ચહેરા પર કે શરીરના અન્ય ભાગોમાં કોઇ ને કોઇ અકસ્માતને કારણે સર્જાયેલા ડાઘા પ્રસંગોપાત તમને ખૂંચતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઇ પાર્ટી કે ફંકશનમાં જવું હોય ત્યારે વિવિધ મેક-અપનો સહારો લઇને તેને તમારે પરાણે છુપાવવા પડતા હોય છે. પણ અહીં આપવામાં આવેલી ટિપ્સ અનુસરશો તો તમારી આ મુશ્કેલીમાં તમને અચૂક લાભ થશે.
ચહેરા અથવા બોડી પરના ડાઘ-ધબ્બા ઘણીવાર શરમનું કારણ બને છે. બળતરા, કાપ, વાગ્યાના નિશાન, અકસ્માત અથવા કોઇ બિમારીના કારણે થયેલા ડાઘ સિવાય કેટલાંક લોકોના શરીર પર બાળપણથી જ કેટલાંક રહી જાય છે. તમે ગમે તેટલી મોંઘી ક્રીમનો ઉપયોગ કેમ ના કરી લો,
પરંતુ જે અસર ઘરેલુ નુસખામાં હોય છે, તે કોઇ ક્રીમમાં નથી હોતી. સૌથી મોટી વાત એ છે કે, આ ઘરેલુ નુસખામાં કોઇ સાઇડ ઇફેક્ટનો ડર નથી રહેતો. ના તો વધારે પૈસા ખર્ચ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની ચીજો તમારી રસોઇમાં મળી રહેતી હોય છે.
હળદરને આયુર્વેદમાં અત્યંત ગુણકારી ગણાવવામાં આવી છે. અનેક રીતે તે શરીરને ઉપયોગી થાય છે. તે તમને તમારા ચહેરા પરના ડાઘા દૂર કરવામાં પણ મદદરૂપ બનશે. હળદરના પાવડરને દેસી ઘી સાથે ભેળવો. આ મિશ્રણને તમારી આંગળી વડે ચામડી પરના ડાઘા પર લગાવો. 20 મિનિટ બાદ તેને ધોઇ દો. આ મિશ્રણ સંપૂર્ણપણે ડાઘા દૂર કરી દેવા સક્ષમ છે. તેમ છતાં કોઇપણ જાતના અખતરા કરતા પહેલા તમારા ફિઝિશ્યનને પૂછી લેવું યોગ્ય છે.
ડાઘા કાઢવા માટેનો અન્ય એક ઘરગથ્થું ઉપચાર કંઇક આવો છે. બેકિંગ સોડાનો એક ભાગ અને તેના બે ભાગનું પાણી લઇને બંનેને મિક્સ કરો. જ્યાં ડાઘ પડ્યા હોય ત્યાં હળવા હાથે આ મિશ્રણને એકાદ મિનિટ સુધી ઘસો. બાદમાં તેને ઘોઇ લો. ધ્યાન રાખો આ મિશ્રણને ચહેરાના ડાઘ પર હળવાશથી ઘસવામાં આવે, બહુ ભાર દઇને નહીં.
એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી મોજૂદ હોય છે. સાથે સાથે તે ડેડ સ્કિન હટાવવામાં પણ મદદ કરે છે. એલોવેરાના બહારના ભાગને છીણીને જેલ કાઢી લો. ડાઘવાળા એરિયા પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 30 મિનિટ બાદ તેને ધોઇ લો, તેને ક્યારેય ખુલ્લા ઘા પર ના લગાવો.
લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુંનો રસ, ગુલાબજળ અથવા વિટામિન E ઓઇલ મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. 10 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો. આવું કરવાથી થોડાં કલાકો બાદ જ તડકામાં નીકળો.
વિટામિન E સ્કિનને હાઇડ્રેટ કરે છે અને ડેમેજ ટિશ્યૂને રિપેર કરીને ડાઘથી છૂટકારો અપાવે છે. તેના ઉપયોગ પહેલાં ગરમ પાણીની વરાળ લેવાનું ના ભૂલો. તે ચહેરાના પોર્સ ખોલવામાં મદદ કરે છે. વિટામિન E કેપ્સૂલને કાપીને તેના ઓઇલને કાઢી લો. હવે ડાઘવાળા એરિયા પર તેનાથી 10 મિનિટ સુધી મસાજ કરો, ત્યારબાદ 15થી 20 મિનિટ સુધી આમ જ છોડી દો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઇ લો.
એસ્પ્રિનમાં મોજૂદ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને સેલિસિલિક એસિડ ડાઘને ખતમ કરવામાં મદદ કરે છે. 2 એસપ્રિન ટેબલેટ્સ લો અને તેને પાણીમાં યોગ્ય રીતે મિશ્રણ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટમાં મધ મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 15 મિનિટ બાદ ધોઇ લો.
આંબળામાં રહેલું વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આંબળા પાઉડર અથવા પેસ્ટ અને પાણી મેળવીને ડાઘવાળા એરિયા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.
ઓટમીલ તેની હિલિંગ પ્રોપર્ટીના કારણે ડાઘથી છૂટકારો અપાવશે. એક ચતુર્થાંશ કપ ઓટમીલમાં 2 મોટી ચમચી મધ મેળવીને ડાઘવાળા એરિયા પર 15થી 20 મિનિટ લગાવીને રાખો અને પછી હળવા ગરમ પાણીથી ધોઇ લો.
ટી-ટ્રી ઓઇલ તેની એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી અને હિલિંગ પ્રોપર્ટીઝના કારણે ડાઘને ખતમ કરવામાં અસરદાર હોય છે. 4 ટીપાં ટી-ટ્રી ઓઇલમાં 2 મોટી ચમચી પાણી મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો. તમે ઇચ્છો તો પાણીને બદલે બદામનું તેલ પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ક્યારેય ડાયલ્યૂટ કર્યા વગર ટી-ટ્રી ઓઇલનો ઉપયોગ ના કરો.