રાજસ્થાનના નાગૌરમાં ગોઠ અને માંગલોદ ગામ વચ્ચે દાધીચ બ્રાહ્મણોની કુળદેવી દથિમતી માતાનું 2000 વર્ષ જૂનું મંદિર છે. ઉત્તર ભારતનું આ સૌથી પ્રાચીન મંદિર છે. તેનું નિર્માણ ગુપ્ત સંવત 289માં થયું હતું. તેની વિશેષતા એ છે કે, મંદિરના ગુંબજ પર હાથથી આખું રામાયણ અંકિત કરાયું છે. ગુંબજનું નિર્માણ 1300 વર્ષ પહેલાં થયું હતું, જ્યારે માન્યતા એ છે કે માનું પ્રાગટ્ય બે હજાર વર્ષ પહેલાં થયું હતું. અહીં દાધીચ સમાજના લોકો બાળકોના સંબંધની વાત પહેલાં નક્કી કરી લે છે અને નવરાત્રિમાં બાળકોને પરસ્પર બતાવીને માતા સામે સંબંધ પાક્કો કરે છે. અષ્ટમીએ અહીં ભવ્ય મેળાનું આયોજન કરાય છે, જેમાં દેશભરમાંથી લોકો આવે છે.
શું છે પૌરાણિક કથા?
કિવદંતી છે
કે, અહીં
અયોધ્યાના રાજા માન્ધાતાએ યજ્ઞ કર્યો હતો અને ચાર હવન કુંડ બનાવ્યા હતા. રાજાએ
આહવાન કરીને ચારેય કુંડમાં ચાર નદી ગંગા, યમુના, સરસ્વતી અને નર્મદાનું જળ પેદા કર્યું
હતું. પુરાણો પ્રમાણે, દધિમતી માતા
ઋષિ દધિચીની બહેન છે. તેને લક્ષ્મીનો અવતાર પણ મનાય છે. આ મંદિરને લઈને બીજી પણ એક
માન્યતા છે કે, કળિયુગના
વધતા પ્રભાવથી મંદિરનો મુખ્ય સ્તંભ સપાટીથી ચીપકતો જાય છે. મા દધિમતીનો જન્મ માઘ
શુક્લપક્ષની સપ્તમીએ એટલે કે રથ સપ્તમીએ થયો હતો. મા દધિમતીએ દૈત્ય વિતાકાસુરનો પણ
વધ કર્યો હતો. પંડિત વિષ્ણુ શાસ્ત્રી કહે છે કે નવરાત્રિમાં રોજ એક હજારથી વધુ
શ્રદ્ધાળુ દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે. તેમના રહેવા માટે મંદિરમાં જ વ્યવસ્થા
કરાય છે. પરિસરમાં આશરે 250 ઓરડા
બનાવાયા છે, જ્યાં
બહારથી આવતા શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરાય છે.
ઔરંગઝેબે હુમલો કર્યો હતો , મધમાખીઓએ કર્યો નિષ્ફળ
મંદિર સમિતિ
સાથે જોડાયેલા નિવૃત્ત જિલ્લા જજ સંપતરાજ શર્મા કહે છે કે, મોગલ કાળમાં ઔરંગઝેબે મંદિર પર હુમલો
કર્યો હતો. ત્યાં અહીં ગુંબજ પર મોજુદ મધમાખીઓએ ઔરંગઝેબની સેના પર હુમલો કરી દીધો
હતો, જેનાથી
સૈનિકો ભાગી ગયા હતા. અહીં ચાર હવન કુંડ બન્યા છે, જેના પાણીનો સ્વાદ અલગ અલગ છે.