તાજેતરમાં જ અલાહાબાદ હાઈકોર્ટના જજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અનુરોધ કર્યો હતો. અલાહાબાદ હાઇકોર્ટે ૧૨ પાનાંના આદેશમાં કરેલો આશ્ચર્યજનક ઉલ્લેખ. ગોવધ કરનાર એક આરોપીની જામીન અરજી ફગાવતા ૧૨ પાનાંના ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના જજે એક મહત્ત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો કે ગાય એકમાત્ર એવું પશું છે કે જે શ્વાસમાં ઓક્સિજન લે છે અને ઓક્સિજન છોડે છે.
તાજેતરમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અલ્હાબાદ હાઈકોર્ટના જજે અનુરોધ પણ કર્યો હતો. જસ્ટિસ શેખરકુમાર યાદવે તેમના આદેશમાં લખ્યું હતું કે, ભારતમાં ગાયનાં દૂધમાંથી બનાવવામાં આવેલા ઘીનો ઉપયોગ યજ્ઞમાં આહુતિ આપવા થાય છે. આને કારણે સૂર્યનાં કિરણોને વિશેષ ઊર્જા મળે છે અને સારો વરસાદ
પડે છે. જજ યાદવે ગાયનાં શ્વસનતંત્ર અને તેની અન્ય વિશેષતાઓનાં વખાણ કર્યા હતાં. તેમણે પોતાના ચુકાદામાં ગાયનું મહત્ત્વ જણાવતા ભગવાન રામ, શિવ દ્વારા ગાયને કેટલું મહત્ત્વ આપવામાં આવતું હતું તેનાં ઉદાહરણ આપ્યાં હતાં.
ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ૨૦૧૯માં આ પ્રકારનું જ નિવેદન કરતા કહ્યું હતું કે અન્ય સસ્તન પશુની સરખામણીમાં ગાય શ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડને બદલે ઓક્સિજન છોડે છે. જો કે નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં દરેક પ્રાણી ઉચ્છવાસમાં થોડા કે વત્તા પ્રમાણમાં ઓક્સિજન બહાર કાઢતું હોય છે. હા દરેક પ્રાણીએ આ માત્રા અલગ હોય છે.
ગાયનાં પંચગવ્યથી અસાધ્ય રોગોની સારવાર :- જજ શેખર યાદવે યુપીના સંભલના આરોપીના જામીન ફગાવતા કહ્યું હતું કે, ગાયના દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોબરથી પંચગવ્ય બને છે જેના દ્વારા અનેક અસાધ્ય રોગોની સારવાર કરાય છે.
આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને ટાંકીને તેમણે કહ્યું કે, ગાય તેના જીવનમાં ૪૦૦થી વધુ લોકોને દૂધ આપે છે. જ્યારે તેના માસથી ફક્ત ૮૦ લોકોનું પેટ ભરી શકાય છે. જિસસ ક્રાઇ સ્ટે પણ ગાયની હત્યા એ વ્યક્તિની હત્યા સમાન હોવાનું જણાવ્યું હતું.
ગાય એટલે સંપત્તિઓનું ઘર (જસ્ટિસ શેખર યાદવે) :- અરજદાર જાવેદની જામીન અરજી ફગાવી હતી. જાવેદ પર તેના સાથીઓ સાથે મળીને વાદી ખિલેન્દ્રસિંહની ગાય ચોરીને તેની હત્યા કરવાનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે હિન્દુ ધર્મ અનુસાર ગાયમાં ૩૩ કોટિ દેવી દેવતાઓનો વાસ છે. ઋગ્વેદમાં ગાયને અધન્યા, યજુર્વેદમાં ગૌર અનુપમેય અને અથર્વવેદમાં સંપત્તિઓનું ઘર ગણવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણને ગાયો ચરાવતા જ તમામ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.