29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થશે. આ દરમિયાન દેશના અલગ-અલગ ખૂણામાં ફેલાયેલા પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવવાની શરૂઆત થશે. આજે ભારતના એવા ૫ મંદિરો વિશે જણાવીશું જ્યાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો થાય છે.
૧. કરણી દેવી મંદિર : રાજસ્થાનના બિકાનેરમાં કરણી માતાનું મંદિર છે. મંદિરમાં લગભગ 20000 જેટલા ઉંદરો છે. જ્યાં માતાને પ્રસાદ ચઢાવવાની સાથે ઉંદરોને પ્રસાદ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે, કરણી દેવી સાક્ષાત માતા જગદંબાનો અવતાર હતી. જે જગ્યાએ તેમનું મંદિર છે, ત્યાં અત્યારથી લગભગ સાડા છસો વર્ષ પહેલાં એક ગુફામાં રહીને મા તેમના ઈષ્ટ દેવતાની પૂજા-અર્ચના કરતાં હતાં. આ ગુફા આજે પણ મંદિર પરિસરમાં છે.
૨. અર્બુદા દેવી મંદિર : માઉન્ટ આબુથી લગભગ 3 કિલોમીટર દુર આવેલ પ્રાકૃતિક ગુફામાં આવેલ અર્બુદા દેવી મંદિરને માઉન્ટ આબુની દેવી તરીકે જાણીતી છે. આ દેવી અધર દેવી તરીકે પણ પોતાની ઓળખ ધરાવે છે. આ મંદિર જવામાંટે 365 સીઢી ચડવી પડે છે.
૩. નૈના દેવી મંદિર : એવું કહેવાય છે કે, નૈનીતાલના નામ પરથી નૈનાદેવી મંદિરનું નામ રાખવામાં આવેલ છે. નૈનાદેવી પોતાના પરામર્શ શક્તિ અને લોકપ્રિયતાને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સતીના શક્તિરૂપની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે, જ્યારે ભગવાન શિવ સતીના શરીરને લઇને કૈલાસ પર્વત લઇ જઇ રહ્યા હતા તે વખતે રસ્તામાં દેવી સતીના નેત્રો પડ્યા હતા. એટલા માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી.
૪.કામાખ્યા દેવી : ભારતના અસમ રાજ્યમાં આવેલ કામખ્યા મંદિર 52 શક્તિપીઠમાં સૌથી જુની શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવે છે. જે ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે. આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે. આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે. પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી નવરાત્રીના પહેલા દિવસે શુક્રવારના રોજ કામાખ્યા મંદિરમાં દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં.
૫. અંબાજી મંદિર : ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ જાણીતી શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છે કે માં અંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો.એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.