શું તમે એવા કોઈ સ્થળ વિશે જાણો છો જ્યાં એક જ જગ્યા પર દરગાહ હોય અને મંદિર પણ હોય. તો ચાલો આજે અમે આપને અમદાવાદની એવી જગ્યાએ બતાવીએ. જેને જોઈને તમને કોમી એખલાસનો અનુભવ થશે. કોમી એખલાસનું આનાંથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે જ્યાં મંદિર અને મસ્જિદ એક જ જગ્યા પર હોય. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલાં દાદા હરીની વાવ પાસે તમે જશો ત્યારે તમને અહીં તુલસીદાસ રામજી મંદિર અને દરગાહ એકસાથે જોવા મળશે. અહીં દર શુક્વારે જ્યારે નમાઝ થાય ત્યારે એ જ દિવશે રામજી મંદિરમાં પ્રસાદ પણ વેચાય છે.
અમદાવાદનું જ્યારથી અસ્તિત્વ થયું છે ત્યારથી અમદાવાદની હેરિટેજ જગ્યાઓમાંની એક દાદા હરીની વાવ. આ જ રસ્તા પર અને વિસ્તારમાં અનેક દરગાહ આવેલી છે. દાદા હરીની વાવ જે જગ્યાએ આવેલી છે. તે જ રસ્તા પર આવેલી વડવાળી ચાલીમાં રામજી મંદિર આવેલું છે. આ મંદિરથી બહારના રોડ પર દરગાહ આવેલી છે. સ્થાનિકોનું કહેવું છે કે, મુઘલોના સમયથી અહીં આ વિસ્તારમાં દરગાહ અને મંદિર એકસાથે છે. અહીં કોઈપણ વ્યકિતના મનમાં ધર્મ પ્રત્યે ઝેર નથી. જ્યારે પણ કોઈ આફત આવે ત્યારે ધર્મના વિચાર વગર તમામ એકબીજાની મદદ કરે છે.
મુશ્કેલીમાં હિન્દુ મુસ્લિમ એકબીજાને મદદ કરે છે આ સોસાયટીમાં ઘણાં પરિવાર હિન્દુ તો ઘણાં પરિવાર મુસ્લિમનાં છે. પરંતુ અહીં કોઈ મતભેદ નથી. વિસ્તારનાં સ્થાનિક અઝહરભાઈના કહેવા પ્રમાણે ચાર વર્ષ પહેલાં અસારવામાં ભારે વરસાદ પડયો હતો ત્યારે તમામ મુસ્લિમ ભાઈઓએ લોકોને ઘરના પાણી ઉલેચવાની કામગીરી કરી હતી.
છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલો અયોધ્યાનો અધ્યાય પુર્ણ થયા બાદ આજે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ખુશ છે. આજે આ જ માહોલ વચ્ચે અહીં લોકોએ એકબીજાને ગળે ભેટયા હતા. વર્ષોથી આ વિસ્તારમાં રહેતાં લોકોને આજે અયોધ્યા ચુકાદા મામલે ખુશી છે. કારણ કે તેમને ખબર છે પ્રાર્થના અને બંદગી બંને એકબીજાના સામાનાર્થી શબ્દ છે.