જાણો ગરબાનું મહત્વ અને શા માટે હોય છે ગરબાનો આકાર ગોળ?

પૂર્ણતાના એ ગોળાના પ્રતીક રૂપે જ નવરાત્રિના ગરબા પણ ગોળાકાર હોય છે. ગતિ શક્તિ અને શિવના સાયુજ્ય માટે અને સાયુજ્ય થકી સર્જાય છે. માટે તેને શક્તિ સાથે, માતાજી સાથે, માતાજી સ્વરૂપે પોંખવામાં આવે છે. ગતિનું આ રહસ્ય અને સતી સાથેનો પૂર્વાપર સંબંધ જેને સમજાઈ જાય તેનો ભવોભવના ફેરામાંથી છુટકારો મળી જાય છે, કારણ કે સમજણ તેને ત્યારપછી જરાય ચલિત થવા દેતી નથી. સતત મન, વિચાર, કર્મની ત્રણેય ધરી એક જ સમજણ સાથે એક જ દિશામાં ગરબે ઘૂમવા લાગે છે. યુગોની યાત્રા પછી જેને જેને આ સમજણ પ્રાપ્ત થઈ જાય એ બધા જ ભાગ્યશાળી છે.

સમજણ હંમેશાં જ્ઞાન થકી પરિણમે અને જ્ઞાન હંમેશાં માહિતી થકી પરિણામે. માહિતી એ જ્ઞાનનો ગર્ભ ધરાવતો પ્રકાશ છે. જ્ઞાનનો આ ગર્ભ કેન્દ્રસ્થાને રાખીને શક્તિસ્વરૂપા પૂર્ણત્વના પ્રતીક એવા ગોળાના આકારમાં ગરબે ઘૂમે એ પાવન અવસરનાં ઉજવણાં આસો માસમાં કરવામાં આવે છે. શિવ સાથે જ સંયોજાયેલી પુરાણકથાના આધારે ઉદ્ભવ પામેલું પૂર્ણત્વ દર્શાવતું ગોળાકાર નૃત્ય એ ઉજવણાંનું મુખ્ય આકર્ષણ છે. ગોળાકારે નૃત્ય કરી રહેલી તમામ શક્તિઓના કેન્દ્રસ્થાને રહેલો ગર્ભો (ગરબો) સમજણના પ્રતીક એવા દીવાને ગર્ભમાં સાચવીને પ્રકાશકિરણ રૂપે જ્ઞાનની જનેતા એવી માહિતી પ્રકાશનાં કિરણો સ્વરૂપે દસે દિશામાં રેલાવતો રહે છે.

એ રીતે પૂર્ણત્વ તરફ સતત ગતિમાન રાખવાની પ્રાર્થના શંકરાચાર્યજીની પ્રાર્થના ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની…!માં વ્યક્ત થાય છે.તો પૂર્ણતાની પ્રાપ્તિ તે પગલું અંતિમ પડાવ છે. તે અંતિમ ગતિ છે. તે સ્થાન પ્રકૃતિના દરેક સ્વરૂપના તાપથી મુક્ત છે. તે ગતિ જ સ્વયં મહામાયા-જગતેશ્વરીનું સ્વરૂપ છે. ‘યદ્ગત્વા ન નિવર્નન્તે’ના ન્યાય પ્રમાણે આપણે આગળ જોયું તેમ ત્યાં પહોંચ્યા પછી કશે જ પહોંચવાનું બાકી નથી રહેતું. તે જ પરમ લક્ષ્‍ય છે. તેને પામવું તે જ જીવનનું મહાકર્તવ્ય છે. જગદંબાના સાક્ષાત્કારમાં બધાં જ દર્શન સમાઈ જાય છે. ત્યાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય થઈ પૂર્ણતાને પામે છે. તે જ યોગીનું સ્થાન છે, તે જ સિદ્ધિનું આરાધ્ય છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, નવરાત્રિની આરાધના.

અહીં અભાવ નથી અને ભાવ પણ નથી. અહીં પ્રવૃત્તિની ખેવના કે નિવૃત્તિની કામનાથી કાયમી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અહીં ભૂતકાળનાં સ્મરણો, વર્તમાનની સ્થિતિ તથા ભવિષ્યનાં સપનાં; બધું જ શાંત થાય છે. બધાં જ જન્મજાત સમીકરણો કે કર્મથી ઉદ્ભવેલી બાબતો ત્યાં પૂર્ણતાનો લય પામી જાય છે. સમગ્ર અસ્તિત્વ જ્યાં પૂર્ણતા પામે છે તે સ્થિતિ પ્રત્યે ગતિ થાવ એવો ભાવ છે, ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની…! અને ભવાનીની તમામ સ્વરૂપે આરાધનાનો પ્રસંગ છે, નવરાત્રિ!

જે તરફ ગતિ કરવાની છે – જે દિશામાં અંતિમ ડગલું ભરવાનું છે તે સ્થાન સર્વત્ર છે. તે અત્યંત દૂર પણ છે અને સાવ જ નજીક પણ. તે અંદર-બહાર, અહીં-ત્યહીં, આગળ-પાછળ, ઉપર-નીચે બધે જ વ્યાપ્ત છે. તે અતિ પ્રાચીન હોવા સાથે નવીનતમ પણ છે. બધા જ આકાર તેમાં સમાવિષ્ટ હોવા છતાં તે નિરાકર છે. તે અમાપ હોવા છતાં તેને પામી શકાય છે. તે મન-બુદ્ધિ-ઈન્દ્રિયનો વિષય ન હોવા છતાં ત્રણેને એક ધરી પર લઈ આવવાથી ચિત્તમાં ઉભરતા નિજાનંદના પ્રતિબિંબ સમાન છે, ગર્ભો-ગર્બો ગરબો. તે જ જગદંબાના શરણની અનુભૂતિ છે તે તરફ મારી ગતિ થાવ.

આત્મા તો સનાતન છે, શાશ્વત છે, ર્નિિવકાર છે, પ્રકૃતિના ગુણો તથા તેની અસરોથી મુક્ત છે. પ્રકૃતિ ચલ છે, તે આકાર ધારણ કરી શકે છે. તેને જ નામ-રંગ-રૂપ હોય છેઃ છતાં તે પણ પૂર્ણત્વ પ્રાપ્ત કરીને સ્થિર ગતિમાં આવી ચૂકી છે. પ્રત્યેક ઘરેણું તેના અનંત સ્વરૂપ છતાં અંતે તો સોનું જ હોય છે તેમ અંતે તો આ બધાં જ નામ-રંગ-રૂપની ગતિ તો તે પરમ તત્ત્વ તરફની જ હોય છે. જ્યારે ઘરેણાપણું (નામરૂપ) નાશ પામે ત્યારે જ સોનાપણું (દિવ્યતા) પરખાય. આવી જ રીતે પ્રકૃતિના દરેક સ્વરૂપની ગતિ પરમ તરફ થાય ત્યારે જ પોતાના શાશ્વત સ્વરૂપની ઓળખ થાય. આ ગતિ તે જ ગતિ, અને તે ગતિ મને સતત પ્રાપ્ત થાઓ.

પોતાના મૂળ તરફની ગતિ. પોતાના સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ, સાકારમાંથી નિરાકારમાં સ્થિત થવાની ચેષ્ટા, મર્યાદિતતામાંથી સર્વત્ર વ્યાપ્તની અનુભૂતિ પામવાનો પ્રયત્ન, અનેકતાના ભેદનો લોપ કરી એકત્વ પામવાની અભિલાષા, ક્ષેત્રને ક્ષેત્રજ્ઞામાં મેળવી દેવાની અદમ્ય ઇચ્છા, દૃશ્ય-દૃષ્ટિ-દ્રષ્ટાને એકરાર કરવાની લગન; તથા શિવ-શક્તિના અવિભાજ્ય ઐક્યમાં સમાવિષ્ટ થવાની તાલાવેલી એટલે જ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની…!

તો ગરબામાં સમાવિષ્ટ છે એવી ભાવના જ્યાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિથી મુક્ત થવું છે. પતનને રોકી ઉન્નતિના માર્ગે જવું છે. કામ-ક્રોધ-લોભ-મોહથી ઉપર ઊઠીને શુદ્ધતા-સાત્ત્વિકતામાં પ્રવેશવું છે. અહંકાર અને મમત્વના નશાને દૂર કરી પરમના સાનિધ્યને પામવું છે. કુકર્મ, કુસંગ, કુબુદ્ધિ, વ્યર્થાચાર, કુદૃષ્ટિ, કુવિચાર, કુમતિ-એ બધાં બંધનનાં કારણોનો નાશ કરવો છે. વિવાદ, વિષાદ, પ્રમાદને માત આપવી છે. જળ-નભ-થલમાં સ્થિરતા પામવી છે. સ્થાન અને સમયની મર્યાદાઓથી મુક્ત થવું છે દાન, ધ્યાન, મંત્ર, પૂજા એ બધાંથી પણ આગળ વધી જવું છે.

શ્રેય તથા પ્રેયના ભેદને વિવેકથી જાણીને પ્રલોભનોથી મુક્ત થવું છે. પ્રકૃતિના ગુણોના બંધનથી ઉપર ઊઠી આત્મસ્થ થવું છે. ચિત્તમાં પરમના સાનિધ્યથી ઉદ્ભવતી પ્રસન્નતામાં જ રમમાણ રહેવું છે. તે જ ગતિ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer