બધા જાણીએ જ છીએ કે હિંદુ ધર્મમાં ઘણા વ્રત ઉપવાસ કરવામાં આવે છે અને જેનું મહત્વ પણ ખુબ જ રહેલું છે. લોક આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાનો અનેરો અવસર શરૂ થઈ ચુક્યો છે. ચાર દિવસીય તહેવારના બીજા દિવસે શુક્રવારે ખરનાની સાથે જ સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો છે. આ સાથે જ વ્રત કરનારાઓનું 36 કલાકનાં નિર્જળા ઉપવાસ શરૂ થયા છે. ગુજરાતની મોટાભાગની નદીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નદી કિનારે છઠવ્રતી મહિલાઓ સ્નાન કરીને માટીના બનેલા ચૂલામાં ગોળની ખીર અને રોટલી બનાવીને પૂજા કરે છે.
ખરનાના દિવસે વ્રત કરતી મહિલાઓ છઠ્ઠ મૈયાની પૂજા કરે છે અને ગોળથી બનેલી ખીરને પ્રસાદ તરીકે ચડાવે છે. સાંજે ઘરના તમામ સભ્યોને આ પ્રસાદ આપવામાં આવે છે. પ્રસાદ ગ્રહણ કર્યા પછી વ્રત કરનાર 36 કલાક નિર્જળા વ્રત શરૂ કરે છે.
ખરના વ્રત રાખવાની વિધિ
ખરનાના દિવસે મહિલાઓ 36 કલાક સુધી નિર્જળા વ્રત શરૂ કરે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ સાંજે સ્નાન કર્યા પછી વિધિ-વિધાનથી રોટલી અને ગોળના ખીરનો પ્રસાદ તૈયાર કરે છે. આ પ્રસાદ માટીનો ચુલા પર આંબાની લાકડી સળગાવી તેના પર ખીર બનાવી પૂજામાં પ્રસાદ તરીકે ધરાવે છે. જેમાં મુળા, કેળા રાખવામાં આવે છે. વ્રત રાખનાર મહિલાઓ ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરીને આ પ્રસાદ ગ્રહણ કરે છે.
લાંબો સેથો લગાવે છે મહિલાઓ
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં છઠ્ઠ
પૂજાની ધામધૂમથી ઉજવણી થશે. આજે સાંજે સૂર્યદેવને અર્ધ્ય આપવામાં આવશે. ત્યારબાદ
સપ્તમીના સૂર્યોદય દરમિયાન સૂર્ય દેવને ફરી અર્ધ્ય આપવામાં આવશે. આ તહેવારને
વ્રતનો તહેવાર પણ કહેવામાં આવે છે. છઠ્ઠ પૂજામાં શારીરિક અને માનસિક શુદ્ધતાની
કાળજી રાખવામાં આવે છે. છઠ્ઠ માતાની પૂજા દરમિયાન મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે, જે નાક સુધી લાંબો
હોય છે.
સિંદૂરને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. છઠ્ઠ પૂજા દરમિયાન મહિલાઓ પીળા રંગનું અને ઘાટું સિંદૂર લગાવે છે. માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમના પર છઠ્ઠ માતાની કૃપા રહે છે અને તેમનું સૌભાગ્ય અખંડ રહે છે. એવું કહેવામાં આવે છે કે સિંદૂર જેટલું લાંબું હોય છે પતિની ઉંમર તેટલી જ વધુ થાય છે.