મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં પોલીસે શનિવારે એમેઝોન ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સામે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ગાંજાની હોમ ડિલિવરી માટે કેસ નોંધ્યો છે.
પોલીસ અધિક્ષક મનોજ કુમારના જણાવ્યા અનુસાર, ગ્વાલિયરના બે રહેવાસીઓ પાસેથી 21.7 કિલોગ્રામ ગાંજા જપ્ત કર્યા બાદ 13 નવેમ્બરના રોજ ભીંડના ગોહાડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
એસપીએ જણાવ્યું કે બિજેન્દ્ર તોમર અને સૂરજ ઉર્ફે કલ્લુ પવૈયા નામના બે આરોપીઓની તપાસમાં ગ્વાલિયરના અન્ય રહેવાસી મુકુલ જયસ્વાલ અને ભીંડના મેહગાંવના રહેવાસી ચિત્રા વાલ્મિકીની ધરપકડ કરવામાં આવી.
એસપીએ કહ્યું કે પવૈયા અને જયસ્વાલે ‘બાબુ ટેક્સ’ નામની કંપની બનાવી હતી અને તેને એમેઝોન પર સેલર તરીકે રજીસ્ટર કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંનેએ પ્લાન્ટ આધારિત સ્વીટનર સ્ટીવિયાના વેચાણની આડમાં કંપની દ્વારા વિશાખાપટ્ટનમથી ગાંજાનો સપ્લાય કર્યો હતો.
તેના આધારે પોલીસે એમેઝોન પાસેથી જવાબ માંગ્યો હતો પરંતુ કંપનીના જવાબ અને તપાસ દરમિયાન પોલીસને મળેલા તથ્યોમાં તફાવત હતો.
આ પછી, પોલીસે શનિવારે એમેઝોન ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 38 હેઠળ કેસ દાખલ કર્યો હતો.