ભારતીય સંસ્કૃતિના પ્રતીક ગણાતા આપણા ચાર વેદમાં જણાવ્યા અનુસાર જાણો ગાયત્રી અનુષ્ઠાન કેવી રીતે કરવું

ભારતીય સંસ્કૃતિના પ્રતીક ગણાતા આપણા ચાર વેદમાં ગાયત્રી મહા મંત્રની જ વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે તે ઉપરાંત અન્ય પુરાણોમાં પણ તેનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં ગાયત્રી મંત્રનો સંપુટ લગાવીને સત્યં પરમ્ ધિમહિ શ્લોક દ્વારા ગાયત્રી મંત્રની જ વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક લોકો એવું માને છે કે ગાયત્રી મંત્ર પર બ્રહ્માજીનો શાપ લાગ્યો છે, તેથી કલિયુગમાં તેને જપી શકાય નહીં. જ્યારે કેટલાક કહે છે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠ દ્વારા ગાયત્રી મંત્રને કિલિત કરવામાં આવ્યો છે, પરંતુ બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે એક હજાર વર્ષ સુધી તપ કર્યું અને ગાયત્રીની ઉપાસના કરી હતી. તેઓ શાપ કેવી રીતે આપી શકે? વિશ્વામિત્ર તો બ્રહ્મર્ષિ બન્યા હતા. તેઓ પણ કેવી રીતે શાપ આપી શકે? ગાયત્રી વેદમાતા છે. માતા માટે તેનાં બધાં જ બાળકો એકસરખાં વહાલાં હોય તેમાં કોઇ ભેદભાવ હોય નહીં, ગાયત્રી મંત્ર વૈશ્વિક મંત્ર છે અને સહુ કોઇ આ મંત્રની ઉપાસના કરી શકે છે. મહિલાઓ માટે પણ ગાયત્રી મંત્રની ઉપાસના ઉપર કોઇ પ્રતિબંધ નથી.

ગાયત્રીની સાથે યજ્ઞોપવીત ધારણ કરીને દ્વિજત્વ પ્રાપ્ત કરી સૌ ઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે. અંધકારયુગમાં ભારતીય સંસ્કૃતિને તોડવાના પ્રયાસો થયા છતાં આધ્ય શંકરાચાર્ય જેવા અનેક મહાપુરુષોએ આ સંસ્કૃતિને અખંડિત રાખવા પ્રયાસો કર્યા તેના કારણે વિશ્વમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ જ હજારો વર્ષથી ટકી રહી છે. જ્યારે અન્ય સંસ્કૃતિઓ કાળના પ્રવાહમાં નષ્ટ થઇ ગઇ છે. ગાયત્રી, ગંગા, ગૌમાતાની ત્રણ ધારા સ્વરૂપે ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ગાયત્રી મંત્રનો બધાને અધિકાર છે. નવ દિવસ સુધી દરરોજ ગાયત્રી મંત્રની ૨૭ માળા કરવાથી ૨૪ હજાર મંત્રનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે. જેઓ સળંગ ત્રણ ચાર કલાક બેસી શકે તેમ ન હોય તેઓ સવાર સાંજ થઇને પણ ૨૭ માળા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત વધુ કામકાજ રહેતું હોય તો ગાયત્રી ચાલીસાના દરરોજ ૧૨ પાઠ કરવાથી અથવા ૨૪૦૦ મંત્રનું મંત્ર લેખન નવ દિવસમાં પૂર્ણ કરીને પણ ગાયત્રીનું લઘુ અનુષ્ઠાન થઇ શકે છે.

અનુષ્ઠાનની વિધિ : અનુષ્ઠાનના પ્રથમ દિવસે પાટલા કે બાજોઠ ઉપર પીળું કપડું પાથરી ગાયત્રી માતા અને ગુરુદેવના ચિત્રની સ્થાપના કરી, શુદ્ધ કળશમાં પાણી ભરી તેમાં આસોપાલવ કે નાગરવેલનાં પાંચ પાન મૂકી શ્રીફળ મૂકવું અને કળશને ચોખાની ઢગલ ઉપર પધરાવવો. મંત્રજાપ દરમિયાન અખંડ દીપ રહે તેવી વ્યવસ્થા કરવી અને દરરોજ બ્રહ્મસંધ્યા તેમજ શાંતિપાઠ, ગુરુપૂજન, કળશપૂજન વગેરે કર્યા પછી મંત્રજાપમાં બેસવું. જાપ દરમિયાન આકસ્મિક કારણથી ઊભા થવું પડે તો વધારાની એક માળા જપવી. બની શકે તો દરરોજ અથવા છેલ્લા દિવસે કુલ જાપના દશાંશ ગાયત્રીનો યજ્ઞ કરીને આહુતિ આપવી અને દક્ષિણારૂપે સદ્જ્ઞાનનો ફેલાવો થાય તેવા સાહિત્યનું યથાશક્તિ દાન કરવું તેને બ્રહ્મભોજ કહેવામાં આવે છે.

અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્ય પાળવું, તેમજ બની શકે તો ઉપવાસ અથવા એકવાર ભોજન લેવું. ભોજનમાં મીઠું અને ગળપણનો ત્યાગ કરવાથી અસ્વાદ વ્રત પણ કરી શકાય. જમીન ઉપર હળવી પથારી કરીને સૂઇ જવું. ચામડાનાં પગરખાં કે પટ્ટો વગેરે વસ્તુઓ નવ દિવસ વાપરવી નહીં. હજામત જાતે કરવી. શિખા અને યજ્ઞોપવીત ધારણ કરવી. છેલ્લા દિવસે કુંવારિકાઓ અથવા યથાશક્તિ બ્રહ્મભોજન કરાવવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer