એક દિવસ મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત નામદેવ આશ્રમમાં તેમના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતાં. તેઓ ભક્તિ અને જ્ઞાનનું મહત્ત્તવ સમજાવી રહ્યા હતા. ત્યારે તેમના એક શિષ્યએ પૂછ્યું કે ઈશ્વર દરેક જગ્યાએ કેમ નથી દેખાતા? જો ભગવાન છે તો તેમને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે?
સંત નામદેવે એક બીજા શિષ્યને એક લોટો પાણી અને થોડું મીઠું લાવવા માટે કહ્યું. શિષ્ય તરત આ બંને વસ્તુ લઈને આવી ગયો. આશ્રમમાં હાજર લોકો વિચારી રહ્યા હતા કે પાણી અને મીઠાનો પ્રશ્ન સાથે શું સંબંધ છે.
સંત નામદેવે શિષ્યને કહ્યું કે, પાણીમાં મીઠું નાખવાનું કહ્યું. શિષ્યે તરત ગુરુની વાત માનીને મીઠું નાખી દીધું. ત્યારબાદ સંતે પ્રશ્ન પૂછનારા વ્યક્તિને લોટો આપતા કહ્યું કે, તને આ લોટામાં મીઠુ દેખાઈ રહ્યું છે?
શિષ્યે કહ્યું કે, પાણીમાં મીઠું ઓગળી ગયુ હોવાથી તે નથી દેખાઈ રહ્યું. ત્યારે સંતે કહ્યું, તેનો સ્વાદ ચાખ અને જુઓ કે તેમાં મીઠાનો સ્વાદ છે કે નહીં. જ્યારે શિષ્યે પાણીનો સ્વાદ ચાખ્યો તો તે ખારું હતું. તેને કહ્યું તેમાં મીઠું છે અને પાણી ખારું છે. ત્યાર બાદ સંતે કહ્યું કે આ પાણીને થોડીક વાર ઉકાળો. ઉકળતા ઉકળતા બધું પાણી બાષ્પીભવન થઈને ઉડી ગયું. સંતે શિષ્યને લોટોમાં જોવા માટે કહ્યું અને પૂછ્યું કે શું તેમાં કઈ દેખાઈ રહ્યું છે.
શિષ્યે લોટામાં જોઈને કહ્યું કે, ગુરુજી પાણીતો બાષ્પીભવન થઈને ઉડી ગયું તેમાં મીઠાનાં કણો દેખાઈ રહ્યા છે. સંતે કહ્યું કે, તને પાણીમાં નાખેલું મીઠું દેખાઈ નથી રહ્યું પરંતુ તું તેનો અનુભવ કરી શકે છે તેવી જ રીતે ભગવાન પણ આ સૃષ્ટિનાં કણ-કણમાં બિરાજમાન છે પરંતુ તેઓ દેખાતા નથી તેમનો માત્ર અનુભવ જ કરી શકાય છે.
જ્યારે આપણે ખારું પાણી ઉકાળ્યું તો બધું પાણી બાષ્પીભવન થઈ ગયું અને માત્ર મીઠાના કણ દેખાતા હતા. તેવી જ રીતે ભગવાને મેળવવા માટે આપણે ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને ધર્મ કર્મ દ્વારા પોતાની દુષ્ટતાઓને દૂર કરવી પડશે. મનને શુદ્ધ કર્યા બાદ ભગવાને પ્રાપ્ત કરી શકાય છે.