જાણો ભગવાન શિવના મહિમા વિશે

તાશ્વરતરોપનિષદમાં ભગવાન શિવજીને શાશ્વત સુખ આપનારા દર્શાવી કહેવાયું છે- ‘ એકો વશી નિષ્ક્રિયાણાં બહૂનામેકં બીજં બહુધા ય: કરોતિ । તમાત્મસ્થં યેડનુપશ્યન્તિ ધીરાસ્તેષાં સુખં શાશ્વતં નેતરેષામ્ ।। એમાં એમ પણ કહેવાયું છે- જ્ઞાાત્વા શિવં શાંતિમત્યન્તમેતિ : શિવજીને જાણીને માનવી અત્યંત શાંતિ પ્રાપ્ત કરે છે. યજુર્વેદનો સોળમો અધ્યાય તો ‘રુદ્ર મહિમા’નું અદ્ભુત વર્ણન કરે છે. મહાભારતના અનુશાસન પર્વના ચૌદમા અધ્યાયના તેરમાં શ્લોકમાં કહેવાયું છે- યુગે યુગે તુ કૃષ્ણેન તોષિતો વૈ મહેશ્વર :  પ્રત્યેક યુગમાં શ્રીકૃષ્ણ એ મહેશ્વર શિવની પૂજા કરી એમને પ્રસન્ન કર્યા છે. બ્રહ્મવૈવર્ત પુરાણના જન્મખંડમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજીને શિવજીનો મહિમા દર્શાવતા કહે છે- ‘ મહાદેવ મહાદેવ મહાદેવેતિવાદિન :।

પાશ્ચાદ્યામિ ભયત્રસ્તો નામશ્રવણલોભત :।। 

જે મહાદેવ, મહાદેવ એવું શિવજીનું નામોચ્ચારણ કરતા હોય છે એમની પાછળ હું નામ- શ્રવણના લોભથી ચાલતો રહું છું.’ મહાભારતની અંતર્ગત આવતા ‘હરિવંશ’માં ભવિષ્યાન્તર્ગત કૈલાસયાત્રાના ૭૩ મા અધ્યાયના ૩૫ થી ૩૮ મા શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ એમના પટરાણી રૂક્ષ્મણી ને કહે છે – ‘ સારું, તો હું પુત્ર પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ એવા કૈલાસ પર્વત પર જાવ છું. ત્યાં મહાદેવજીની ઉપાસના કરીને એમને પ્રસન્ન કરીશ. પ્રાણીમાત્રના હિતકારી, નીલલોહિત, અવ્યય એવા ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કરતાં તને પુત્રલાભ થશે. બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી તપસ્યા કરી આદિ દેવ, અજન્મા, વિભુ પરમાત્માને હું સંતુષ્ટ કરીશ. હું આજે જ અભય દાતા શિવજીના દર્શન કરવા જઈશ. મને દૃઢ વિશ્વાસ છે કે મારા તપથી પ્રસન્ન થઈ તે મને જરૃર પુત્ર પ્રાપ્તિનું વરદાન આપશે.’

એ જ રીતે મહાશિવપુરાણ ના જ્ઞાાન- સંહિતાના અધ્યાય ૬૧ થી ૭૧માં ઉલ્લેખ છે કે બટુકાચલ પર્વત પર સાત મહિના સુધી ભગવાન શ્રીકૃષ્ણ એ શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવા કઠોર તપ કર્યું હતું. શ્રીકૃષ્ણ મહાદેવજીને દરરોજ’ શિવ સહસ્ત્ર નામ’થી બિલિપત્ર ચઢાવતા હતા. એનાથી પ્રસન્ન થઈ શિવજીએ એમને અનેક વરદાનો આપ્યા હતા જેમાં મુખ્ય ‘પુત્ર પ્રાપ્તિ’ ને લગતું હતું. ભગવાન શ્રીકૃષ્ણ એ જે શિવલિંગની પૂજા કરી બિલિપત્ર ચઢાવ્યા હતા તે અત્યારે ‘ બિલ્વેશ્વર’ નામથી જાણીતું છે. જે નદીના કિનારે એ મંદિરે આવેલું છે એ નદીનું નામ પણ ‘ બિલ્વગંગા’ છે.

પદ્મપુરાણમાં ભગવાન રામ એમના ભાઈ શત્રુઘ્નને કહે છે – ‘ શિવે વિષ્ણૌ નવા  ભેદો ન ચ બ્રહ્મમહેશયો :। તેષાં પાદરજ : પૂતં વહામ્યધવિનાશનમ્ ।। શિવ અને વિષ્ણુમાં કે બ્રહ્મા અને શિવમાં કોઈ ભેદભાવ નથી. ભગવાન શિવના ચરણની પાપનાશક પવિત્ર રજને તો હું મારા માથે ચઢાવું છું.’ રામચરિત માનસ’ માં પણ ભગવાન રામ કહે છે. ‘ લિંગ થાપિ વિધિવત્ કરિ પૂજા । શિવ સમાન પ્રિય મોહિ ન દૂજા ।। તબ મજ્જનુ કરિ રઘુકુલ નાથા । પૂજિ પારથિવ નાયઉ માથા ।।

સ્કંદપુરાણમાં પણ કહેવાયું છે – ‘શિવલિઙગાર્ચનાદ્ યોગી જગદ્રક્ષણદીક્ષિત :।

શ્રી વિષ્ણુસ્તપચક્રે તસ્યૈવ સહચારિણા ।।

Leave a reply:

Your email address will not be published.

Site Footer