માં દુર્ગાના નવ અવતારોમાં એક છે મહાકાળી, જેમના કાળા અને ડરામણા રૂપની ઉત્પતિ રાક્ષસોનો નાશ કરવા માટે થઈ હતી. આ એક એવી શક્તિ છે જેનાથી સ્વયં કાળ પણ ભય પામે છે. એમનો ક્રોધ એટલો વિકરાળ છે કે સંપૂર્ણ સંસારની શક્તિઓ મળીને પણ તેમના ગુસ્સા પર કાબૂ નથી મેળવી શકતા. તેમના આ ક્રોધને રોકવા માટે સ્વયં ભોલેનાથને તેમના ચરણોમાં આળોટવુ પડ્યુ હતુ. આ અંગે શાસ્ત્રોમાં અલગ અલગ કથાઓ પ્રચલિત છે. પણ શું તમે જાણો છો કે શા માટે ભગવાન ભોલેનાથે માતાના ચરણોમાં આળોટવું પડ્યુ હતુ જાણીએ આ કથા.
શાસ્ત્રોમાં વર્ણિત કથા અનુસાર એક વાર રક્તબીજ નામનો દૈત્ય કઠોર તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ રહ્યો તેણે વરદાન માંગ્યુ કે તેના રક્તના એક એક બુંદમાંથી બીજો રક્તબીજ ઉત્પન્ન થાય. આ વરદાન મળ્યા પછી રક્તબીજને હરાવવો અશક્ય થઈ ગયો. રક્તબીજનો ત્રાસ વધવા જ લાગ્યો દેવતાઓ ત્રાહિમામ કરી ઉઠ્યા. તમામ દેવતાઓ મા કાળીના શરણે આવ્યા કે તેઓ કોઈ ઉપાય બતાવે.
માતા કાળીએ રાક્ષસનો વધ કરવાનું શરૂ કરી દીધુ, માતા જ્યારે રક્તબીજના શરીર પર વાર કરતી તેના રક્તથી બીજો રક્તબીજ ઉત્પન્ન થતો. આ રાક્ષસનો વધ કરવા માતાએ પોતાની જીભને લાંબી કરી દીધી. રક્તબીજનું રક્ત જમીન પર પડવાની જગ્યાએ માતાના જીભ પર પડવા લાગ્યુ માતાને એટલો ગુસ્સો હતો કે તેમની આંખો મોટી મોટી થઈ ગઈ.
મહાકાળીના આટલા વિકરાળ રૂપને જોઈને તમામ દેવતાઓ પરેશાન થઈ ગયા, તેમને કેમ શાંત કરવા તે વિચારવા લાગ્યા. તમામ દેવતાઓ મહાદેવના શરણે ગયા. ભગવાન શિવે મહાકાળીને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ માતા શાંત ન થયા અંતે ભોલેનાથ માતા મહાકાળીના પગમાં સુઈ ગયા અને આળોટવા લાગ્યા.
જ્યારે માતાનો પગ ભોલેનાથને સ્પર્શ્યો તો માતા ચોંકી ગયા અને એકદમ શાંત પડી ગયા. માતાને ખુબજ પસ્તાવો થયો કે તેમણે ભોલેનાથ પર પગ રાખ્યો માતાની જીભ બહાર રહી ગઈ. માતાનું આ સ્વરૂપ ત્યારથી ખુબજ પ્રખ્યાત છે. મા કાળી પોતાના ભક્તોની તાત્કાલીક મદદ કરે છે.