મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર પછી યુધિષ્ઠિર રાજા બન્યા હતા. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ પાંડવોની સાથે રહ્યા હતા. કુંતી આ બન્નેનું ધ્યાન રાખતા હતા. પરંતુ ભીમ ધૃતરાષ્ટ્રને હંમેશા મેણા મારતો હતો. 15 વર્ષ સુધી આ રીતે ચાલ્યું. એક દિવસ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વનમાં તપ કરવા જવાનો નિશ્ચય કર્યો અને મહેલમાંથી નિકળી ગયા. કુંતીએ પણ આ બન્નેની સાથે જવાનું નક્કી કર્યુ.
નારદે આમના મૃત્યુના સમાચાર યુધિષ્ઠિરને આપ્યા : ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી વનમાં ગયાના ત્રણ વર્ષ પછી દેવર્ષિ નારદ યુધિષ્ઠિર પાસે પહોંચ્યા. યુધિષ્ઠિર જાણતા હતા કે નારદ મૂનિ પાસે ત્રણે લોકના સમાચાર હોય છે. એટલા માટે તેમણે નારદને ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માતા કુંતીનાં સમાચાર પુછ્યાં.
નારદ મુનિએ જણાવ્યું કે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માતા કુંતી હરિદ્વારમાં રહીને તપસ્યા કરતા હતા. એક દિવસ જ્યારે તેઓ ગંગામાં સ્નાન કરી આશ્રમમાં આવી રહ્યા હતા ત્યારે વનમાં ભયંકર આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી આ આગમાં ભાગી ન શક્યા, ત્યારે તેઓએ આ આગમાં જ પ્રાણ ત્યાગ કરવાનું નક્કી કર્યું. પછી તેઓ એક જ જગ્યાએ એકાગ્રચિત્ત કરી બેસી ગયા. આ રીતે તેઓના મૃત્યું થયાં.
યુદ્ધિષ્ઠિરે શ્રાદ્ધ કર્મ કર્યું : ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને માતા કુંતીના મૃત્યુના સમાચાર સાંભળીને પાંડવોના મહેલમાં શોક ફેલાઈ ગયો. બધા દુ:ખી હતા ત્યારે નારદે બધાને સાંત્વના આપી. યુધિષ્ઠિરે વિધિપૂર્વક બધાનું શ્રાદ્ધકર્મ કર્યું અને દાન-દક્ષિણા આપી.