ગણપતિ, ગણેશ, વિનાયક, ગજાજન, વક્રતુંડ, એકદંત, લંબોદર વિઘ્નેશ્વરાય જેવા અસંખ્ય નામે ઓળખાતા આ ‘શિવપુત્ર’નાં સમગ્ર દેશમાં અગણિત ભકતો છે. વેદકાળથી ગણપતિજી પુજાતા આવ્યા છે. ‘ગણનામ ત્વં ગણપતિ ગુંહવામહે તેવો વેદમંત્ર તે વાતની સાક્ષી પૂરે છે. અનેક પુરાણોમાં ગણપતિજીનો ઉલ્લેખ જોવા મળે છે. પણ તેમનાં મુખ્ય પુરાણ તો ‘ગણેશ’ અને ‘મુદ્દગલ પુરાણ’ છે. આમાં મુદ્દગલ પુરાણમાં ગણેશજીનાં આઠ અવતાર મનાયા છે. જો કે હવે વિવિધ અવતારનાં જુદા જુદા નામો એક સાથે દર્શાવાય છે.
પ્રારંભથી જ ગણપતિ બુધ્ધિ, કલા, વિજ્ઞાાન લેખનનાં દેવ કહેવાયા છે. મહર્ષિ વ્યાસજીએ રચેલા મહાભારતનું લેખનનું કાર્ય શ્રી ગણેશજીએ કરેલું, તેવી આખ્યાયિકા પ્રસિદ્ધ છે. ગણેશ સહસ્ત્ર નામાવલિમાં તેમને માટે ‘બુદ્ધિપ્રિયાય’ નામ પણ વપરાયું છે. શ્રી ગણપતિજી જાતેજ શુભ કરનારા દેવ ગણાયા છે. અને દરેક પ્રકારનાં વિઘ્નો દૂર કરવાનાં તેમના સામર્થ્યનાં કારણે જ કોઈ પણ જાતનાં શુભકાર્યનો આરંભ ગણેશજીનાં પૂજનથી થાય છે. ગુપ્ત સામ્રાજ્યનાં સમયથી ગણપતિને પંચાયતન, શિવ, વિષ્ણુ, દુર્ગા, સૂર્ય, ગણેશમાં સ્થાન મળ્યું છે.
મહારાષ્ટ્રમાં ગણેશજીના આંઠ પ્રસિધ્ધ મંદિરો છે. તો તેમનો ઉલ્લેખ બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ છે. ગણેશ પુરાણો, સ્ત્રોતો અને સ્તુતિઓનો પાર નથી. ગણપતિ અને ગણેશ એ બે નામો તેમના હોદા, ગણોના સ્વામી પરથી પડયા છે. જ્યારે એકદંત, લંબોદર, ગજાનન જેવા નામો તેમનાં સ્વરૂપ સૂચવે છે. અને વિઘ્નવેશ, વિઘ્નહર્તા જેવા નામો તેમનો સ્વભાવ સૂચવે છે. છેલ્લા બે અઢી હજાર વર્ષથી ભારતવર્ષમાં ગણપતિ પૂજાય છે.
અમર કોષે જેમના માટે હેરંબા શબ્દ વાપર્યા, તે ગણપતિ પંચમુખી છે અને તેનાં પાંચેય મસ્તક હાથીનાં જ છે. આ હાથીનાં બે દંતશૂળમાંથી એક ભાંગેલો છે. તેથી ગણેશજી હંમેશાં એકદંતધારી કહેવાયા છે. જ્યારે તેમનું મસ્તક એક તરફ નમેલું હોવાથી વક્રતુંડ પણ કહેવાયા છે. જો કે હવે ગણેશજીનું મૂર્તિવિદ્યાન જમાના પ્રમાણે થોડું બદલાયું પણ છે. અત્યારનાં સમય અનુસાર, ગણેશ ચતુર્થીથી શરૂ થતા, દસ દિવસો સુધી ચાલતા ગણેશોત્સવમાંતો મૂર્તિઓને આધુનિક ઘટનાઓ અને વ્યકિતઓ સાથે જોડી દેવામાં આવે છે. જો કે વર્ષો થઈ ગયા પણ ગણેશજીની સૌથી જૂની મૂર્તિઓથી માંડીને આજ સુધીમાં હાથીનું માથું અને મોટી ફાંદ, આ બે ચિન્હો બદલાયા નથી.
સૌથી જૂની મૂર્તિઓમાં ગણપતિનાં બે હાથ છે પણ મોટાભાગની મૂર્તિઓમાં ચાર હાથ છે. ગણેશજીની આધુનિક મૂર્તિઓમાં ગણપતિજી ઉંચા આસને બેઠેલા હોય છે. મોદક તેમનું પ્રિય ભોજન છે. તેમનું વાહન ગણાતું ઉંદર પણ તેમનાં પગ પાસે રાખવામાં આવે છે. ઉંદર દરેક ઘરમાં જોવા મળતું વાહન છે. તેમજ શ્રી ગણેશજી પણ દરેક ઘરમાં બિરાજમાન હોવાથી, તેમનાં માટે ઉંદર જ યોગ્ય વાહન ગણાયું છે. ભારતમાં મોટું પેટ સમૃધ્ધિનું સૂચક છે. એમ ગણેશજી પણરિધ્ધિ સિધ્ધિના દાતા ગણાયા છે. માટે એક નિત્યકર્મ તરીકે પ્રભાતે ગણપતિજીનું પૂજન- અર્ચન કરવામાં આવે છે. કેમકે તેના ફળ સ્વરૂપે તેઓ બુધ્ધિ સાથે સિધ્ધિ સફળતા તથા રિધ્ધિ એટલે સમૃદ્ધિનું પ્રદાન કરે છે. બધા, દેવોમાં ગણેશજી સૌથી વધારે ‘વ્યવહારૂ’ છે. એટલે જ તેમને ‘ગણાધીશ’ નું ઉપનામ મળેલું છે.