જાણો આ મંદિર વિશે જેની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે

દ્વારકા શબ્‍દ ‘દ્વાર’ અને ‘કા’ એમ બે શબ્‍દોથી બનેલો છે. ‘દ્વાર’નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ, જ્યારે ‘કા’નો અર્થ છે ‘બ્રહ્મ’. અર્થાત્, દ્વારકા એટલે બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ. દ્વારમતિ અથવા દ્વારાવતી પણ એટલાં જ જાણીતા નામો છે. આ સ્થાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ હોવા ઉપરાંત શૈવ અને લકુલિશ મતના આરાધના સ્થાન તરીકે પણ વિખ્યાત છે. એક પગ પર ઊભા રહીને થતી સિદ્ધસાધનાનું પણ દ્વારકામાં વિશેષ મહત્વ છે. દેશાટને નીકળેલા આદ્ય શંકરાચાર્યે અહીં આવીને સિદ્ધસાધના કરી હતી. ત્યારથી મોક્ષપ્રાપ્તિ માટેના ચાર ધામ પૈકીના એક તરીકે પણ દ્વારકા પ્રસિદ્ધ છે. ઈસ. પૂર્વે ૪૦૦માં શ્રીકૃષ્ણના વંશજ વજ્રનાભે આ મંદિર બનાવ્યું હતું. એ પછી છ વખત તેનો જિર્ણોધ્ધાર થયો છે. 

પૌરાણિક મહત્વ : હરિવંશ, સ્કંદ અને ભાગવત પુરાણ અનુસાર મથુરામાં રાજા કંસને માર્યા પછી જરાસંધનો ભય વધી ગયો હતો. પોતાના જમાઈ કંસના વધનો બદલો લેવા માટે મગધનરેશ જરાસંધે મથુરા પર હુમલો કર્યો. તેની પ્રચંડ શક્તિ સામે જીતવું મુશ્કેલ હોવાથી સમગ્ર ગોપાલકો સાથે કૃષ્ણે મથુરાથી દ્વારકા સ્થળાંતર કર્યું. 

દ્વારકા કૃષ્ણની રાજધાની હતી, તો બેટ દ્વારકામાં તેમનો નિવાસ હતો. શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકા એટલું સમૃદ્ધ હતું કે સોનાની દ્વારકા તરીકે ઓળખાતું. પૌરાણિક કથા અનુસાર શ્રીકૃષ્ણના સ્વધામ ગમન બાદ દ્વારકા સમુદ્રમાં અંતર્ધ્યાન થઈ ગઈ. 

ઐતિહાસિક મહત્વ : આધુનિક વિજ્ઞાનના મતે ત્સુનામી પ્રકારના દરિયાઈ તોફાનોને લીધે અથવા સમુદ્રની જળસપાટીમાં વધારો થવાને લીધે મૂળ દ્વારકા દરિયામાં ડૂબી હોવી જોઈએ. પુરાતત્વશાસ્ત્રીઓએ સમુદ્રમાં ઉત્ખનન કરીને જૂની દ્વારકા નગરીના કેટલાંક અવશેષો પણ મેળવ્યા છે. 

સમુદ્રમાં ડૂબેલી નગરી અને મંદિરના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા મેળવાયેલા નમૂનાઓ અહીં જોઈ શકાય છે.

મંદિરનાં મુખ્ય આકર્ષણો:  ગોમતી તટે 40 મીટર ઊંચા, 7 ઝરુખા અને 72 સ્તંભોવાળા જગતમંદિરની અંદર લગભગ 1 મીટર ઊંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. અહીંયાં મંદિરની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે.

મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીનાં અન્ય મંદિરોમાં (1) અનિરુદ્ધજી, (2) પુરુષોત્તમજી, (3) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષની અંદર બંધાયેલાં સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો અહીં છે.  આદ્ય જગદગુરૂ શંકરાચાર્યએ નવમી સદીમાં સ્‍થાપેલા ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે. 


આરતીનો સમય 

સવારે ૭.૦૦ વાગે મંગલા આરતી
સવારે ૧૦.૩૦થી ૧૦.૪૫ વાગ્યે શ્રૃંગાર આરતી.
સાંજે ૭.૩૦થી ૭.૪૫ સુધી સંધ્‍યા આરતી.
સાંજે ૮.૩૦થી ૮.૩૫ સુધી શયન આરતી.
 

દર્શનનો સમય: સવારે ૭-૦૦ વાગ્‍યાથી બપોરે ૧૨-૩૦ વાગ્‍યા સુધી અને સાંજે ૫-૦૦ વાગ્‍યા થી રાત્રે ૯-૩૦ સુધીનો છે.
 

નજીકનાં મંદિરો

(1) દ્વારકાથી આશરે બે કિમી દૂર રુકમણીજીનું મંદિર છે. 
(2) દ્વારકાથી આશરે ૧૪ કિમી ગોપી તળાવ આવેલું છે. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer