કૃષ્ણના જન્મોત્સવનું મહાપર્વ નજીક છે ત્યારે ગુજરાતમા કૃષ્ણની રાજધાની દ્વારકાને દરિયામાથી શોધવા હવે રોબોટ્સ કામે લગાડવામા આવી રહ્યા છે. પૂરાણોમાં સોનાની દ્વારકા તરીકે પ્રચલિત ૭૦ હજાર ભવનો ધરાવતી બેનમૂન નગરી દ્વારકા ચાર પવિત્ર ધામોમાથી એક છે, સાથોસાથ દેશના ૭ પ્રાચીન નગરમાથી પણ એક ગણાય છે.
મથુરામાં યુદ્ધથી ત્રાસીને રણભૂમિને છોડી રણછોડ દ્વારકામાં વસેલા. સાગરદેવે અહીં જમીનનો એક ટુકડો આપેલો જેના પર વાસ્તુકાર વિશ્વકર્માએ દ્વારકા વસાવેલી પણ શરત એ હતી કે કૃષ્ણની હયાતી એટલું જ દ્વારકાનું આયુષ્ય- કૃષ્ણએ ગુજરાતમાં રાજ કર્યુ અને ગુજરાતમાં જ સોમનાથ નજીક પ્રભાસ તીર્થની ભૂમિમા દેહ ત્યાગ કર્યો. બસ, એ પછી દ્વારકા ડૂબી ગઈ એવી કથા સાથે દસ્તાવેજી પૂરાવાને જોડવા મરીન સાયન્ટીસ્ટની ટુકડીઓ સાગરના પેટાળને ફંફોસે છે. ખંભાતના અખાતમાં પશ્ચિમી તટેથી ૯૦૦૦ વર્ષ પૂર્વેના અવશેષો છેક ૧૨૦ ફૂટ ઊંડેથી મળ્યા છે. ઉપમહાદ્વિપમા આ સૌથી પ્રાચીન અવશેષો ગણાય છે.
ઇજિપ્તના પ્રાચીન શહેર એલેક્ઝાંડ્રિયા વિષે રોમાંચક કથાઓનો પાર નથી. ૧૬૦૦ વર્ષ પૂર્વે ક્લિયોપેટ્રાનું આ શહેર સમુદ્રમાં ગરક થઈ ગયેલું. સંશોધકો અહીના દરિયામાં મહેલો અને પૂતળાના અવશેષો પરથી સદીઓ પૂર્વેની નગરીના ઇતિહાસને ફંફોસે છે. ગ્રીસનું પાવ્લોપેર્ટીને દરિયામાં ગરક થઈ ગયેલું સૌથી પૂરાતન શહેર ગણવામાં આવે છે. ૧૦થી ૧૩ ફૂટની ઊંડાઈએ તાજ્જુબ થઈ જવાય એવું અજોડ નગર નિયોજન અહી જોવા મળ્યું છે, જેમાં સુનિયોજિત માર્ગો અને જુદા જુદા ૧૫ સ્ટ્રક્ચર મળ્યા છે. આ સાઈટ ઉપર કેમ્બ્રિજ સહિત વિશ્વની યુનિવર્સિટીઓ સંશોધન કરી રહી છે.
ઉષ્ણકટિબંધીય દરિયા કાંઠાના શહેર પોર્ટ રોયલ જમૈકાની છાપ આમ તો ચાંચિયાઓના શહેર તરીકેની હતી. અહીં લલનાઓના નાચગાન રાતભર ચાલતા. કુદરતે જ્યા સોનું પકાવતી જમીન આપેલી તે શહેરમાં શરાબની મહેફિલોથી જાણે પાપ ભરાઈ ગયા હોય તેમ ૧૬૯૨માં ૭.૫ મેગ્નિટયૂડના ધરતીકંપે આ ધરાને રસાતાળ કરી દીધી. ૪૦ ફૂટ જળજથ્થાએ શહેરને રેતીમાં ધરબી દીધું. હવે અહી સંશોધન ચાલે છે.
જાપાનના ર્યૂક્યૂ ટાપુ ઉપર યોનાગુની અવશેષો માનવ સર્જિત છે કે કુદરતી એ સવાલ હજુ ઊભો છે, ડાઈવીંગ માટેની શ્રેષ્ઠ સાઈટ ગણાતા આ ટાપૂ ઉપર ત્રિકોણ આકારના ખૂબ જ ચીવટથી જાણે કાપ્યા હોય તેવા પથ્થરો છે. કુદરતે તેને કેવી રીતે બનાવ્યા હોય? વળી આ એક સંપૂર્ણ બાંધકામ છે જે રોક સમૂહ સર્જે છે. કેટલાક ડાઈવર્સના મતે તેના ઉપર ડ્રોઈંગના નિશાન પણ જોવા મળે છે. આ કદાચ બરફયુગના અવશેષો હોઈ શકે છે. અથવા તો ધરતીકંપે પણ આ કારીગરી સર્જી હોય !
કેનેડામાં બહુ વિશિષ્ટ ઘટના છે- અહીં નદીની નીચે સેન્ટ લોરેન્સ સી વે બનાવ્યા. ઓન્ટારીયોના દસ વિસ્તારો પાણીની નીચે આવી ગયા છે. લોસ્ટ વિલેજીસથી જાણીતા આ વિસ્તારોના અવશેષોમા ફૂટપાથ, મકાનો દર્શાવે છે કે, ૬૦ વર્ષ અગાઉ અહી જિંદગી ધબકતી હતી.
દ્વારકામાં ૬૦ સ્તંભો ઊપર ઊભેલુ પાંચ માળનું દ્વારકાધીશ મંદિર છે. આ નગર ૬ વખત દરિયામા ડૂબ્યું છે, વર્તમાન દ્વારકા સાતમું શહેર છે. સોનાની દ્વારકાનો પૂરો તાગ તો મળે ત્યારે, પરંતુ કૃષ્ણની કથા એ બોધ આપે છે કે મહાભારતમાં પાંડવોને જીતાડનારા યુગપ્રવર્તકે પોતે રોજના કજિયા (યુદ્ધ)થી ત્રાસી મથુરાથી દૂર દ્વારકામા વસવું પડેલુ, સૃષ્ટિના સર્જનહાર હોવા છતાં તેમને પોતાની રાજધાની માટે સાગર પાસેથી જમીનનો ટુકડો માંગવો પડેલો – કૌરવો સાથે સુલેહની ફોર્મ્યુલા ઘડનારા કૃષ્ણ પોતાના સગા સંબંધીઓ વચ્ચે સુલેહ સ્થાપી શક્યા ન હતા અને આજે પણ જ્યા અંગત વેરઝેર જણાય ત્યાં આપણે ‘યાદવસ્થળી’ શબ્દ વાપરીએ છીએ. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધનમાં અહીંથી પ્રાચીન સિક્કા અને ગ્રેનાઈટના અવશેષો મળેલા છે. ભારતમાં દર જન્માષ્ટમીએ ડૂબેલી દ્વારકાની યાદ તાજી થાય છે. હવે અહી અન્ડરવોટર ઈમેજીંગ, દરિયાઈ સપાટીના મેપીંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોનાની દ્વારકાની તલાશ થઈ રહી છે.