જાણો ધ્યાન એટલે શું ? ધ્યાન કરવાથી મન અને ચિત્ત પ્રસન્ન રહે છે.

મનમાં ભાવતરંગો હોય છે, તે સદાય સમુદ્રનાં જળતરંગોની માફક ઉછળકૂદ કરતાં રહે છે, આ ભાવતરંગોને વશમાં રાખવાનાં ખૂબ મુશ્કેલ હોય છે. આ ભાવતરંગો સ્થિર થઈ જાય અને આપણું મન માત્ર એક જ જગ્યાએ કેંદ્રિત થઈ જાય તે જ ધ્યાન છે. આપણા મનની આધ્યાત્મિક શલ્ય ચિકિત્સાનું બીજું નામ જ ધ્યાન છે. જે રીતે શલ્યચિકિત્સા દ્વારા શરીરનો નકામો રોગિષ્ટ ભાગ કાઢી નાખવામાં આવે છે તે જ રીતે મનનો રોગિષ્ટ ભાગ દૂર કરવા માટે ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે.

શલ્ય ચિકિત્સા માટે છરી, કાંટો અને કાતરની જરૂર પડે છે. આધુનિક સંશોધનો અનુસાર હવે તો શલ્ય ચિકિત્સા લેસર કિરણો અને લેસર બીમથી જ કરવામાં આવે છે. લેસર કિરણો ભેગાં કરી કેંદ્રીત કરવામાં આવે છે ત્યારે તે લેસર બીમ બને છે અને આ લેસર બીમ શરીરના નકામા રોગિષ્ટ ભાગ ઉપર આપાત કરવાથી એ ભાગ નાશ પામે છે. બરાબર એ જ પ્રમાણે મનનાં ઉછળકુદ કરતાં તરંગોને સ્થિર કરવામાં આવે છે, મનને કોઈ એક વિચાર, મંત્ર કે ભાવ ઉપર સ્થિર કરવામાં આવે છે. જેને ધારણા કહેવાય છે. આ પ્રમાણે ધારણા કરવાથી મનમાં એકાગ્રતા અને સ્થિરતા આવે છે.

જેમ જેમ ધારણા થતી જાય, ધારણા આગળ વધતી જાય, તેમાં સ્થિરતા અને એકાગ્રતા આવતી જાય તેમ તેમ તે આગળ વધીને ધ્યાનમાં પરિણમે છે. મનનાં તરંગો સ્થિર થાય છે- જે રીતે લેસર કિરણો સ્થિર છે તે જ રીતે…! અને એક લેસર બીમની માફક આધ્યાત્મિક બીમ બને છે. જેટલી તાકાત લેસર બીમમાં હોય છે તેના કરતાં પણ ઘણી બધી વધારે તાકાત અને ઉર્જા આ મનના બીમમાં હોય છે. તે પણ લેસર બીમની માફક મનનો રોગિષ્ટ ભાગ દૂર કરવાનું કાર્ય કરે છે. મન શાંત, નિર્મળ અને સ્વસ્થ થઈ જાય છે, તેની ઉછળકુદ બંધ થઈ જાય છે. ચિત્ત શાંત થઈ જાય છે.

આધ્યાત્મિક રીતે મન સંપૂર્ણ સ્વસ્થ બની જાય છે, તેનો આધ્યાત્મિક વિકાસ થાય છે. અને આ રીતે જ્યારે વારંવાર ધ્યાન થયા કરે ત્યારે તે છેવટે સમાધિમાં પરીણમે છે. સમાધિ એક એવી અવસ્થા છે જેમાં મનુષ્ય આસપાસનું પણ સર્વ ભાન ભૂલી જાય છે. આત્મા અને પરમાત્માનો એકાકાર થઈ જાય છે. આ અવસ્થામાં મન અને ચિત્ત એટલું બધું પાવરફુલ થઈ જાય છે કે તે ધારે તે કરી શકે છે. તે વિચારો ઉપર કાબુ મેળવી શકે છે, સ્વપ્નો ઉપર કાબુ મેળવી શકે છે. અજ્ઞાાત મનમાં રહેલી શક્તિઓનો પણ ઉદય થાય છે.

મનુષ્યને એ ભાન થાય છે કે તેણે માનવ અવતાર શા માટે લીધો છે ? મનુષ્ય અવતારમાં તેની ફરજ શું છે ? તેનું ધ્યેય શું છે? તેના જીવનનું લક્ષ્ય શું છે ? ધ્યાન અને સમાધિ પ્રાપ્ત થયા પછી તેને દુન્યવી સુખો ગૌણ લાગવા માંડે છે. ચિત્ત અને મનના વિકારો નાશ પામે છે. તેનું ધ્યાન માત્ર અને માત્ર આધ્યાત્મિક ઉન્નતિ ઉપર જ કેંદ્રિત થવા માંડે છે. તે સ્થળ-કાળનું ભાન પણ ભૂલી જાય છે અને એક પરમ શાતા અને પરમ સુખનો અનુભવ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer