અગિયાર અક્ષૌહિણી સેનાનો સેનાપતિ દુર્યોધને પોતાના સાથીઓ, ભાઈઓ અને પુત્રો સહિત સહુને કુરુક્ષેત્રના સમરાંગણમાં હણાતા જોયા. ભારતવર્ષના મહિમાવાન હસ્તિનાપુરના રાજસિંહાસન પરના કૌરવોના શાસનનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો, ત્યારે એ સંધ્યા પણ કેટલી બિહામણી હતી! પાંચ પાંડવોને અર્ધુ રાજ્ય નહીં, પાંચ ગામ નહીં, બલ્કે સોયની અણી જેટલી જમીન આપવાનો પણ સદંતર ઇન્કાર કરનાર દુર્યોધનને માટે હવે જમીન પર જીવવું અશક્ય બન્યું હતું. શક્તિશાળી ગદાધર પોતાની ગદા લઈને રણભૂમિ પરથી ભાગ્યો અને ધરતી પર નહીં, બલ્કે માયાથી સરોવરના તળિયે છુપાઈ ગયો. પૃથ્વી પરનો અહંકાર ટકતો નથી અને એને અંતે તો ક્યાંકને ક્યાંક પોતાની જાતને છુપાવવી પડે છે.
આથી તો કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામાના કહેવા છતાં દુર્યોધન પુન: રણભૂમિ પર જઈને યુદ્ધ પ્રારંભ કરવા તૈયાર નથી. મહાભારતના યુદ્ધના અઢાર દિવસ પછી ઓગણીસમા દિવસના પ્રભાતે વિજ્યનો યશ પામવા માટે એ સમરાંગણમાં જવા ચાહતો નથી. એના આ બધા મહાધનુર્ધર યોદ્ધાઓ યુદ્ધના પ્રારંભ માટે આગ્રહ કરતા હોવા છતાં દુર્યોધનના મનમાં યુદ્ધનો કોઈ ઉત્સાહ જાગતો નથી. તળાવમાં છુપાયેલા દુર્યોધન સાથે યુધિષ્ઠિરનો સંવાદ થાય છે અને તે સંવાદ પછી ભીમસેન અને દુર્યોધન વચ્ચેના ગદાયુદ્ધનો પ્રારંભ થાય છે.
એ સમયે તીર્થ યાત્રા માટે નીકળેલા બલરામ પોતાના બંને શિષ્યો વચ્ચેના ગદાયુદ્ધને જોવા માટે રોકાઈ જાય છે અને આ યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થાય છે. જાણે કૌરવકુળનો અધ્યાય સંપૂર્ણ સમાપ્ત થયો હોય એમ લાગે છે. દુર્યોધનની શિબિરમાં એનો રંગમંડપ નિસ્તેજ થઈને ઉભો હતો. થોડી સ્ત્રીઓ, નપુંસકો અને વૃદ્ધ મંત્રીઓ પોતાની વિદાયની રાહ જોઈને બેઠા હતા. દુર્યોધનની સવારી સમયે આગળ ચાલનારા સૈનિકો અત્યારે મલિન ભગવાં વસ્ત્ર પહેરીને ઉભા હતા.
ભારતવર્ષના લલાટે દુર્યોધનના પરાજ્યની કલંક-કાલિમા લખાઈ ગઈ. એક પછી એક સર્જાયેલી ઘટનાઓનો કૌરવોના નાશ સાથે જાણે પૂર્ણવિરામ આવી ગયું. એક યુગ સમાપ્ત થઈ ગયો અને એવો યુગ કે જેને મૂલ્યોને રસાતાળ થતાં જોયાં. રામાયણની ભાવનાનો ધ્વંસ જોયો. અયોધ્યામાં જે સુવાસ પ્રગટી હતી, એની હસ્તિનાપુરમાં છડેચોક હાંસી ઉડાવવામાં આવી. પણ હવે શું ?
પાંડવો દુર્યોધનની આ શિબિર પાસે આવ્યા. ત્યારે વૃદ્ધ મંત્રીઓએ હાથ જોડીને એમને પ્રણામ કર્યા. શિબિરમાં પ્રવેશવા માટે જ્યારે સારથિ શ્રીકૃષ્ણએ રથ થોભાવ્યો ત્યારે સામાન્ય રીતે તો રથમાંથી પ્રથમ શ્રીકૃષ્ણ નીચે ઉતરે અને પછી અર્જુન ધરતી પર પગ મૂકે એવું બનતું હતું. પરંતુ આ સમયે એક વિચિત્ર ઘટના બની. શ્રીકૃષ્ણએ કહ્યું,
‘ભરતવંશ શિરોમણી અર્જુન, તમે ગાંડિવ ધનુષ્ય અને આ બાણોનાં ભાથા નીચે ઊતારી લો. એ પછી તમે સ્વયં રથમાંથી ઊતરી જાવ. તમે ઊતરશો પછી હું ઊતરીશ.’
