હિંદુઓમાં અનેરું મહત્વ છે છઠ પૂજાનું. જો કે હવે આ તહેવાર અનેક જગ્યાઓએ મનાવવામાં આવી રહ્યો છે. ભારતના બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, નેપાળ અને અનેક વિસ્તારોમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. છઠના તહેવારમાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો રિવાજ છે. પૌરાણિક માન્યતા અનુસાર છઠ સૂર્યદેવની બહેન છે અને સૂર્યોપાસના કરવાથી છઠ માતા પ્રસન્ન થઈને ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના આર્શિવાદ આપે છે.
કાર્તિક છઠ પૂજાનું છે ખાસ મહત્વ : ભગવાન ભાસ્કરની આરાધનાનું પર્વ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે. ચૈત્ર શુક્લની ષષ્ઠી અને કાર્તિક શુક્લની ષષ્ઠી. ચૈત્ર મહિનાની છઠ ઘણા ઓછા લોકો કરે છે. પણ કાર્તિક શુક્લ છઠને તહેવારના સ્વરૂપે ઉજવવામા આવે છે. કેટલીક જગ્યાઓએ આ પૂજા 4 દિવસ સુધી પણ ચાલે છે.
ઠેકુઆ અને અન્ય પ્રસાદ સામગ્રી તૈયાર થયા બાદ ફળ, શેરડી અને અન્ય સામગ્રી વાંસની ટોકરીમાં સજાવવામાં આવે છે. આ ટોકરીને દઉરા પણ કહેવામાં આવે છે. ઘરમાં તેની પૂજા કરીને દરેક મહિલા સૂર્યને અર્ધ્ય આપવા માટે તળાવ કે નદીના ઘાટ પર જાય છે. ડૂબતા સૂર્યની આરાધના કરીને અર્ધ્ય આપવામાં આવે છે. સાતમના દિવસે સવારે ઉગતા સૂર્યને પૂજીને ફરી અર્ધ્ય ચઢાવવામાં આવે છે.
શા માટે કરવામાં આવે છે છઠ પૂજા? છઠ પૂજા ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરીને તેમની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. ભગવાન સૂર્યની કૃપાથી હેલ્થ સારી રહે છે. ઘરમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિને માટે પણ આ પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે.
કોણ છે છઠ માતા? છઠ માતાને સૂર્યદેવની બહેન માનવામાં આવે છે. સાથે જ તેમને ભગવાનની પુત્રી દેવસેના કહેવાય છે. તે પ્રકૃતિની મૂળ પ્રવૃત્તિના છઠ્ઠા અંશમાંથી જન્મી છે માટે પણ તેને ષષ્ઠી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કાર્તિક શુક્લની છઠના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.