દર વર્ષે ભૈરવ સાધના ઉપાસકો દ્વારા ભગવાન કાલભૈરવની જન્મજયંતી કારતક વદ સાતમનાં દિવસે શ્રધ્ધા અને ભાવ-ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે. ભગવાન શિવજીની આજ્ઞાથી શિવનાં આ સ્વરૂપે હંમેશા માનવ કલ્યાણનું જ કાર્ય કર્યું છે. ભગવાન કાલભૈરવ કલિયુગનાં આરાધ્યદેવ તરીકે સ્થાન પામ્યા છે. કળિયુગનાં પ્રમુખ ચાર આરાધ્યદેવ છે. જેઓ ‘સિંદૂરિયાદેવ’ તરીકે ઓળખાય છે. જેવા કે ગણેશજી, હનુમાનજી, ચંડી, કાલભૈરવ. તેમના એક ભગવાન શિવનાં અંશ સ્વરૂપ કાલભૈરવ છે. તેઓ સિંદૂરિયા દેવ હોવાથી માત્ર સિંદુરના અભિષેક કરવાથી ભક્તો પર પ્રસન્ન થાય છે. ભક્તો પરની તેમની કૃપા શિવજીની જેમજ શીઘ્ર ઉતરતી હોય છે.

પુરાણ શાસ્ત્રોમાં કાલભૈરવનાં પ્રાગટયની અલગઅલગ કથાઓ જાણવા મળે છે. જો કે દરેક કથા, અંતમાંતો સૃષ્ટિ- કલ્યાણનો હેતુ જ સ્પષ્ટ કરે છે.
એક કથા મુજબ તારકાસર નામનાં એક શક્તિશાળી દાનવને બ્રહ્માજીએ તેને અમરત્ત્વનું વરદાન નહીં આપતા, તેનું મૃત્યુ માત્ર શિવપુત્રનાં હાથે જ થશે, તેવું વચન આપ્યું. મદોન્મત બનેલા તારકાસુરે સ્વર્ગ આંચકી લીધું, દેવો નિરાધાર થઈ ગયા અને શ્રી હરિનાં શરણમાં ગયા. બ્રહ્માજીનાં વરદાન મુજબ શિવપુત્ર જ તારકાસુરનો વધ કરી શકે તેમ હોવાથી શ્રી હરિવિષ્ણુએ શિવનો વિવાહ દક્ષ પ્રજાપતિની પુત્રી સતી સાથે કરાવ્યો. પણ દક્ષે શિવનું અપમાન કર્યું. તેમના વિષે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા. સતીથી આ સહન ન થયું, એટલે પોતાનાં દેહને યજ્ઞાનાં અગ્નિકુંડમાં સમર્પિત કરી દીધો.

એક તરફ તારકાસુરનો અત્યાચાર વધતો ગયો, તો શિવજી તો પાર્વતીજીની વિદાયથી શોકાતુર બની ગયા. આજ સમયે શ્રી હરિવિષ્ણુએ પોતાનાં સુદર્શન ચક્ર છોડી સતીનાં ટુકડા કરી, પૃથ્વી પર વેર્યા. શિવજીએ આ વેરાયેલા બાવન ટુકડા પર શક્તિપીઠનું નિર્માણ કર્યું. પરંતુ તારકાસુરે શક્તિ પીઠોનો સંપૂર્ણનાશ કરવા પ્રયાસો શરૂ કર્યા. શિવજીએ તમામ બાવન શક્તિપીઠોનાં રક્ષણાર્થે પોતાની પ્રતિકૃતિ સમાન જટામાંથી કાલભૈરવનું સર્જન કર્યું. શિવજીની આજ્ઞાાથી કાલભૈરવે રૌદ્ર સ્વરુપ ધારણ કરી તારકાસુરનાં સૈન્યનો નાશ કરીને બધી શક્તિ પીઠોનું રક્ષણ કર્યું. આજે પણ બાવન શક્તિ પીઠોનું રક્ષણ કરવા માતાજી સાથે જ ભગવાન કાલભૈરવ મંદિરની બહાર સંરક્ષક તરીકે બિરાજમાન છે.

કાલભૈરવની પ્રાગટયકથા પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તેઓ ભગવાન શિવજીનાં જ ત્રિગુણાત્મક સ્વરૂપ છે. તેઓ ક્ષેત્રપાલ અને ભૂત-પ્રેતલોકનાં કાલભૈરવ અધિપતિ દેવ પણ છે, ચતુભુજ છે. તેમના હાથમાં ત્રિશૂળ, ડમરુ, કમળપુષ્પ અને શ્વાન ધારણ કરેલા છે. ત્રિશૂળ ત્રિવિધ-તાપ હતોનું પ્રતિક છે.શાસ્ત્રોમાં કાલભૈરવનું નિવાસસ્થાન વટવૃક્ષ મનાયું છે. શ્વાન કાલભૈરવનું વાહન હોવાથી તેના પ્રત્યે દયાભાવ રાખીને ભોજન કરાવવાથી કાલભૈરવ પ્રસન્ન થાય છે.

કાશીનાં ગંગાતટે આવેલા ‘કપાલમોચન’ નામના ઘાટ પર, જ્યાં કાલભૈરવ બ્રહ્મહત્યાનાં પાપથી મુક્ત બનીને હંમેશ માટે ત્યાં સ્થાયી થયા. દર વર્ષે ભૈરવ જયંતી પર હજારોની સંખ્યામાં ભૈરવભક્તો’કપાલ-મોચન’ કાશીએ ઉમટી ભગવાન કાલ ભૈરવની ઉપાસના કરી. પાપ મુક્ત થવા પ્રાર્થના કરે છે. ભૈરવ જયંતી ઉપરાંત, નવરાત્રિની નોમ તથા કાળી, ચૌદશની રાત્રી પણ ભૈરવ ઉપાસના માટે ઉત્તમ મનાય છે.