દ્રૌપદીએ લીધા ભીષ્મ પિતામહના આશીર્વાદ અને બચી ગયા પાંડવોના પ્રાણ

મહાભારત કાળમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું તેમાં દુર્યોધનને અપેક્ષા પ્રમાણે સફળતા પ્રાપ્ત ન થતાં તે કૌરવોના સેનાપતિ ભીષ્મ પિતામહની ઉપેક્ષા કરવા લાગ્યો હતો. આ વાતથી દુઃખી થઈને ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે તેઓ કાલે તમામ પાંડવોનો વધ કરી નાખશે. જ્યારે આ વાત પાંડવોને ખબર પડી ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. કેમ કે, ભિષ્મને યુદ્ધમાં હરાવવું અશક્ય હતું.

એ દિવસે સૂર્યાસ્ત બાદ શ્રીકૃષ્ણ દ્રોપદીને લઈને ભીષ્મ પિતામહને મળવા ગયા. શ્રીકૃષ્ણ શિબિરની બહાર ઊભા રહી ગયા અને દ્રોપદીને અંદર જઈને પિતામહના આર્શીવાદ લેવાનું કહ્યું હતું. શ્રીકૃષ્ણની વાત માનીને દ્રોપદી ભીષ્મ પિતામહની પાસે ગયા અને પ્રણામ કર્યા. ભીષ્મએ પોતાની કુળવધુને અંખડ સૌભાગ્યવતીના આર્શિવાદ આપ્યા.

ભીષ્મએ દ્રોપદીને પૂછ્યું કે તું આટલી મોડી રાતે એકલી કેવી રીતે આવી? શું શ્રીકૃષ્ણ તને અહીં લઈને આવ્યા છે? દ્રોપદીએ કહ્યું હા પિતામહ, શ્રીકૃષ્ણ શિબિરની બહાર ઊભા છે.

આ સાંભળીને ભીષ્મ તરત દ્રોપદીને લઈને શિબિરની બહાર આવ્યા અને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. ભીષ્મએ શ્રીકૃષ્ણને કહ્યું કે, મારા એક વચનને બીજા વચનમાં પરિવર્તિત કરવાનું કામ તમે જ કરી શકો છો.

ત્યારબાદ શ્રીકૃષ્ણ અને દ્રોપદી પોતાની શિબિર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણએ દ્રોપદીને કહ્યું હવે પાંડવોને જીવનદાન મળી ગયું છે. વડિલોનો આર્શિવાદ કવચ સમાન હોય છે, તેને કોઈ અસ્ત્ર-શસ્ત્ર ભેદી નથી શકતું. આજે તેં એકવાર પિતામહને પ્રણામ કર્યા અને બધા પાંડવો સુરક્ષિત થઈ ગયા. જો તેં દરરોજ ભિષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય, કૃપાચાર્યને પ્રણામ કર્યા હોત અને દુર્યોધન-દુશાસનની પત્નીએ પાંડવોને પ્રણામ કર્યા હોત તો યુદ્ધની સ્થિતિ જ ન સર્જાઈ હોત. બધા લોકોએ પોતાનાં કુળનાં વરિષ્ઠ લોકોનું સન્માન કરવું જોઈએ, ત્યારે જીવનમાં સુખ-શાંતિ મળે છે. નહીં તો ઘરમાં કંકાશ રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer