જાણો ભગવાન ઈસુ સાથે જોડાયેલી ચમત્કારીક કથા

જયારે બારાબ્બસને કોલસાની ખાણમાં મોકલવામાં આવ્યો. ત્રણ મહિનાના ગાળામાં કોલસાની ખાણ ધસી પડી. તે વખતે ખાણમાં ઓછામાં ઓછા ત્રણ હજાર માણસો કામ કરતા હતા પણ તે પૈકી માત્ર એક બારાબ્બસ જ બચી ગયો! બાકીના બધા અકસ્માતમાં મરી ગયા. આ માન્યામાં પણ આવતું નહોતું.અગાઉ તેને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવ્યો હતો પણ પછી તેને જીવતો ઉતારી લેવામાં આવ્યો હતો. તે વખતે પણ તેને આ બધું માનવામાં આવતું નહોતું. તે તો મરવા માટે તૈયાર જ હતો, કારણ કે તેને ખબર હતી કે તેણે એટલા બધા ગુના કર્યા છે કે મોતની સજા તેને માટે બિલકુલ બરાબર છે. છોડી મૂકવાનો તો કોઈ સવાલ જ નહોતો.

હવે ફરી પાછું કેવું થયું! ત્રણ હજાર માણસોએ જીવ ખોયો પણ માત્ર તે એકલો જ બચી ગયો. રોમના શહેનશાહ અને તેની સમ્રાજ્ઞાને પણ લાગ્યું કે બારાબ્બસ ભગવાનનો માણસ છે. બે વાર તે મોતના મુખમાંથી પાછો આવે છે. બારાબ્બસને રોમ બોલાવવામાં આવ્યો. તે એટલો તો વિખ્યાત થઈ ગયો હતો કે લોકો તેના ચરણસ્પર્શ કરવા માંડયા. લગભગ એક દૈવી જીવ જેવો તે બની ગયો હતો. તેના સ્પર્શથી પણ લોકો પોતાને ધન્ય સમજતા હતા. રોમની મહારાણી પણ બારાબ્બસનો સ્પર્શ ઇચ્છતી હતી.જોકે શહેનશાહે કહ્યું, અગાઉના બંને બનાવો અકસ્માત-યોગાનુયોગ હોઈ શકે છે. એક વધુ કસોટીની જરૂર છે.

હવેની છેલ્લી કસોટી આ પ્રમાણે હતી. દર વર્ષે ગુનેગારોને સિંહોની સાથે લડાઈની રમત રમાડવામાં આવતી હતી. ગુનેગારોને ભૂખ્યા સિંહો સાથે વગર હથિયારે લડવાનું હતું. એક ભૂખ્યા સિંહ આગળ બારાબ્બસને ફેંકવામાં આવ્યો, પણ ત્રીજી વારની આ કસોટીમાં બારાબ્બસ એ ભૂખ્યા સિંહને પહોંચી વળ્યો અને તેને મારી નાખ્યો!

શહેનશાહે વિચાર્યું, હવે આ યોગાનુયોગ હોઈ શકે નહીં. અગાઉ બધા અપરાધીઓને સિંહો ખાઈ ગયા હતા. આ પહેલી જ વાર એવું બન્યું છે કે એક માણસે, પોતાના શરીર ઉપર કોઈ ઈજા વગર સિંહને મારી નાખ્યો હતો અને પોતે વિજય હાંસલ કરી લીધો હતો.

તેને છોડી મૂકવામાં આવ્યો તેમજ તેને ત્યાંનું નાગરિકત્વ પણ આપવામાં આવ્યું. હવે તે ગુલામ નહોતો. તે દિવસોમાં રોમમાં પ્રજાની બે જ શ્રેણી હતી-કાં તો નાગરિક અથવા તો ગુલામ. તેને નાગરિકત્વ આપવામાં આવ્યું. ગુનેગારો માટે તો ખાસ આ એક બહુમાન હતું. તેણે તો ત્રણ વાર સાબિત કરી દીધું હતું કે મોતના મુખમાંથી પાછો આવી શકે છે.

ઇસુમાં ચમત્કારો સર્જવાની દૈવી શક્તિ છે તેવું પુરવાર કરવામાં ઇસાઈઓને ખૂબ તકલીફ પડી. એની સામે પ્રત્યક્ષ ત્રણ પુરાવા પછી બધાંને લાગવા માંડયું કે બારાબ્બસ ચમત્કારો કરી શકે છે. તે જ રીતે ઇસુ જ ઈશ્વરના એકમાત્ર પુત્ર છે તે પુરવાર કરવામાં પણ તેમને તકલીફ પડી. એવું જ લાગતું હતું કે બારાબ્બસ જ ઈશ્વરનો એકમાત્ર પુત્ર છે.

પણ આ બધાં વર્ષો તે ઇસુનો નિર્દોષ ચહેરો લઈને ફરતો હતો અને પોતે બચી ગયા તે માટે અપરાધભાવ અનુભવતો હતો કે આમાં ક્યાંક ભૂલ થઇ ગઇ છે. હું ત્રણવાર બચી ગયો. કોઈને ખબર ન પડે એટલા માટે ઇસાઇઓ ભૂગર્ભ-ગુફાઓમાં મિટિંગો કરતા હતા. બારાબ્બસ ગુફાઓમાં અન્ય ઇસાઇઓને મળવા માંડયો. ઇસુ શું કહેતા હતા તે તેણે ત્યાં પહેલીવાર સાંભળ્યું અને તે પોતે ખ્રિસ્તી બની ગયો.

જે દિવસે તે ખ્રિસ્તી બન્યો તે દિવસે તેને પકડી લેવામાં આવ્યો અને તેને વધસ્તંભ ઉપર ચડાવી દેવામાં આવ્યો. તે વખતે કોઈ ચમત્કાર થયો નહીં! બારાબ્બસની આખી કહાણી અનોખી લાગે તેવી છે. રોમના લોકો (કે જે અત્યારે ઇટાલિયનો છે તેઓ)ને ખ્યાલ આવવા માંડયો કે ફક્ત ઇસુ અને તેના બોધ સાથે સંકળાવાને કારણે હજારો લોકોને વધસ્તંભ ઉપર ચડાવી દેવામાં આવે છે. આમ ને આમ રોમન સામ્રાજ્યનો લોપ થઇ ગયો. રોમનોની સમગ્ર ભૂમિ ઇસાઇયતમાં ફેરવાઈ ગઇ અને ત્યાંથી ખ્રિસ્તી ધર્મ આખી દુનિયામાં ફેલાવા માંડયો.

ખ્રિસ્તી થવા માટે એટલે કે ભ્રાંત ધાર્મિક આદમી થવા માટે અપરાધભાવ એ પાયાની જરૂરિયાત છે. સાચો ધર્મ અપરાધ ભાવમાંથી નહીં પણ મૌનમાંથી, પ્રેમમાંથી, ધ્યાનમાંથી ઉદ્ભવે છે.જેઓ સત્તામાં છે તેઓ સત્તા ખોવા કરતાં, દુનિયાને નષ્ટ કરવાની બિલકુલ તૈયારીમાં છે. તેમને ખબર નહીં હોય પણ મને તેમનો તર્ક સમજાય છે. તેમનો તર્ક છેઃ અમે મરવાના જ છીએ તો પછી આખી દુનિયા જ ખતમ થઇ જાય તેમાં ખોટું શું? અમારું મોત તો નક્કી જ છે તો પાછળ દુનિયા જીવે કે મરે તેની ફિકર અમારે શા માટે કરવાની? અમે જ્યાં સુધી પૃથ્વી ઉપર હાજર છીએ ત્યાં સુધી અમારી પાસે સત્તા હોવી જ જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer