ગુજરાતનું દ્વારકા મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે ગોમતી ઘાટ પર બનેલા દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકા જઈ લોકો પરત ફરી જતાં હોય છે. પરંતુ આ જગ્યાના મહત્વથી તેઓ અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ દ્વારકા વિશેની આવી જ અજાણી વાતો…
ગોમતી દ્વારકા એ સ્થાન છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ રાજકાજ કરતાં હતા. બેટ દ્વારકા તેમનું નિવાસ સ્થાન હતું. બેટ દ્વારકા મૂળ મંદિરથી 35 કિમી દૂર આવેલું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની ભેટ થઈ હતી. માનવામાં આવે છે કે તમે દ્વારકા દર્શન કરો અને બેટ દ્વારકા ન આવો તો આ યાત્રા અધુરી રહી જાય છે.
બેટ દ્વારકા વિશે એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ અહીં ચોખાનું દાન કરે છે તેને જીવનમાં ગરીબી જોવી પડતી નથી. તેનું કારણ છે કે જ્યારે સુદામાજી તેમના મિત્રને મળવા આવ્યા હતા ત્યારે તેઓ એક પોટલીમાં ચોખા લાવ્યા હતા. શ્રીકૃષ્ણએ આ ચોખા ગ્રહણ કર્યા અને સુદામાની ગરીબી દૂર થઈ ગઈ હતી. એટલા માટે જ આજે પણ અહીં દર્શને આવતાં લોકો ચોખાનું દાન કરવાનું ચુકતાં નથી.