પુરાણમાં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ ‘ગણેશ’ સ્વરૂપે પ્રક્ટ થયા હતા

ભગવાન શ્રીગણેશના રૂપમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ જ છે એવો નિર્દેશ અને એમના આવિર્ભાવને લગતા પ્રસંગોનું વિસ્તૃત વર્ણન બ્રહ્મવૈવર્તપુરાણના ગણપતિ ખણ્ડમાં જોવા મળે છે. પાર્વતી સાથે શિવજીના લગ્ન થયા બાદ ઘણો સમય વીતી જવા છતાંય એમને કોઈ સંતતિ થઈ નહીં એટલે પાર્વતી ઉદાસ બન્યા. ભગવાન શંકરે એનું કારણ પૂછયું ત્યારે તેમણે તે જણાવ્યું. આ સાંભળી તેમણે પાર્વતીને કહ્યું-‘ હરેરારાધનં કૃત્વા વ્રતં કુટુ વરાનનો વ્રતં ચ પુણ્યકં નામ વર્ષમેક કરિષ્યસિ ।। વ્રતસ્યાસ્ય પ્રભાવેણ સ્વયં ગોપાઙગનેશ્વર :। ઇશ્વર : સર્વભૂતાનાં તવ પુત્રો ભવિષ્યતિ ।। હે સુંદર મુખારવિંદવાળા પાર્વતી, ભગવાન શ્રીહરિની આરાધના કરીને ‘પુણ્યક’ નામનું  ઉત્તમ વ્રત એક વર્ષ સુધી કરો. આ વ્રતને વિધિપૂર્વક કરવાથી ગોપાંગનાઓના ઇશ્વર શ્રીકૃષ્ણ જ તમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે.

ભગવાન શિવજીના આ વચનો સાંભળીને ભગવતી પાર્વતીએ પૂર્ણ શ્રદ્ધા સાથે વિધિપૂર્વક આ વ્રત કર્યું. એના ફળ રૂપે આકાશમાંથી એક તેજ પુંજ પ્રકટ થયો. એમાંથી પીતાબંરધારી ભગવાન શ્રીકૃષ્ણ પ્રકટ થયા. એમની સ્તુતિ કરતાં ભગવતી પાર્વતીએ કહ્યું- ‘ સ્તૌમિ ત્વામેવ તેનેશ પુત્રદુખેન દુ:ખિતા । વ્રતે ભવદ્વિધં પુત્રં લબ્ધુમિચ્છામિ સાંપ્રતમ્ ।। પુત્રના અભાવથી દુ:ખી થયેલી હું તમારી સ્તુતિ કરું છું. આ વ્રતથી હું આપના સમાન પુત્ર માંગુ છું, એમના વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીકૃષ્ણે એમના એમને અભીષ્ટ વરદાન આપ્યું અને અંતર્ધાન થઈ ગયા.

થોડા સમય બાદ એક વૃદ્ધ ભૂખ્યા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ભગવાન શ્રીકૃષ્ણ એમના દ્વારે આવીને ઉભા રહ્યા અને અન્નપૂર્ણા પાસે ભોજન માંગવા લાગ્યા- હે ભગવતી મને એટલું ભોજન આપો કે હું કૃશોદર મટી ‘લંબોદર’ થઈ જાઉં ! અંદર ઉતરી ગયેલું મારું પેટ બહાર આવીને ગાગર જેવું મોટું થઈ જાય. અન્નપૂર્ણા પાર્વતીએ એમને પુષ્કળ ભોજન આપ્યું. એ આરોગીને તે અંતર્ધાન થઈ ગયા. એ વખતે આકાશવાણી થઈ- હે પાર્વતી ! તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો તે તમારા ઘરમાં પ્રકટ થઈ ગયા છે ! ગણેશના રૂપમાં પ્રત્યેક કલ્પમાં ભગવાન શ્રીકૃષ્ણ તમારા ત્યાં અવતરિત થતા રહેશે.’

ભગવાન શંકર અને પાર્વતીએ અંદર જઈને જોયું તો એક અત્યંત દૈદીપ્યમાન શિશુ એમના પલંગ પર રમી રહ્યું છે ! ભગવાન શંકરે એના બળ-પરાક્રમ અને બુદ્ધિને જોઈને એને પોતાના પ્રમથ વગેરે ગણોનું આધિપત્ય આપ્યું. એ કારણે એ’ ગણપતિ’ અને ‘ગણેશ’ નામથી ઓળખાવા લાગ્યા. ગણેશ’વિઘ્નહર્તા’ બન્યા. જેમ ભગવાન શ્રીકૃષ્ણની નામોચ્ચારણથી બધા સંક્ટ દૂર થાય છે તે જ રીતે ભગવાન શ્રી ગણેશના નામોચ્ચારણથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં કહેવાયું છે-‘ ગણેશપૂજને વિઘ્નં નિર્મૂલ જગતાં ભવેત્ । નિર્વ્યાધિ: સૂર્યપૂજાયાં શુચિ: શ્રી વિષ્ણુપૂજને ।। કોઈપણ કાર્યના આરંભમાં ભગવાન ગણેશજીની પૂજા કરવાથી સંસારના વિઘ્ન જડમૂળથી દૂર થઈ જાય છે. સૂર્યની પૂજાથી શરીરના રોગ દૂર થઈ જાય છે અને ભગવાન વિષ્ણુની પૂજાથી બહાર અને અંદર પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે.

વેદમંત્રના ઉચ્ચારણ પૂર્વે ઓમ નું ઉચ્ચારણ કરવું જરૂરી છે. એ રીતે ધાર્મિક ગ્રંથો અને ક્રિયાકાંડોના આરંભમાં ગણેશનું નામસ્મરણ કરવું જરૂરી ગણાવ્યું છે. ગણેશપુરાણ કહે છે કે શ્રી ગણેશ ઓંકારરૂપ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે’ આ કામના શ્રીગણેશ થઈ ગયા છે’ ત્યારે એનો અર્થ એ જ થાય છે કે’ આ કામનો આરંભ થઈ ગયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer