કેવી રીતે કરવું જોઈએ ગણેશજીનું વિસર્જન? જાણો તિથિ અને શુભ મુહૂર્ત

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી અને આ દિવસે ગણેશજીનું આગમન થાય છે અને અનંત ચતુર્દશીએ બપ્પાના ભક્તો તેમને ભાવ ભરી વિદાય આપતા હોય છે. 10 દિવસ સુધી સંપૂર્ણ ભાવ સાથે ખુબજ શ્રદ્ધાથી વિધ્નહર્તા અને દૂંદાળા દેવનું પૂજન કરવામાં આવે છે. લોકો પોતાની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર દોઢ દિવસ, 4 દિવસ, 5 દિવસ કે 7 દિવસ અથવા તો 11 દિવસ સુધી બપ્પાનું પૂજન કરી તેની સ્થાપના કર્યા પછી વિસર્જન કરે છે. આ વખતે અનંત ચતુર્થી 12 સપ્ટેમ્બરે છે આ દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવશે.

દેવી દેવતાઓનું વિસર્જન શા માટે?
વેદોમાં કહેવામાં આવ્યુ છે કે તમામ દેવી દેવતાઓને મંત્રો દ્વારા પોતાના લોકમાંથી બોલાવવામાં આવે છે જે પ્રતિમાઓને સ્થાપિત કરીને મંત્રો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે જ પ્રતિમાનું વિસર્જન કરીને તેમને ફરીથી તેમના સ્થાને મોકલવામાં આવે છે. જો કે દેવી લક્ષ્‍મીજી અને સરસ્વતીને ક્યારેય પણ વિદાય કરવા જોઈએ નહી.
વિસર્જન એટલે જે ગણપતિજીની મૂર્તિને સ્થાપિત કરી હોય તેને પાણીમાં વિસર્જીત કરી દેવી. શ્રદ્ધાળુઓ ગણેશજીની મૂર્તિને નદીમાં તળાવમાં કુંડ કે વહેતા જળમાં પધરાવે છે. મહાનગરોમાં જ્યાં નદી તળાવ નથી હોતા ત્યાં જમીનને ખોદીને તેમાં પહેલાજ પાણી ભરાવીને વિસર્જિત કરવામાં આવશે. જો તમે નાનકડી મૂર્તિ લાવ્યા હો અને તે પણ માટીની જ હોય તો તેને મોટા કોઈ વાસણમાં પધરાવી વિસર્જીત કરી તેને તમારા કુંડીયામાં રાખી શકો છો આનાથી ભગવાન ગણેશજીનું અપમાન પણ નહી થાય માન સન્માન જળવાશે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન નહી થાય.

કેટલીક વખત વિસર્જન કરતી વખતે આ કોઈ વાતોનું ધ્યાન નથી રાખવામાં આવતુ અને પછી આપણે ગણેશજીની મૂર્તિઓની દૂર્દશા જોઈએ જ છીએ. આપણાથી જો કોઈને મદદ ન થાય તો કોઈ મોટી વાત નથી પણ જ્યાં સુધી બને કોઈને નુકસાન ન થાય તે ખાસ જોવાનું રહ્યુ.

ગણપતિ વિસર્જનના નિયમો :
સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરો. ગણેશજીને મોદકનો પ્રસાદ ધરાવો, વસ્ત્ર પહેરાવો. આરતી અને જય જયકાર કરો. ક્ષમા પ્રાર્થના કરો. પૂજા સામગ્રી ગણપતિજીની સાથે વિસર્જીત કરો. ગણપતિ વિસર્જન મુહૂર્ત 12 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી અને ગુરૂવાર છે.આ દિવસ આમતો આખો દિવસ શુભ છે પણ તમે તમારી સુવિધા અનુસાર પ્રતિમાનું વિસર્જન કરી શકો છો. સવારે 6 વાગ્યાથી 7, 9 વાગ્યાથી 10.30 અને 1.30 કલાકથી 3.00 સુધી અશુભ ચોઘડીયા છે આથી આ સમય સિવાય તમે મૂર્તિનું વિસર્જન કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer