ચાલો જાણીએ ભગવાનની સાચી પૂજા-ઉપાસના અને આરાધના કોને કહેવાય

આપણે રાજની પૂજા કરીએ અને કામ રાવણ જેવાં કરીએ, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરીએ અને કર્મો કંસના જેવાં હોય તો એ કેવી ભક્તિ છે ? કેવી પૂજા છે ? કેવી ઉપાસના છે ? એવી ઉપાસના કરવાથી શો લાભ ? જો આપણે સાચા ઇશ્વરભક્ત હોઈએ તો આપણામાં સત્ય, પ્રેમ,કરુણા,ન્યાય, પવિત્રતા વગેરે સદ્ગુણોનો વિકાસ થવો જોઈએ. આપણે ઇશ્વરની સ્તુતિ આરતી વગેરે કરીએ છીએ એનું કારણ ભગવાનની એ વિશેષતાઓ, આદર્શો તથા સદ્ગુણોને વારંવાર યાદ કરવાનું છે. આપણે એ વિશેષતાઓને પોતાના જીવનમાં ધારણ કરીને હંમેશા ઇશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.

આપણે ઇશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન કરવાના બદલે તેમની વિશેષતાઓને આપણા જીવનમાં ધારણ કરીને એ માર્ગે ચાલવાનો  પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કરુણાના સાગર છે. તેઓ આપણાથી કદાપિ નારાજ હોતા જ નથી. તો પછી તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? જો આપણે ખરેખર ઇશ્વરની કૃપા મેળવવી હોય તો આપણે સદાચારી તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ. શ્રીરામશર્મા આચાર્ય કહેતા હતા કે’ પરમેશ્વરનો પ્રેમ ફક્ત સદાચારી અને કર્તવ્યપરાયણ લોકોને જ મળે છે. રામચરિત માનસમાં ભગવાન શિવ પણ આપણને આવી જ પ્રેરણા આપે છે.

સોઈ સેવક પ્રિયતમ મમ જોઈ । મમ અનુસાશન માનઈ જોઈ ।। અર્થાત મને એવો જ સેવક તથા એવો જ ભક્ત પ્રિય છે. જે મારા અનુશાસનને માને છે. સત્યના માર્ગે ચાલે છે. ભગવાન શ્રીરામ પણ રામચરિત માનસની આ ચોપાઈમાં કહે છે.

નિર્મલ મન જન સો મોહિ પાવા । મોહિ કપટ છલ છિગ્ર ન ભાવા ।।

અર્થાત્ જેનું મન નિર્મળ અને પવિત્ર છે એવો મનુષ્ય જ મને પ્રાપ્ત કરી શકે છે.  મને, છળ, કપટ, પ્રપંચ તથા બીજા દોષદુર્ગુણો જરાય ગમતા નથી. તેથી ઇશ્વરના માર્ગ પર સચ્ચાઈના માર્ગ પર ન ચાલવાના કારણે જ આપણે ભગવાનની કૃપાથી વંચિત રહીએ છીએ. અને એટલે જ દુઃખી છીએ. અધ્યાત્મ માર્ગે જવા ઇચ્છુક સાધકો તથા જિજ્ઞાસુઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે ઇશ્વર સદ્ગુણોનો સમુચ્ચય છે. તેઓ સર્વ વ્યાપી, સર્વજ્ઞા તથા સર્વશક્તિમાન છે. તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તેઓ અનંતકોટિ બ્રહ્માંડોના નાયક છે. આવા પ્રભુને આપણે ફક્ત તુચ્છ પદાર્થો ચઢાવીને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ ?

