ગણપતિબાપાને લાડુ બહુ ભાવે તે તો જાણીએ છીએ, પરંતુ શું આપણે સૌ જાણીએ છીએ કે આ લાડુની શોધ કેવી રીતે થઇ. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં પ્રસાદીમાં લાડુ અને મોદક જોવા મળે છે. લાડુ મોદક, ચુરમા, મોતીચુર અને બુંદી તેમજ સુકામેવા એમ અલગ અલગ સ્વરુપમાં મળે છે.
ગુજરાતીઓના ઘરે ગણપતિ બાપા પધારે ત્યારે દેશી ઘીથી તરબતર ચુરમાના લાડુ બને છે. મહારાષ્ટ્રીયન પરિવારમાં બાપા પધારે તો મોદક ધરાવાય છે. જો તમે આંધ્રપ્રદેશ કે સાઉથમાં જાવ તો આ લાડુને તામિલમાં કોઝકટ્ટાઇ, કન્નડમાં કડુબુ અને તેલુગુમાં કુડુમ કહેવાય છે. સાઉથમાં મુખ્યત્વે ચોખા, નાચણી અને ટોપરામાંથી લાડુ બનાવાય છે.
ગણપતિબાપાને લાડુ શા માટે પ્રિય છે તે માટે અનેક લોકવાયકાઓ, અનેક પૌરાણિક કથાઓ છે, પરંતુ આજે આપણે વાત કરીએ આયુર્વેદની. 5000 વર્ષ પહેલા લખાયેલા આયુર્વેદ શાસ્ત્રમાં પણ લાડુનો ઉલ્લેખ છે. આયુર્વેદમાં ઔષધી જ નહી, પરંતુ શસ્ત્રક્રિયાના જનક એવા સુશ્રુત દ્વારા લિખિત ગ્રંથોમાં પણ લાડુનો ઉલ્લેખ છે. તેમાં સૌથી પહેલા તલના લાડુની વાત કરાઇ છે. આ લાડુ દવા તરીકે આપવામાં આવતા.
સર્જરી બાદ આયુર્વેદાચાર્ય પોતાના દર્દીઓને તલ, સિંગ અને ગોળ,મધના લાડુ એન્ટીસેપ્ટિક તરીકે આપતા હતા. કિશોરીઓને હોર્મોન અસંતુલન માટે પણ ઔષધી તરીકે લાડુડી બનાવીને આપવામાં આવતી. તે સમય જતા સ્વાદ વધારવાની પ્રક્રિયા માંથી પસાર થઇને રોજિંદા ખોરાકમાં વપરાવા લાગી.
ગણેશોત્સવ દરમિયાન લાડુ ભગવાનને ધરાવવાનુ અને ખાવાનુ કહેવામાં આવે છે. તેની પાછળ પણ ઔષધીય વિજ્ઞાન છે. વર્ષાઋતુમાં ખેતરમાં વાવેલા બી આપમેળે ઉગી રહ્યા હોય અને કોઇ મહેનત મજુરીનુ કામ ન હોય. મહેનત ઓછી અને રોગો વધુ હોય. આવા સમયે રોગોને વાથવા માટે વ્રત-તપનો મહિમા છે. આમ કરીને શરીરને શુધ્ધ કરવાની પ્રક્રિયા થાય છે. તપ કરેલુ શરીર ફરી વખત બળવાન બને તે માટે ગળી અને મીઠી વસ્તુઓ ખાવાનુ કહેવામાં આવ્યુ છે.
આ સમયે
મધુર, સ્નિગ્ધ
અને બળદાયી ચીજોનો ખોરાકમાં સમાવેશ કરવામાં આવે છે અને આવનારી શરદ ઋતુ માટે શરીરને
તૈયાર કરાય છે. શરીરમાં પિત્તનો પ્રકોપ ન થાય તે માટે
સ્વીટ અને
સ્ટ્રેન્થ વધારતા મોદક ભગવાનને ધરાવાય છે.
મોતીચુરના લાડુનો ઉલ્લેખ કન્નડ સાહિત્યમાં 1516માં લખાયેલા સુપર શાસ્ત્રમાં પણ છે. ભારતના દરેક ખુણામાં મોદક ખવાય છે. લાડુના સ્વરુપમાં સમયે સમયે વિવિધ પરિવર્તનો આવતા રહ્યા છે. ભારતમાં પર્શિયનો આવ્યા એ પછી લાડુમાં અંજીર, ખજુર વગેરેનો વપરાશ થવાનું શરુ થયુ.
જોકે બ્રિટિશ કાળમાં પૌષ્ટિક લાડુમાં અનહેલ્ધી ખાંડ ઉમેરવામાં આવી. ત્યારબાદ જાણે મીઠાઇમાં પોઇઝન ઉમેરવાનું શરુ થયુ. જોકે હવે ફરી એક પરિવર્તન આવ્યુ છે. ખાંડને સફેદ ઝેર માનતા લોકો ફરી એકવાર ગોળ તરફ વળ્યા છે અને ગોળ કે નેચરલ શુગરના લાડુ બની રહ્યા છે.