મહેસાણાના પ્રસિદ્ધ બહુચર માતાના મંદિરમાં દર બે દિવસે 155 કિલોના મગદળના લાડુનો પ્રસાદ બનાવાય છે. ખાસ વાત એ છે કે, દેશનાં 51 શક્તિપીઠ પૈકી આ શક્તિપીઠ જ એવું છે, જેમાં પ્રસાદ તરીકે લાડુ અપાય છે. જ્યારે માતાજીનાં મંદિરોમાં સુખડી, મોહનથાળ, મહાપ્રસાદ (શીરો), સીંગ-સાકર પ્રસાદ તરીકે હોય છે. 12 વર્ષથી ચાર રસોઇયા પ્રસાદી બનાવે છે. પ્રસાદી બનાવવાની શરૂઆત સવારે 6 વાગ્યે કરાય છે. દર બે દિવસે 155 કિલો પ્રસાદી તૈયાર થાય છે, જે બનાવવામાં 12 કલાકનો સમય લાગે છે. પ્રસાદી માટેનું ઘી સાગર ડેરીમાંથી મગાવાય છે. દર 2 મહિને ઘીનો એકસાથે સ્ટોક મગાવી લેવાય છે. જ્યારે લાડુ માટે એક સાથે 900 કિલો ચણાની દાળ દળવામાં આવે છે. મંદિરમાં તૈયાર કરાયેલી પ્રસાદીનો 10 દિવસ સુધી કોઈ પ્રકારનો બગાડ થતો નથી. પ્રસાદીની સમગ્ર સામગ્રી તૈયાર કર્યા પછી મશીન દ્વારા મગદાળના લાડુ તૈયાર કરાય છે. ત્યાર બાદ પેક કરી ભાવિકોને નિ:શુલ્ક અપાય છે. આ વખતે નવરાત્રીમાં 2 લાખ લોકો પ્રસાદનો લાભ લેશે તેવો અંદાજ છે.
પ્રસાદ સામગ્રી-
45 કિલો – સાગર ઘી
500 ગ્રામ – ઇલાયચી
60 કિલો – ચણાનો લોટ
50 કિલો- દળેલી ખાંડ
રેસિપી-રસોઈગૃહના કર્મચારી પિન્ટુભાઈના જણાવ્યા અનુસાર સૌપ્રથમ 45 કિલો શુદ્ધ ઘીમાં 60 કિલો ચણાનો લોટ નાખવામાં આવે છે. જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી મિશ્રણને સેકવામાં આવે છે. ચણાના લોટ અને ઘીના ગરમ પ્રવાહીને 5થી 6 કલાક ઠંડું કરવામાં આવે છે. હવે તેની પર યોગ્ય માત્રામાં દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિશ્રિત કરવામાં આવે છે. મિશ્રણ ઠરી ગયા બાદ મશીન દ્વારા લાડુ આકાર આપવામાં આવે છે.