ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓનો ખૂબ જ મહિમા છે. તે માનવને પોતાની જાત પૂરતો સિમિત ન રાખતા માનવના સિમાડાને ઓળંગીને તેને પશુ-પક્ષી તેમજ વનસ્પતિ- સૃષ્ટિ પર પણ પ્રેમ કરવાનું શિક્ષણ આપે છે. ગણેશજીનું વાહન ઉંદર છે. લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે જે ગણેશજીના વાહન ઉંદરનું દુશ્મન છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ છે. ભગવાન શંકરના નીલકંઠનો હાર સાપ છે. ગરૂડ સાપનો શત્રુ છે. સાપ પણ ઉંદરનો શત્રુ છે. દેવોએ પશુ-પક્ષીઓને વાહન બનાવી તેમના તરફથી અભયદાન આપ્યું છે. આ રીતે માનવને સંદેશો આપ્યો છે કે આ પશુ-પક્ષીઓના રક્ષણની જવાબદારી તમારા શીરે છે.
ક્રોંચ નામનો એક દુષ્ટ ગંધર્વ હતો. એક વાર ક્રોંચ સૌભરી નામના ઋષિના આશ્રમે આવ્યો ત્યારે ત્યાં ઋષિ-પત્ની મનોમયી એકલા હતા. ક્રોંચે તેની દુષ્ટતા દાખવીને મનોમયીનો હાથ પકડયો. મનોમયી ગભરાઈને રડવા લાગી, એજ વખતે સોંભરી ઋષિ આશ્રમમાં પાછા આવી પહોંચ્યા. તેમણે દુષ્ટ ગંધર્વ ક્રોંચને શ્રાપ આપ્યો,’ મુષક થા’ પણ પછી દયા આવવાથી ઉ:શાપ પણ આપ્યો. દ્વાપર યુગમાં મુનિ પરાશરને ત્યાં પરમાત્મા અવતાર લેશે. અને તું ગજાનનનું વાહન બનીશ.
ક્રોંચ મુષક બન્યો એની બીજી કથા ગણેશ પુરાણમાં જ છે. એક વાર ક્રોંચ ઉતાવળે ઇન્દ્ર સભામાં જતો હતો ત્યારે એનો પગ મહામુનિ વામદેવને અડયો. મુનિએ ક્રોધે ભરાઈને તેને મુષક થવાનો શ્રાપ આપ્યો ને ક્રોંચ ઉંદર થઈ મૂનિ પરાશરના આશ્રમમાં પડયો. આશ્રમમાં તેનો ઉપદ્રવ વધી ગયો. એના રોજે રોજના ત્રાસથી ગણેશજીએ એને બરાબરનો આમળ્યો. હવે તે વિનમ્ર થયો. ત્યારે એ ઉંદરે સ્તૃતિ કરી અને કહ્યું ‘ હવે મને આપના વાહન તરીકે સ્વીકારો.’ એની જ ઇચ્છાથી સાપિત મૂષક ગાંધર્વ ક્રોંચ ગણપતિનું વાહન બન્યો.
ઉંદરને વાહન તરીકે સ્વીકારી લેવામાં ગણેશજીના હૃદયની વિશાળતાના આપણને દર્શન થાય છે. ગણપતિ કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકશાન કારક હોવાથી તેઓ તેને નીચે દાબી રાખે છે. વિશ્વમાં ખેતરનો ૧૦% થી ૩૦% પાક ઉંદરો નષ્ટ કરી નાખતા હોય છે. દેશમાં અને ખાસ કરીને વિદેશોમાં ઉંદરોને ખતમ કરવા માટે અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવ્યા છે. તેમાં વૈજ્ઞાનિકો પાછા પડતા હોય એવું લાગે છે.
ઉંદરને ઝેર આપવાથી, મરેલા ઉંદરમાનું ઝેર ખાઈને અન્ય પ્રાણીઓ પણ ઝેરને કારણે મરે છે. આ ઝેરી ઉંદરને ગીધ, બાજપક્ષી, કાગડા, સાપ વગેરે ખાય છે. ભલે આ પક્ષીઓ આ ઝેંરથી મરી ના જાય પણ શરીરમાં વિષ જરૂર ભેગુ કરે છે. આ પક્ષી એક એવી સીમા સુધી પહોંચે છે, જ્યારે તેઓની રોગપ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય છે. શરીર કમજોર થતું જાય છે. તેમના ઇંડા એટલા કમજોર થઈ જાય છે કે પક્ષી જ્યારે ઇંડા સેવવા તેમની ઉપર બેસે કે તરત જ ઇંડા ટૂટી જાય છે. અભાગિયું પક્ષી નિરાશ થઈ જાય છે. જંતુનાશક દવાઓ અને ઉંદરના ઝેરને કારણે પક્ષીઓની અનેક જાતીઓ સંક્ટમાં આવી ગઈ છે. તેથી જ બુદ્ધિમાન ગણેશજીએ ઉંદરને પોતાનું વાહન બનાવ્યું છે. ગણેશજીની બુદ્ધિને આપણે સમ્માન આપવું જ રહ્યું