વ્યક્તિની સારી-ખરાબ આદતોની અસર તેના ઘર-પરિવારના બધા લોકોના જીવન પર પણ થાય છે. એટલા માટે ખરાબ ટેવોને ઝડપથી છોડી દેવી જોઈએ. જાણો એવી જ ખરાબ ટેવો જેના લીધે આખા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહંકારથી બચો. અહંકાર જ્યારે પરિવારમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં વ્યક્તિવાદ હાવી થઈ જાય છે.
માત્ર પોતાનો લાભ ન જુઓ- પરિવારમાં માત્ર પોતાનો લાભ ન જોવો જોઈએ. પરિવારના બધા સદસ્યો વિશે વિચારવું જોઈએ. ખોટા કામ કરવાથી બચવું- પરિવાર આગળ લાવવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે શું કરી રહ્યાં છીએ, શા માટે કરી રહ્યાં છીએ અને તેનું કેવું પરિણામ ભોગવવું પડશે. તમે કંઈપણ કરો, જો ખોટું કામ કર્યું હોય તો તેની કીમત આખા પરિવારને ચુકવવી જ પડશે.
રાવણના જીવનથી સમજો આ 3 વાતોની અસર- રાવણના ક્રોધ અને અહંકારે તેનો સર્વનાશ કર્યો, એટલું જ નહીં તેના આખા રાક્ષસકુળને પોતાનો જીવ આપીને તેના કુકર્મોની કીમત ચુકવવી પડી હતી. શક્તિના અભિમાનમાં રાવણે ક્યારેય એવું વિચાર્યું ન હતું કે તેના પરિવારનો પણ વિનાશ થઈ જશે. રાક્ષસકુળના મોટાભાગના સદસ્યો રાવણની ખુશામત કરતાં હતા, કેટલાંક તેનાથી ડરતાં હતાં અને જે નિડર થઈને સત્ય બોલતાં હતા, તેમની વાત રાવણ સાંભળતો ન હતો. આખા પરિવારની લગામ રાવણના હાથમાં હતી, પરંતુ રાવણ પોતે તેના અહંકારના હાથની કઠપુતળી હતો. તેનો અહંકાર જે કરાવે, રાવણ એવું જ કરતો.
પરિણામ આપણી સામે છે. જો રાવણે એક પળ માટે પણ એવું વિચાર્યું હોત કે તેના કર્મોની પરિવાર ઉપર શું અસર થઈ રહી છે તો કદાચ તે આટલી મોટી ભૂલ કરતાં બચી ગયો હોત. માત્ર અહંકારને કારણે જ તેને પોતાના કર્મોમાં પરિવારના હિત-અહિતનું ધ્યાન ન રાખ્યું. હંમેશાં યાદ રાખવું જોઈએ કે તમારા દરેક કામની એક પાતળી ડોર પરિવાર સાથે બંધાયેલી છે. આપણું કર્મ જે દિશામાં હશે, પરિવાર પણ એ દિશામાં જ ખેંચાઈ જશે.