સૂંઢ ભગવાન ગજાનન ની ઓળખ છે, પણ એક મંદિર એવુ પણ છે કે જ્યા ભગવાન ગણેશ પુરૂષાકૃતિ પ્રતિમા સ્વરુપે બિરાજમાન છે. આ સૂંઢ વગરના ગણેશજી મા લોકોને ખૂબ જ આસ્થા છે અને દર બુધવારે અહિ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ગણેશ ના દર્શન કરવા પહોંચી જાય છે.
સૂંઢ વગરના ગણેશજીનુ આ પ્રાચીન મંદિર રાજસ્થાનની રાજધાની જયપુર માં છે. શહેરના ઉત્તરમાં અરાવલી પહાડની પહાડી પર શોભતા મુગટ જેવુ આ મંદિરે નજરે પડે છે. આ મંદિર ગઢ ગણેશ ના નામથી પ્રખ્યાત છે. આ મંદિર રાજસ્થાનનાં પ્રાચીન મંદિરો માથી એક છે. મંદિર સુધી જવા માટૅ આશરે ૫૦૦ મીટર નુ ચઢાણ ચઢવું પડે છે. મોટાભાગનો રસ્તો ઢાળિયો છે, અમુક ભાગમાં પગથિયાઓ પણ છે જેની સંખ્યા ૩૦૦ થી વધુ કહેવામાં આવે છે. પ્રસિદ્ધ ગૈંટોરની છત્રીઓ કોઇ વાહનથી પહોંચ્યા બાદ અહિથી આગળ ની ચઢાઇ શરુ થાય છે.
મંદિર નુ નિર્માણ જયપુર ના સંસ્થાપક સવાઈ જયસિંહ બીજાએ કરાવેલ. સવાઇ જયસિંહ બીજા એ જયપુર માં અશ્વમેઘ યજ્ઞનુ આયોજન કરેલું તે વખતે આ તાંત્રિક વિધીથી આ મંદિરની સ્થાપના કરાવી હતી. આ મંદિર જે પહાડ પર આવેલુ છે તેની તળેટી માં જ અશ્વમેઘ યજ્ઞનું આયોજન થયેલુ. આ મંદિરમાં મૂર્તિનો ફોટો લેવા પર પ્રતિબંધ છે. આ મંદિર મા પ્રસાદ ચઢાવતી વખતે ગણેશજીના મંત્રોનુ ઉચ્ચારણ પણ કરવામાં આવે છે. ગણેશચતુર્થી ના બીજા દિવસે અહિ ભવ્ય મેળાનુ આયોજન પણ થાય છે.
ગઢ ગણેશ મંદિર નુ નિર્માણ ખાસ રીતે કરવામાં આવ્યુ છે. પહેલા રાજપરીવારનાં સભ્યો જે મહેલ માં રહેતા હતા તેને ચંદ્ર મહેલ ના નામથી ઓળખવામાં આવતો. તે સીટી પેલેસનો જ એક ભાગ છે. ચંદ્રમહેલ ના ઉપલા માળે થી આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ ના દર્શન થાય છે. કહેવામાં આવે છે પૂર્વ રાજા-મહારાજા ગોવિંદદેવજી આ ગઢ ગણેશજીના દર્શન કરીને પોતાની દિનચર્યા શરૂ કરતા હતા. મંદિરમાં બે મોટા ઉંદર પણ છે, તેના કાનમાં બોલીને દર્શનાર્થીઓ પોતાની ઈચ્છા માંગે છે.
ગઢ ગણેશ મંદિર થી જયપૂરની ભવ્યતા જોઈ શકાય છે. અહિથી જુનુ જયપૂર શહેર પણ દેખાય છે. એક તરફ પહાડિ પર નાહરગઢ અને બીજી તરફ પહાડિ નીચે જલમહેલ, સામેની બાજુએ જયપુર ની વસાહત નો ખુબસુંદર દ્રશ્ય અહિથી જોઇ શકાય છે. વરસાદ વખતે આ પૂરો વિસ્તાર હરીયાળી થી આચ્છાદિત થઈ જાય છે. અહિંની ઠંડી હવાને લિધે ચઢાણ ચઢતી વખતે લાગેલો થાક ઘડીભર માં જ ગાયબ થઈ જાય છે.