નાસ્તિક પણ અહીં આવીને બની જાય છે આસ્તિક, 148 હાથીઓની પીઠ પર ઉભુ કરેલું છે આ મંદિર

અક્ષરધામ એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર દિલ્હીમાં આવેલું ભારતનું સોથી મોટું હિંદુ મંદિર છે. આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ કે દિલ્હી અક્ષરધામ તરીકે જગ પ્રસિદ્ધ છે. આ અક્ષરધામ મંદિર ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય હિંદુ સંસ્કૃતિની સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ ગરિમા, સુંદરતા, અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ભારતીય રીત-રીવાજો, કળા, સાંસ્કૃતિક મુલ્યો પુરાતન શિલ્પ-સ્થાપત્ય, વગેરેનો અહેસાસ કરાવે છે. BAPS આ મંદિરનાં પ્રેરણાસ્ત્રોત હતા સંસ્થાના ગુરુવર્ય યોગીજી મહારાજ અને રચયિતા હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે જેમણે ૩,૦૦૦થી વધુ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોને મંદિરનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપી હતી.

દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦%થી વધુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર. આ મંદિર ૬ નવેમ્બર, ૨૦૦૫નાં રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મંદિર યમુના નદીનાં કિનારે ૧૧૦ એકર જમીનમાં આવેલું છે. મંદિરના કેન્દ્રમાં એક વિશાળ ઘુંમટ આવેલો છે, તેનો ગુંબજ આખોજ પથ્થરથી કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત મંદિરમાંમાં ભગવાન સ્વામિનારાયણનાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને વિશાળ સુશોભિત બગીચાઓ પણ આવેલાં છે. તેમજ સ્વામિનારાયણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.

૧. સહજાનંદ દર્શન: સહજાનંદ દર્શન એ અક્ષરધામ પરિસરમાં આવેલો પ્રથમ પ્રદર્શન ખંડ છે. આ એક ઓડિઓ એનિમેટ્રોનિક્સ શો છે જેમાં ભગવાન સ્વામીનારાયણનાં જીવન પ્રસંગો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિનાં ખુબજ મહત્વના સંદેશાઓ આપવામાં આવેલા છે. સમગ્ર પ્રદર્શન માં ૧૮મી સદીનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ ને ૧૫ ત્રિપરિમાણીય રોબોટીક્સ પ્રતિમાઓ, ફાઈબર ઓપ્ટીક્સ, ધ્વની પ્રકાશ ઈફેક્ટ, સંવાદો અને સંગીત ધ્વારા દર્શાવામાં આવેલા છે

૨. મયુર દ્વાર: આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે. મોર એ ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે આ ઉપરાંત તે સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે મયુર દ્વાર. જેમાં એક બીજા સાથે સંકળાયેલ મોર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મોર પ્રવાસીઓનું સ્વાગત કરે છે.

૩. સંસ્કૃતિ વિહાર: સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાનું હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે.

૪. મદિરમાં આવેલ સંગીતમય ફુવારા: અક્ષરધામ મંદિરના આંગણમાં આવેલ સંગીતમય ફુવારા એ લોકોનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી તેમાં ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોની વાતો રસપ્રદ રીતે કહેવામાં આવે છે.

૫. અક્ષરધામ મંદિર ની કોતરણી : અક્ષરધામના મુખ્ય સ્મારક કે જે કેન્દ્રમાં આવેલુ છે તેની કુલ લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ આખુ મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે. આ આખા મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્ય કળા, વાસ્તુ કળા તેમજ મંદિર કળાના આધારે કરવામાં આવેલુ છે. તેમજ આ મંદિરમાં ૨૩૪ કંડારેલા સ્તંભો, ૯ ગુંબજો, ૨૦ શિખર આવેલા છે. આખા મંદિરની બહારની બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ આવેલી છે. હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ છે. આ મંદિર ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે અને તેનું કુલ વજન ૩૦૦૦ ટન છે. તે ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં કરવામાં આવેલો છે.

૬. નીલકંઠ દર્શન: પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દેખાડવામાં આવે છે, આ ફિલ્મ ૮૫X૬૫ ફૂટના પડદા પર દેખાડવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી તે દર્શાવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer