નવરાત્રી પર્વે મા ભગવતી પ્રત્યે પ્રેમભાવથી, પૂજા, પાઠ, ઉપવાસ, સ્તુતિ કરી, જીવનનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરવો જોઈએ

સચ્ચાઈ પૂર્વકના સંકલ્પની સાથે ભગવાનને- માઆદ્યશક્તિને સતત પ્રાર્થના નિયમિત કરવી જોઈએ, જેથી તેમની શક્તિનો પ્રવાહ રોમેરોમે વહેવા માંડે ને આપણે કાર્યરત થઈ શકીએ. આપણી ચેતના તૈયાર હશે તો, આપણા પ્રત્યેક કોષમાં દિવ્યશક્તિનો પ્રવાહ ઝીલાશે.

નિયમિત પણ એકાગ્રતાપૂર્વક મનમાં ભાવના કરવાની કે જાણે શરીરમાં એકે એક કોષમાં દિવ્ય શક્તિ ઉતરી રહી છે. આ શક્તિનો જેમ જેમ અનુભવ થશે, તેમ તેમ અંદરનું રૂપાંતર થશે જ. સાચું જાણવા છતાં તે ન કરવું તે હિંમતની ગેર હાજરી છે. કાર્ય કુશળતાનો પાયો દૃઢચિત્તાના છે.

આ સમયે આપણે જાગૃતપણે સાવચેતી પણ રાખવાની કે, નાની નાની શ્રુલ્લક બાબતો, આપણને અશાંતતો નથી બનાવતીને ‘ક્ષુબ્ધ’ થઈએ ત્યારે પ્રભુનો-મા જગદંબાનો પ્રકાશ ઝીલાતો નથી. બહારના પ્રત્યાઘાતોથી જો ખળભળી જઇશું તો, સાધનામાં વિક્ષેપ ઉભો થશે. મનને ભટકતું બંધ કરી, શાંત રહો. ને .. પૂરા પ્રેમથી પ્રભુને જગદંબાને પૂરા પ્રેમથી પોકારો કે વિશ્વાસ દૃઢ કરો કે, ‘હું મારા માર્ગથી વિચલિત થવાનો નથી.

આવા સમયે તીવ્ર પ્રાર્થના થાય તો, અંતરમાંથી જ હિંમત પ્રગટે છે. પ્રાર્થના એ ભાવાત્મક ધ્યાન છે. એનું પરિણામ એ હશે કે, મુશ્કેલીઓ તરફ જોવાનો અભિગમ બદલાઈ જશે… આવેલી મુશ્કેલીઓ અતિ ક્ષુલ્લક બની જશે. જેના શિર પર સરજનહાર સોઈનર શીદને ડરે? કેશરીકેરાં બાળવનમાં ફરે…

શંકા- કુશંકાની જાળમાં બુધ્ધિ ફસાઈ જતી હોય છે. ‘હું ભગવાનનો દાસ છું. હું શંકાની જાળમાં ફસાવાનો નથી. ભગવાનનો. મા જગદંબાનો વરદ હસ્ત મારું રક્ષણ કરી રહ્યો છે. પછી મારે ડરવું શા માટે ? એવી સબળ પ્રાર્થનાથી શંકાનાં વાદળ શમી જશે.

સબળ શ્રદ્ધા એતો મુખ્ય પાયો છે. પણ ભગવાને આપણને શક્તિ આપી છે તેને કર્મયોગમાં જોડવાની છે. નિષ્ક્રિય બની આળસ- પ્રમાદને સેવવામાં ફસાઈ જવાનું નથી. નક્કી કરેલી દિશામાં કાર્ય કરવા મંડી પડવાનું છે.

પ્રાણમય શ્રદ્ધા અને ચૈતસિકશ્રદ્ધા આપણા માટે ભાગ્ય વિધાતા બનશે. રોજીંદા જીવનનાં કાર્યો પણ જાગૃત પણે કરવા પડે. સમગ્ર માનવ- સ્વભાવ (પ્રકૃતિ)નું રૂપાંતર કરવા કર્મયોગ અનિવાર્ય છે. આ કર્મયોગ ભગવાનને સમર્પિત કરતા રહેવું પડે. મનરૂપી હાથીને ધર્મકૃત્યોમાં સ્નાન કરાવી પછી નમ્રતારૂપી તબેલામાં પૂરી દેવો.

દરેક કાર્યમાં પોતાની પૂર્ણ ચેતના રેડીને ભગવાનને અર્પણ કરવાના હેતુથી કાર્ય કરવાનું છે. પ્રભુને નિવેદન કરી, કાર્ય માટે તેમની પ્રેરણા શક્તિની અભિપ્સા કરીને પછી કાર્ય કરવામાં આવે તો કાર્ય ઉત્તમ બને. પ્રત્યેક કાર્ય જીવનસાધનાના ભાગ રૂપે થવું જોઈએ.

નવરાત્રી પર્વે મા ભગવતી પ્રત્યે પ્રેમભાવથી, પૂજા, પાઠ, ઉપવાસ, સત્કાર્ય, સ્તુતિ કરી, સત્ત્વશીલ જીવનનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરવાની જરૂર છે. પ્રભુકૃપાએ… મા આદ્યશક્તિની કૃપાથી, સત્વશીલ જીવન તરફ, ગતિ- મતિ થશે તો, નવરાત્રીપર્વનો શક્તિ ઉપાસનાનો સંદેશ આપણે હૃદયમાં ઝીલ્યો છે એમ કહેવાશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer