કોઈ એક ગામમમાં એક મહાત્મા રહેતાં હતા. એકવાર તેઓ પોતાના શિષ્યો સાથે જંગલમાથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યાં તેમણે એક બિલાડીનું બચ્ચું જોયું. મહાત્માએ વિચાર્યું કે જો આ બચ્ચું જંગલમાં રહ્યું તો જંગલી જાનવરો તેને મારી ખાશે. એમ વિચારીને તેઓ આ બિલાડીના બચ્ચાને પોતાની સાથે લઈ આવ્યા.
બિલાડીનું બચ્ચું આશ્રમમાં રહેવાં લાગ્યું અને તે મહાત્મા સાથે ભળી ગયું હતું. જ્યારે પણ મહાત્મા ધ્યાન કરવા બેસતાં, બિલાડીનું બચ્ચું તેમના ખોળામાં આવીને બેસી જતું. તને લીધે તેમનું ધ્યાનભંગ થઈ જતું. મહાત્માએ પોતાના શિષ્યોને કહ્યું કે જ્યારે પણ હું ધ્યાનમાં બેસું, તે પહેલાં બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બાંધી દેજો. શિષ્યોએ કહ્યું કે જેવી ગુરુની આજ્ઞા.
હવે આ રોજનો નિયમ થઈ ગયો, જ્યારે પણ મહાત્મા ધ્યાન માટે બેસતાં, તે પહેલાં બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બાંધી દેવામાં આવતું. એક દિવસ મહાત્માનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ એક યોગ્ય શિષ્યને આશ્રમનો પ્રમુખ બનાવવામાં આવ્યો.
જ્યારે તે નવા ગુરુ ધ્યાનમાં બેસતાં, તે પહેલાં બિલાડીના બચ્ચાને ઝાડ સાથે બંધાવી દેતાં. કારણ કે પોતાના પૂર્વ ગુરુને આ રીતે જ સાધના કરતા જોયા હતાં. એક દિવસ અચાનક બિલાડીનું બચ્ચું મરી ગયું. બધા શિષ્ય એક જગ્યાએ એકઠાં થયા, તેમણે વિચાર-વિમર્શ કર્યો કે જ્યાં સુધી બિલાડીનું બચ્ચું ઝાડ સાથે બાંધવામાં ન આવે, ત્યાં સુધી મોટા મહાત્મા ધ્યાન પર નથી બેસતાં. એટલા માટે નજીકના એક ગામ માંથી એક બિલાડીનું બચ્ચું લાવવામાં આવ્યું. એ બચ્ચાને ઝાડ સાથે બાધ્યા પછી જ નવા ગુરુ ધ્યાન પર બેસતાં.
બોધ : વૈજ્ઞાનિક કારણો જાણ્યાં વગર પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરવું તે મૂર્ખામી છે.