હરિયાળા ચોટીલા ડુંગર પર બિરાજતા માં ચોટીલાનું ધામ, શક્તિ અને ભક્તિનો સંગમ કરતું એવું પરમ ધામ છે. જ્યાં પહોંચતાં જ મન ઝંકૃત થઇ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું પાવન શક્તિ સિદ્ધ સ્થળ એટલે ચોટીલા. સુરેન્દ્રનગરથી અંદાજે ૬૫ કિલોમીટર દૂર આવેલું આ ધામની ગણના શક્તિપીઠમાં તો નથી થતી પરંતુ તેનું મહત્વ શક્તિપીઠથી જરાય ઓછું પણ ન આંકી શકાય. મા ચામુડાએ ચંડી અને ચામુંડા એમ દ્રી સ્વરૂપ ધારણ કર્યું. તેની પાછળનો તેમનો ઉદ્દેશ પણ આસૂરી શક્તિનો નાશ કરવાનો હતો.
કહેવાય છે કે ચંડ મૂંડ નામના બે રાક્ષસો અતિ શક્તિશાળી હતા. તેના ત્રાસથી દેવતાઓ પણ પરેશાન હતા. આ સમયે દેવતાઓએ માતાજી સમક્ષ તેનો વધ કરવા માટે પ્રાર્થના કરી અને માતાજીએ દ્રી સ્વરૂપ ધારણ કર્યાં. ચંડી ચામુંડા અને ચંડમૂંડનો વધ કરી દીધો. આ કારણથી ચામુંડા માતાજી દ્વી સ્વરૂપે પૂજાય છે.
આ ચોટીલનો આ ડુંગર જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો ડુંગર છે. ચોટીલા ડુંગર પર અંદાજે 155 વર્ષ પહેલા એક નાની ઓરડી હતી. જ્યાં રહી મહંત ગુલાબગિરિ ગોસાઈ ચામુંડા માતાજીની સેવા પૂજા કરતા હતા અને સમયાંતરે તેમના તપ સાધના બળે ખ્યાતિ વધી અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું. મા ચામુંડાના દિવ્ય દર્શન માટે ભક્તોએ 635 પગથિયા ચઢવા પડે છે. મા પ્રત્યેનો અપાર ભાવ અને અતૂટ શ્રદ્ધાથી પ્રરાઈને આવતા ભક્તો હસતા હસતાં ચોટીલાનો ડુંગર ચઢે છે અને મંદિરમાં સ્થાપિત દ્રી સ્વરૂપ માની દિવ્ય પ્રતિમાના દર્શન કરીને માની સાક્ષત હયાતીની અનુભૂતિ કરે છે.
ચોટીલા ખાતે આમ તો બારે મહિના ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ખાસ કરીને પૂનમ અને રવિવાર તેમજ રજાના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં આવનાર ભાવિકોનું માનવું છે કે જે પણ મનોરથ લઇને માના દ્રારે આવે છે. તેની દરેક કામના મા અવશ્ય પૂર્ણ કરે છે. અહીં પદ યાત્રા કરીને આવવાનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો તેની કામાની પૂર્તિ માટે અહીં પરપાળા આવે છે અને મનોરથને માના આશિષ મળતા જય ચંડી ચામુંડાના નાદ સાથે પરત ફરે છે. ખાસ કરીને નવરાત્રિમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડશે અને સમગ્ર માહોલ ‘બોલો ચામુંડા માત કી જય’ના નાદ સાથે ગુંજી ઉઠે છે.