અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરત કોર્પોરેશને તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીને અપનાવીને પોતાની એક પોલિસી જાહેર કરી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે-ત્રણ સપ્તાહમાં એનો અમલ શરૂ કરવાની મંજુરી આપી છે .
અમદાવાદમાં જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસીમાં ઘણી નવી બાબતો પણ આવરી લેવાશે, જેમાં ફ્રી પાર્કિંગ અને પેઈડ પાર્કિંગના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
શહેરમાં જાહેર રસ્તા પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર રસ્તાની એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત નજીકના વિસ્તારની પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ કે ટેક્નોલોજી અમલમાં મૂકવાની પણ વાત છે.
આ સાથે દિવ્યાંગો અને સિનિયર સિટિઝન્સ માટે 10 ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ અલગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતાં પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઊભા થઈ શકશે. આ ઉપરાંત પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમિીટ ઈસ્યુ કરવા માટેની પણ વિચારણા છે.
ટૂ-વ્હીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક 10થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર-વ્હીલર માટે 20થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા કરવામાં આવી છે. પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી આ રકમ રસ્તાના રિસર્ફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવામાં આવશે. એ ઉપરાંત ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની SOP બનાવવા પણ વિચારણા ચાલું છે.