વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. એક પછી એક એમ દેવકીનાં બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રીકૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રીકૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.
ભગવાનનો પ્રાદુર્ભાવ થતાંની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો” અને વસુદેવ-દેવકીને બીજાં વધુ ૧૧ વર્ષ અને ૫૨ દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. ” યદા યદા હી ધર્મસ્ય” આ કોલ પાળવા શ્રીકૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં, પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!
શ્રીકૃષ્ણ
એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં
આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”
વસુદેવ
યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની
બહેન મહામાયા જ હતી. બ્રહ્મસંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના
હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહનાં દ્વાર બંધ થઈ ગયાં. આ બધા પ્રસંગો તો અવતાર
ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર
લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યા.
શ્રીકૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યા હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી
નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રીકૃષ્ણના
અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી. વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો
પ્રસંગ અદ્ભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઊજવાયો છે. શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના
આઠમા અવતાર હતા, વળી તિથિ
પણ શ્રાવણ વદ આઠમ.
ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે. કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રીકૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે. પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું