યું છે. જેમા ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની જેમ જ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી નો સમાવેશ થશે.
તે જ પેટર્નથી ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લગાવવામાં આવી શકે છે. જેમા મુખ્યમંત્રી તરીકે પાટીદાર અને નાયબ મુખ્યમંત્રી તરીકે એક આદિવાસી તેમજ એક ઓબીસીને સ્થાન આપી શકાય છે. આ ઉપરાંત રૂપાણી મંત્રીમંડળના નિષ્ફળ અને વૃદ્ધ 6 મંત્રીઓને પડતા મુકી નવાને સ્થાન આપવામાં આવી શકે છે.