ભગવાન શિવ શા માટે પહેરે છે ચર્મ, જાણો તેનું રહસ્ય

શિવની વેશભૂષા આજે પણ ચર્ચાનો વિષય છે. ભોલેનાથની જટામાં ગંગા સમાયેલ છે. ભાલ પર ચંદ્ર શોભી રહ્યો છે. ગળામાં સર્પ ધારણ કર્યા છે. શરીર પર ભસ્મ લગાવી છે. ગળામાં મુંઢમાળા ધારણ કરી છે. આ સૌમાં તેમણે જે વસ્ત્ર ધારણ કર્યુ છે તે અંગે એક કથા પ્રચલિત છે. ચાલો જાણીએ મૃગચર્મ સાથે જોડાયેલી આ અદ્ભૂત કથા.

હિરણ્યકશ્યપને મળેલા વરદાનને કારણે જ્યારે સ્વયં વિષ્ણુ ભગવાન તેના સંહાર માટે નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપનો વધતો ભગવાન વિષ્ણુએ કર્યો પણ તેમનો ક્રોધ શાંત થવાનું નામ નહોતો લેતો. તેમના ક્રોધથી સમસ્ત જગત ભયભીત થઈ ગયુ અને તમામ દેવી દેવતાઓ કાંપવા લાગ્યા. ત્યારે સમસ્ત દેવગણે શિવજીના ચરણમાં જઈને નૃસિંહ ભગવાનને શાંત કરવાનો આગ્રહ કર્યો. નૃસિંહ ભગવાનના ગુસ્સાને શાંત કરવા શિવે શાલભ અવતાર ધારણ કર્યો.

ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર છે શાલભ અવતાર. લિંગપુરાણમાં શિવજીનાં શાલભ અવતારની કથા છે. શાલભ પક્ષી અંગે માન્યતા છે કે પૌરાણિક કાળમાં આ એક એવું પક્ષી હતુ જે સિંહ કરતા પણ શક્તિમાન હતુ, જેના આઠ પગ હતા. શિવ આ અવતારમાં ગરૂડ, સિંહ અને મનુષ્યનું મિશ્રિત રૂપ ધારણ કરીને શાલભ કહેવાયા.

ભગવાન શિવ આ જ અવતારમાં ભગવાન નૃસિંહ પાસે પહોંચ્યા અને તેમની સ્તુતિ કરી, નૃસિંહ ભગવાન તો પણ શાંત ન થયા. આ જોઈને શાલભ રૂપી ભગવાન શિવ પોતાની પુછમાં નૃસિંહને લપેટીને ઉડ્યા. શાલભ ચાંચથી નૃસિંહ ભગવાન પર વાર કરવા લાગ્યા. આ રીતે ભગવાન નૃસિંહનો ક્રોધ શાંત થયો.

નૃસિંહ ભગવાને શિવના શાલભ અવતારની ક્ષમા યાચના કરી અતિ વિનમ્ર ભાવથી શિવને નિવેદન કર્યુ કે તેમનું ચર્મ ધારણ કરે. અને આસન તરીકે સ્વીકાર કરે. ત્યારબાદ નૃસિંહ ભગવાન વિષ્ણુના તેજમાં ભળી ગયા. અને શિવે આ ચર્મને આસન તરીકે સ્થાપિત કર્યુ. આ રીતે ભગવાન શિવે શાલભ અવતાર ધારણ કરી ભગવાન નૃસિંહની ક્રોધાગ્નિથી સૃષ્ટીની રક્ષા કરી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer