દક્ષેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. આ મંદિર હરિદ્વારથી ચાર કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ મંદિરનું નિર્માણ ૧૮૧૦માં રાણી ધાકોરે કરાવડાવ્યું હતું. જ્યારે ૧૯૬૨માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને દક્ષ પ્રજાપતિ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. અહીં મંદિરની વચ્ચોવચ ભગવાન શિવની મૂર્તિ બિરાજમાન હોય છે. ભગવાન શિવમાં આસ્થા રાખતાં કરોડો લોકો અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન ભોળાનાથને પોતાનાં તમામ દુઃખો જણાવી મનોમન તેમાંથી તેઓ ઉગરી શકે એવી પ્રાથર્ના કરે છે. આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં ભગવાન વિષ્ણુનાં ચરણોનાં નિશાન છે, જેને જોવા તેમજ જેને વંદન કરવા ભક્તોની ભીડ ક્યારેય અહીં સુકાતી નથી. લાખો લોકો ભોળાનાથ તેમજ વિષ્ણુના ચરણકમળનાં નિશાનનાં દર્શન કરવા અહીં ઉમટે છે.
દક્ષેશ્વર મંદિરનું પૌરાણિક મહત્ત્વ : કનખલને ભગવાન શિવજીનું સાસરું માનવામાં આવે છે, કેમ કે દક્ષ મહારાજની પુત્રી દેવી સતીના વિવાહ શિવ સાથે થયા હતા અને દક્ષ રાજા હાલમાં આ મંદિરમાં જ છે જે જગ્યાએ તેઓ રહેતા હતા. આપણે જાણીએ છીએ કે દક્ષ રાજાએ પોતાના દરબારમાં એક યજ્ઞાનું આયોજન કર્યું હતું. આ યજ્ઞામાં દરેક દેવને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ શિવજી તેમાં આમંત્રિત નહોતા. દેવી સતીને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ખૂબ દુઃખી થઇ ગયાં. તેમને લાગી આવ્યું કે તેમના પિતાએ બધાંને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઇને જ બાકાત રાખ્યા. આવું લાગી આવતાં સતી દક્ષ રાજાના રાજ્યમાં જ્યાં હવન ચાલતો હતો ત્યાં પહોંચી ગયાં અને આ યજ્ઞાની જગ્યાએ જ જઇને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ વાતે વીરભદ્રજીએ રાજા દક્ષનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જોકે, ભગવાન શિવે દક્ષ મહારાજને જીવનદાન આપ્યું અને તેમના માથાની જગ્યાએ બકરાનું માથુ લગાવી દીધું. તે જ ક્ષણે ભગવાન શિવે દક્ષ મહારાજને વચન આપ્યું કે અહીં જ તેમનું મંદિર બનશે અને તે મંદિરનું નામ તેમના નામ ઉપરથી જ રહેશે. બસ, ત્યારથી જ આ આ જગ્યા યથાવત્ છે એમ કહેવાય છે.
દક્ષેશ્વર મંદિરનું પ્રાંગણ ખાસ્સું મોટું છે. તેમાં સિંહની મોટીમોટી બે પ્રતિમા રાખવામાં આવી છે, જે આવતા- જતા ભક્તોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હોય છે. મંદિરના ગર્ભગૃહમાં શિવજીના વાહન નંદીજીની મોટી મૂર્તિ બિરાજમાન છે. આ નંદી મહારાજ માટે ભક્તોને વિશેષ ભાવ છે. અહીં આવતાં દર્શનાર્થીઓને એવી શ્રદ્ધા છે તેઓ પોતાની જે પણ મનોકામના હશે તે નંદી મહારાજના કાનમાં કહેશે તે તરત શિવજી સુધી પહોંચી જશે અને ભગવાન ભોળેનાથ તે ઇચ્છાની તરત પૂર્તિ કરશે. આ મંદિરમાં એક નાનો ખાડો પણ છે. આ ખાડા વિશે એવું માનવામાં આવે છે કે અહીં જ દેવી સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આખો શ્રાવણ માસ અહીં ભક્તોની અઢળક ભીડ જોવા મળે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં અહીં દર્શને આવતાં તમામ લોકોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. તેમજ તમે આખું વર્ષ જે પણ પાપ કર્યાં છે, તે સર્વે પાપ મંદિરમાં દર્શન કરવા આવતાં પહેલાં મંદિરની બાજુમાં ગંગા નદીએ આવેલા દક્ષ ઘાટે નાહીને ધોવાનાં હોય છે અને તે પાપ ધોયા બાદ અહીં દર્શન કરવાથી તમે તે પાપમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાવ છો.