જે પોતે આ સૃષ્ટિના સર્જનહાર છે તથા પાલનહાર છે એમને આપણે શું આપી શકીએ ? આ જગતમાં જે કંઈ છે તે બધું એ બધું વિરાટ પ્રભુનુ જ છે. ભગવાન કૃષ્ણે બાળલીલા કરતા કરતા માતા યશોદાને પોતાના મુખમાં સમગ્ર સૃષ્ટિ તથા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. તેમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવ્યા હતાં. ભગવાન રામે પણ બાલ્યાવસ્થામાં કૌશલ્યાને પોતાની વાસ્તવિક સ્વરૂપનાં દર્શન કરાવ્યા હતાં એના દ્વારા ભગવાને આપણને એ જ સંદેશ આપ્યો છે કે આ સમગ્ર જગત જ એનું સ્વરૂપ છે. આપણે ઇશ્વર વિશેની આપણી ધારણા તથા માન્યતાને બદલવી પડશે અને તેમના સાચા સ્વરૂપને સમજવું પડશે.

એ સ્થિતિમાં આપણું જીવન ઇશ્વરમય થઈ જાય છે. દરેક પળે આપણને તે વિરાટ બ્રહ્મની અનુભૂતિ થાય છે. આપણી પાસે ભલે ભૌતિક સાધનોનો અંબાર હોય, આપણે સોનાના મહેલમાં રહેતા હોઈએ કે પછી ખુલ્લા આકાશ નીચે રહેતા હોઈએ, છતાં સર્વત્ર આપણને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. જે રીતે ગર્ભસ્થ શિશુ નાળ દ્વારા પોષણ મેળવે છે. એજ રીતે જીવાત્મા પરમાત્માની સાથે નાળ દ્વારા જોડાયેલો હોય એવો અનુભવ કરે છે અને ભગવાનની શક્તિ પોતાને મળી રહી હોય એવું એને લાગે છે. આવી સ્થિતિમાં આપણને વગર માગ્યે પ્રભુની કૃપા મળે છે. પછી પરમાત્મા જ્યોતિર્મય રૂપમાં આવીને આપણાં અંતરાત્મામાં વિરાજે છે. 

આપણામાં કુદરતી રીતે જ ઇશ્વરનું, બ્રહ્મત્વનું બીજ રહેલું છે. તેથી ભગવાનને ભોગ લગાવીને ખુશ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણી અંદર રહેલા બ્રહ્મબીજને વિરાટ બ્રહ્મવૃક્ષ બનાવવાની જરૂર છે. જે રીતે બીજને વિશાળ વૃક્ષ બનવા માટે અનુકૂળ આબોહવા તથા જમીન જોઈએ એ જ રીતે આત્મબીજને બ્રહ્મમય રૂપમાં પ્રકાશિત થવા માટે ઇશ્વરીય પ્રકાશની, બ્રહ્મજ્ઞાાનની જરૂર પડે છે. તે આપણને શાસ્ત્રોના સ્વાધ્યાયથી તથા બ્રહ્મજ્ઞાાની ગુરુઓના સાંનિધ્યથી પ્રાપ્ત થાય છે. એવું જ અનુકૂળ વાતાવરણ મેળવીને નાનક નાનક દેવ બન્યા, સિધ્ધાર્થ મહાત્મા બુધ્ધ બની ગયા. સાધના, સ્વાધ્યાય, સંયમ તથા સેવાથી જ એવું વાતાવરણ પેદા થાય છે, જેના દ્વારા બીજને વિરાટ વૃક્ષ બનવાનો અવસર પ્રાપ્ત થાય છે.

ઇશ્વર પૂજા માટે આપણે જે કોઈ ઉપચાર કરીએ છીએ તેનો ઉદેશ્ય બસ એક જ છે કે આપણે પણ બીજમાંથી વૃક્ષ બનીએ, સદ્જ્ઞાન મેળવીને અણુમાથી વિભુ બની જઇએ, માનવમાંથી મહામાનવ બની જઈએ. જો ખરેખર આપણે ઇશ્વરની આવી આરાધના તથા પૂજા કરી શકીએ તો આપણે હંમેશને માટે આહ્લાદનો, આનંદનો અનુભવ કરી શકીએ છીએ અને મોક્ષ તથા મુક્તિના અધિકારી પણ બની શકીશું. ભગવાનના સાચા વારસદાર અને તેમના રાજકુમાર બની શકીશું. પરમાત્માના સાચા ભક્ત બની શકીશું. આજ ઇશ્વરની સાચી પૂજાઉપાસના તથા આરાધના છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer