શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજના હેઠળ સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી પૂરી પાડવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
તેમજ RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ અમુક ટકાની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજાયું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને પરિવહન માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોન્ચિગ કરતાં કહ્યું કે, જ્યારે કલાઈમેટ ચેન્જ વિષય વિશે લોકોને ચિંતા ન હોય ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાઈમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો હતો.
આપણે પણ એ જ અંતર્ગત પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોંચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે.
મુખ્યમંત્રીએ આ અવસરે સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના પાંચ જેટલા શ્રમિકોને ઇ-વ્હીકલ ખરીદી માટેની સબસિડીના ચેક પણ આપ્યા હતા. સબસિડી માટે આ છે નિયમો : FAME-2 તથા GEDA દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા સર્ટિફાઇડ મોડેલ ઉપર જ સબસિડી મળશે.
એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. જેટલું અંતર કાપી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર ઉપર જ સબસિડી મળવા પાત્ર છે . મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ જ ભારતમાં જ બનેલ ઇલેક્ટ્રિક ટુ વિલ માં સબસિડી મળશે.