પરમ સખા શ્રીકૃષ્ણનાં આ વચનો સાંભળીને ગાંડીવધારી અર્જુનને પારાવાર આશ્ચર્ય થયું. અત્યાર સુધી તો રથના છ અશ્વોને રોક્યા બાદ રથમાંથી પહેલાં શ્રીકૃષ્ણ ઉતરતા હતા અને પછી અર્જુન. એ સમયે અર્જુનમા મનોમન વિચાર પણ જાગ્યો કે આજે મને પહેલાં ઉતરવાનું શા માટે કહે છે ? આવું વિરુધ્ધ વર્તન કરવાનો આદેશ કેમ આપે છે ? એનું કારણ શું હશે ? એથીય વિશેષ તો મને એમ પણ કહે છે કે આમ કરવામાં જ તારી ભલાઈ છે. આમાં તે વળી શું ભલાઈ ?
મધુસૂદન શ્રીકૃષ્ણના સઘળાં આદેશોને શિરોધાર્ય કરનાર વીર પાંડુપુત્ર અર્જુને એમની આ આજ્ઞાાને શિરોધાર્યા કરીને નીચે ઊતર્યા. એ પછી શ્રીકૃષ્ણે નીચે ધરતી પર પગ મૂક્યા અને એકાએક એક કૌતુક સર્જાયું. ગાંડીવધારી અર્જુનના રથ પર હંમેશાં ફરકતો કપિધ્વજ અદૃશ્ય થઈ ગયો. હજી આ અણધારી ઘટનાના વિચારમાંથી અર્જુન બહાર નીકળે, તે પહેલાં એણે જોયું કે ગુરુ દ્રોણ અને બાણાવળી કર્ણનાં દિવ્યાસ્ત્રોતથી દગ્ધપ્રાય થઈ ગયેલો એ રથ આગથી પ્રજ્વલિત થઈ ગયો. જોતજોતામાં અશ્વો સહિત રથનાં બધા જ ભાગ-લગામ, ધૂંસરી અને ધ્વજ-અગ્નિની પ્રખર જ્વાળાઓમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા.
કુરુક્ષેત્રની રણભૂમિ પર આમ- તેમ, આગળ-પાછળ સઘળે શત્રુઓની વચ્ચે દોડતો આ યશસ્વી રથ આમ એકાએક ભસ્મીભૂત બની જાય તે જોઈને પાંડુપુત્રો વિસ્મય પામ્યા. ગાંડીવધારી અર્જુન તો આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો. ક્યાં ગયા એ થનગનતા જાતવાન અશ્વો અને ક્યાં ગયો એ વિજયસૂચક કપિધ્વજ. અગ્નિજ્વાળામાં આઘાત સાથે જોઈ રહેલા અર્જુનને એનું કારણ સમજાયું નહીં.
આ ઘટનાનો ગર્ભિત સંકેત વિચારીએ. સુખેથી હસ્તિનાપુરનો ભોગવટો દુર્યોધન કરી શકે તે માટે ઘૃતરાષ્ટ્રે પાંડવોને હસ્તિનાપુર છોડીને ખાંડવપ્રસ્થમાં વસવાનું કહ્યું હતું. એક સમયની મહિમાવંતી એ ભૂમિ એ સમયે સાવ ખંડેર અને નિર્જળ બની ગઈ હતી. વનો અને સર્પોથી આચ્છાદિત હતી અને એવે સમયે અગ્નિદેવ શ્રીકૃષ્ણ અને અર્જુન સાથે મૈત્રીસંબંધે બંધાયા હતા. ખાંડવવન બાળ્યું અને એનો વનો અને સર્પોને અગ્નિદેવે ભસ્મીભૂત કર્યા. ત્યાં ભવ્ય ઇન્દ્રપ્રસ્થનગર રચાયું.
કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં પણ અગ્નિદેવ પાંડવપક્ષને સહાયભૂત બન્યા હતા. આ સંહારક યુદ્ધ સમાપ્ત થયું અને વીર પાંડવોને વિજયશ્રી પ્રાપ્ત થઈ. પાંડવોના પક્ષમાં રહીને રણસંગ્રામ ખેલનારા રાજા-મહારાજાઓએ પણ વિદાય પામી ચૂક્યા હતા અને હવે વિદાય લેવાની ઘડી આવી હતી અગ્નિદેવની. અગ્નિદેવ અને ઇન્દ્રદેવે મહાયુદ્ધના મહાસંહાર અર્થે વીર અર્જુનને કેટલું બધું આપ્યું હતું ! દિવ્ય અશ્વ, દિવ્ય કપિધ્વજ, દિવ્ય રથ અને દિવ્ય અસ્ત્રએ સઘળું આપ્યું હતું. વિદાય વેળાએ અગ્નિદેવ એ સઘળું પાછું લઈને જાય છે.
એક અર્થમાં કહીએ તો એમણે જે અર્જુનને આપ્યું હતું તે પરત લીધું અને અર્જુનને ઋણમુક્ત કર્યો. અન્યની પાસેથી ઉધાર લીધું હોય, તે પાછું તો આપવું જ પડેને ! અને એ રીતે એ અગ્નિને પાછું સોંપ્યું. અર્જુન અને અગ્નિદેવના સંબંધોની સમાપ્તિ થઈ.
યુદ્ધ અંગેની મહાભારતકારની દૃષ્ટિનો વિચાર કરીએ. એ જમાનાના યુદ્ધને જે વાત લાગુ પડે છે એ જ આ જમાનાના યુદ્ધને લાગુ પડે છે. યુધ્ધમાં નવા સંબંધો બંધાય છે. નવા નવા સાથીઓ સામેલ થાય છે. વિરોધી હોય તો પણ સમાન હેતુવાળા એકઠાં થઈ જાય છે. બંને એક બીજા સાથે કોઈને કોઈ સ્વાર્થના બંધનથી બંધાયેલા હોય છે. મહાભારતના યુદ્ધમાં આ થયું અને આ વિશ્વમાં થયેલાં પ્રથમ અને દ્વિતીય વિશ્વયુધ્ધમાં પણ આ જ થયું હતું.
યુદ્ધ સમાપ્ત થતાં એ સઘળાં સંબંધો આથમી જાય છે. પહેલાં મિત્ર રહેલા પછી મિત્ર રહેતા નથી. સાથે યુદ્ધ ખેલવાની પરસ્પર કરેલી સંધિઓ પણ પરિસમાપ્ત થઈ જાય છે. દ્વિતીય મહાયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા આવા જ સ્વાર્થના તાંતણે જર્મનીના હિટલર સામે લડયા હતા અને યુદ્ધ પૂરું થતાં એ સંબંધોનો અસ્ત આવી ગયો હતો.
અહીં અર્જુન અને અગ્નિના સંબંધોનો અસ્ત અહીં આવ્યો. યુદ્ધ પૂર્વે એમણે આપેલી સામગ્રી અંતે પાછી લઈ લીધી. ખાંડવવનના દહનથી શરૂ થયેલી આ મૈત્રી સઘળી સામગ્રી સાથે થયેલા રથના દહન સુધીમાં પૂર્ણ થઈ ગઈ. એમની વચ્ચેની પરસ્પરની મૈત્રીનો અંત આવ્યો. રથના દહનની આ આઘાતજનક ઘટના શ્રીકૃષ્ણ શાંતિથી જોતા હતા. શ્રીકૃષ્ણ નીરખી રહ્યા. જાણે સંસારની ગતિના ચક્રને જોતા ન હોય ! આ ઘટનાની પાછળ રહેલા સંસારની સંબંધની અનિત્યતા પર એમની નજર ઠરેલી હતી.
સાંસારિક સંબંધો ક્ષણભંગુર હોય છે. એ સદાકાળને માટે ટકતા નથી. એ તો માત્ર થોડા સમયને માટે પરસ્પર જોડાયેલા હોય છે. અર્જુન અને અગ્નિનો સંબંધ નહોતો શાશ્વત કે નહોતો નિત્ય. એમાં એક સમયે તો વિદાયની વેળા આવવાની જ હતી. આમ જે થવાનું હતું તે થયું, જે નિર્મિત હતું તે બન્યું. એ ઘટનાને શ્રીકૃષ્ણ તટસ્થ ભાવે જોઈ રહ્યા અને ત્યારે રથને બળતો જોઈને વિહ્વળ બનેલો અર્જુન એમની પાસે દોડી આવ્યો.