જાણો ધર્મરાજ યુધિષ્ઠિરનું જીવન ચરિત્ર અને તેમની ઉદારતા

ધર્મરાજ યુધિષ્ઠિર પાણ્ડવોમાં સૌથી મોટા હતા. તે પરમ ગુણનિધાન હતા. તે ધર્મમૂર્તિ, સત્યવાદી, કામ-ક્રોધ-લોભ- મોહ- મદ-મત્સર રહિત, જ્ઞાાની, વિરક્ત, ભક્ત કર્મનિષ્ઠ, તપસ્વી ગોબ્રાહ્મણ પ્રતિપાળ અને પ્રજાવત્સલ રાજવી હતા. ધર્મના અંશથી ઉત્પન્ન થયા હતા એટલે ધર્મના તત્વને સમજી એને જીવનમાં મૂર્ત કરનારા હતા. ધર્મ, સત્ય, ક્ષમા અને દયાળુતાના તો જાણે એ સાકાર રૂપ સમા હતા.

એકવાર એવું બન્યું કે નિત્ય શત્રુતા રાખનાર દુર્યોધન એના ઐશ્વર્યનું પ્રદર્શન કરી પાણ્ડવોને સંતાપ આપવા દ્વૈતવનમાં જાય છે. અર્જુનનો મિત્ર ચિત્રસેન ગંધર્વ કૌરવોની ખરાબ નીયત જોઈને એ બધાને એ બધાને જીતીને એમની સ્ત્રીઓ સાથે કેદ કરી લે છે. યુદ્ધથી ભાગેલા કૌરવોના અમાત્ય યુધિષ્ઠિરના શરણમાં આવે છે અને દુર્યોધન તથા કૌરવ કુળની સ્ત્રીઓને છોડાવવા વિનંતી કરે છે. એ વખતે ભીમ તો રાજીનો રેડ થઈને બોલી ઉઠે છે. -‘ સારું થયું. આપણે કરવાનું કામ બીજાએ કરી લીધું !’ પણ ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમની વાતને માન્ય ન કરી અને તેને કહ્યું- ‘ ભાઈ, આ લોકો આપણા શરણમાં આવ્યા છે.

આશ્રિત લોકોની રક્ષા કરવી એ ક્ષત્રિયોનું કર્તવ્ય છે. બીજું આપણા પરિવારમાં અરસ-પરસ ભલે ગમે તેટલો વિવાદ અને વિખવાદ હોય પણ બહારની કોઈ વ્યકિત આપણા પર હૂમલો કરે તો આપણે જુદા નહીં પણ એક જ છીએ એમ સમજવું જોઈએ. આપણા કૌરવકુળની સ્ત્રીઓને ગંધર્વો કેદ કરે અને આપણે બેસી રહીએ એ સર્વથા અયોગ્ય કહેવાય.

‘તે શતં હિ વયં પગ્ચ પરસ્પર વિવાદિને । પરૈસતુ વિગ્રહે પ્રાપ્તે વયં પગ્ચાધિક શતમ્ ।। આપસમાં વિવાદ થાય ત્યારે તે સો ભાઈ અને આપણે પાંચ ભાઈ છીએ. પરંતુ બીજાનો સામનો કરવા માટે તો આપણે મળીને એકસો પાંચ થવું જોઈએ.’ એ પછી યુધિષ્ઠિરે ફરી કહ્યું-‘ ભાઈઓ, પુરુષસિંહો ! ઉઠો, જાગો ! શરણાગતની રક્ષા કરો અને કુળ કામિનીઓ સાથે દુર્યોધનને છોડાવીને પાછા આવો.’ આવી હતી યુધિષ્ઠિરની અજાતશત્રુતા અને કુટુંબભાવના !

વનમાં દ્રૌપદી અને ભીમ યુદ્ધ માટે ધર્મરાજ યુધિષ્ઠિરને ઉત્તેજિત કરે છે.  ત્યારે તે પ્રતિજ્ઞાા પરિપૂર્ણ કરવા મક્કમ રહે છે. તે કહે છે- બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાાતવાસની જે શરત મેં સ્વીકારી છે એને હું તોડીશ નહીં. મારા માટે સત્ય સૌથી વધારે કીમતી છે. 

એકવાર યુદ્ધના સમયે દ્રોણાચાર્ય વધ માટે અસત્ય બોલવાની નિતાન્ત આવશ્યક્તા ઉભી થઈ ત્યારે પણ ધર્મરાજ એ માટે તૈયાર ન થયા.’ અશ્વત્થામા હત: એટલું બોલ્યા પછી’નરો વા કુંજરોવા’ એમ બોલ્યા જ. (અશ્વત્થામા હણાયો, પુરુષ કે હાથી એની ખાતરી કરો.) પાણ્ડવોએ ‘નરો વા કુંજરો વા’ બોલાયું ત્યારે પુષ્કળ યુદ્ધવાજિંત્રો- શંખનાદ કર્યો જેથી કૌરવો એ સાંભળે નહીં અને દ્રોણાચાર્ય એમનો પુત્ર હણાયો છે એમ જાણી ધનુષ્ય ઉપાડે નહીં.

અંતે, દ્રૌપદી સહિત પાંચ પાણ્ડવો હિમાલય ગમન કરે છે. એમની સાથે એક કૂતરું પણ છે. દ્રૌપદી અને ચાર ભાઈઓ પડી જાય છે. ઇન્દ્ર રથ લઈને આવે છે અને કહે છે- મહારાજ ! રથ પર બેસીને સદેહે સ્વર્ગમાં પધારો.’ ધર્મરાજ કહે છે. આ કૂતર ું મારી સાથે આવી રહ્યું છે. એને પણ સાથે લઈ જવાની આજ્ઞાા આપો.’ દેવરાજ ઇન્દ્ર કહે છે-‘મહારાજ ! તમને તો સિદ્ધિઓ અને અમરતા પ્રાપ્ત થઈ રહી છે. કૂતરાને છોડો. એનો સ્વર્ગ માટે અધિકાર નથી.’ યુધિષ્ઠિરે તેના જવાબમાં કહ્યું- દેવરાજ ! આવું કરવું એ મારો ધર્મ નથી.

એ મારા આશ્રયે આવેલું છે. એને મારો આધાર છે, હું એને છોડી ના શકું. મને સિદ્ધિઓ મળે કે ન મળે, સ્વર્ગ પ્રાપ્તિ થાય કે ન થાય એની મને પરવા નથી. હું એનો સાથ નહીં છોડું.’ એટલામાં  એ કૂતરું ત્યાંથી અદૃશ્ય થઈ ગયું.  ત્યાં સાક્ષાત્ ધર્મરાજ પ્રકટ થઈ ગયા અને કહેવા લાગ્યા-‘ હે રાજન્ ! મેં તમારી સત્ય, ધર્મ અને કર્તવ્યની નિષ્ઠા જોવા માટે જ કૂતરાનું રૂપ લીધું હતું. તમે મારી અને દેવરાજ ઇન્દ્રની કસોટીમાં ઉત્તીર્ણ થયા છો. એ પછી યુધિષ્ઠિર ધર્મરાજ અને દેવરાજની સાથે રથમાં બેસી સ્વર્ગમાં પધાર્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer