દેવીપાટન ધામ ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાથી 28 કિલોમીટર દૂર તુલસીપુર ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિર 51 શક્તિપીઠો સમાન છે. અહીં સતીનું ખભો અને પેટ પડ્યું હતું. આ માટે જ આ શક્તિપીઠનું નામ પાટન પડ્યું છે. અહીં વિરાજમાન દેવીને માં પટેશ્વરી નામથી ઓળખવામાં આવે છે. આ સ્થાન યોગપીઠ પણ માનવામાં આવે છે. આ શક્તિપીઠ નેપાળની સીમા નજીક છે. આ માટે નેપાળથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
દેવીપાટન શક્તિપીઠનો સીધો સંબંધ સતી, ભગવાન શંકર, ગુરૂ ગોરખનાથ અને કર્ણ સાથે છે. માન્યતા છે કે, કર્ણએ મહાભારત કાળમાં અહીં કુંડમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપ્યું હતું. જેના કારણે આ કુંડને સૂરજકુંડ નામ મળ્યું હતું. આ કુંડનું પાણી આજે પણ પવિત્ર માનવામાં આવે છે. થોડાં લોકોનું માનવું છે કે, આ પાણીમાં સ્નાન કરીને પાપ દૂર થાય છે અને થોડાં લોકો આ પાણીનો ઉપયોગ બીમારીઓમાંથી મુક્તિ માટે પણ કરે છે.
મંદિરના મહંત મિથિલેશ દાસ યોગ પ્રમાણે, નવરાત્રિના 9 દિવસ માતાની પિંડી પાસે ચોખાનો ઢગલો બનાવીને માતાનું વિશેષ પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ તે ચોખા ભક્તોને આપવામાં આવે છે. રવિવારના દિવસે માતાને હલવાનો ભોગ ધરાવવામાં આવે છે. શનિવારે લોટ અને ગોળથી બનેલાં રોટલાનો પણ વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે.
અહીં દર વર્ષની જેમ માતા પાટેશ્વરીને પ્રસન્ન કરવા માટે દરબારમાં છોકરીઓ પોતાની ઇચ્છાથી પૌરાણિક ગીત ગાય છે અને નૃત્ય કરે છે. આ વર્ષે પણ અનેક મહિલાઓ નૃત્ય કરી રહી છે. માન્યતા છે કે, નૃત્ય કરવાથી માતા પ્રસન્ન થાય છે. માતા પટેશ્વરીના દર્શન કરવા નેપાળ, ભૂટાન અને પાડોસી રાજ્યોથી પણ શ્રદ્ધાળુ આવે છે. ભીડ વધારે હોવાથી મંદિર પરિસરમાં જ વિશેષ પૂજા વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ઇચ્છે તો 9 દિવસ બેસીને પૂજા કરી શકે છે.