ગણપતિને ઘરમાં સ્થાપિત કરતા પહેલા પૂજા સ્થળની સફાઈ કરી લો. પછી એક સાફ બાજોટ પર લાલ કપડુ પાથરી તેના પર ચોખા રાખો અને ગણપતિને સ્થાપિત કરો. ત્યારબાદ ગણપતિને ધરો એટલે કે પાનના પત્તાની સહાયતાથી ગંગાજળથી સ્નાન કરાવો. પીળુ વસ્ત્ર ગણપતિને અર્પિત કરો અથવા નળાસડીની દોરીને વસ્ત્ર માની અર્પિત કરો. ત્યારબાદ તિલક કરી ચોખા ચઢાવો, ફૂલ ચઢાવો અને લાડુનો ભોગ લગાવો.
આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન : ગણપતિની ચોકી પાસે તાંબાનો કે ચાંદીના કળશમાં જળ ભરીને રાખો. કળશ ગણેશજીની જમણી સાઈડ હોવો જોઈએ. આ કળશ નીચે ચોખા રાખો અને અને તેના પર નળાસડી જરૂર બાંધો. ગણપતિની જમણી સાઈડ જ દીવો પણ પ્રગટાવો. દીવાને સીધો ક્યારે પણ જમીન પર ન રાખો, તેના નીચે ચોખા જરૂર રાખો. પૂજાનો સમય નિશ્ચિત રાખો.
ગણપતિનું આહ્વાહન કરો : ઓમ ગણેશાય નમ:નો જાપ કરીને સ્થાપિત કરો અને બાપ્પાને વિનંતી કરો કે, હે પ્રભુ અમે આટલા દિવસ તમને પ્રતિષ્ઠિત કરીને વિધિ પૂર્વક પૂજા કરવા માંગીએ છીએ. તમે રિદ્ધિ-સિદ્ધિ સાથે અમારા ઘરમાં વિરાજમાન થાઓ.
સંકલ્પ કરવો : ગણપતિની સ્થાપના બાદ જમણા હાથમાં ચોખા અને ગંગાજળ લઈ સંકલ્પ કરો. કહો કે અમે ગણપતિને આટલા દિવસ સ્થાપિત કરી પ્રતિ-દિવસ વિધિ વિધાનથી પૂજા કરીશું. સંકલ્પમાં એટલા દિવસનો સંકલ્પ કરો, જેટલા દિવસ ગણપતિને તમારા ઘરમાં વિરાજમાન કરવા માંગો છો.
ઘરમાં શુભ-લાભની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ગણપતિને પ્રતિ-દિવસ 5 ધરો અર્પિત કરો. સાથે પાંચ લીલી એલચી અને 5 કમરકાકડીને પૂજાના અંતિમ દિવસ સુધી ત્યાંજ રાખી મુકો. પૂજા સંપન્ન થયા બાદ કમરકાકડીને લાલ કપડામાં બાંધી ઘરના મંદિરમાં રાખી લો તથા એલચીને પ્રસાદ તરીકે ગ્રહણ કરો.