જાણો ગાયત્રી મંત્રનો અર્થ, મહત્વ અને મહિમા, જાણો કેવી રીતે અને કોને મળે છે તેનું શુભ ફળ..

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ  તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિ યો યોનઃ પ્રચોદયાત્ । ભાવાર્થ: હે તે પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમારા અંતરમાં ધારણ કરીએ છીએ. તે અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.સર્વ મંત્રોમાં ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ છે તેના ૨૪ અક્ષરોમાં ધર્મ, નીતિ, જીવન, કલા અને લોક વ્યવહારનું જ્ઞાાન ભરેલું છે.

એ જ્ઞાાનને અંતરમાં ઉતારી લેવાથી સાધકના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ થાય છે. આ મંત્રનો એક એક અક્ષર અર્થપૂર્ણ અને ભાવસભર છે.  કોઈ સાધક જ્યારે આ મંત્રનો એકચિત્તે જપ કરે છે ત્યારે તેને થતી અનુભૂતિના શબ્દો આ પ્રમાણેના હોય છે: ”પરમાત્માનો પવિત્ર અંશ મારો આત્મા છે.

પરમાત્મા પ્રાણસ્વરૂપ છે. હું પોતાને પ્રાણવાન અને આત્મશક્તિ સંપન્ન બનાવીશ. પ્રભુ દુઃખરહિત છે. હું દુઃખદાયી માર્ગ પર ચાલીશ નહિ, ઇશ્વર આનંદસ્વરૂપ છે. પોતાના જીવનને આનંદમય બનાવવું તથા બીજાના આનંદમાં વધારો કરવો એ મારું કર્તવ્ય છે. તે ભગવાન તેજસ્વી છેહું પણ સાહસિક, વીર, પુરુષાર્થી અને પ્રતિભાવાન બનીશ બ્રહ્મ શ્રેષ્ઠ છે.

શ્રેષ્ઠતા આદર્શવાદિતા અને સિદ્ધાંતમય જીવનનીતિ અપનાવીને હું પણ શ્રેષ્ઠ બનીશ. પ્રભુ સર્વથા નિષ્પાપ છે. હું પણ પાપોથી, કુવિચારોથી અને કુકર્મોથી બચતો રહીશ. ઇશ્વર દિવ્ય છે એટલે હું પણ પોતાને દિવ્ય ગુણોથી સુસજ્જિત કરીશ અને સંસારને કંઈક આપતો રહેવાની દિવ્યનીતિ અપનાવીશ.” આમ, ગાયત્રીમંત્રનો દરેક અક્ષર એક એવા સદગુણ તરફ નિર્દેશ કરે છે,

જે પોતાની જાતે જ એટલો સશક્ત છે કે વ્યક્તિના વ્યક્તિત્વના દરેક પાસાને ઉંચાઈ તરફ લઈ જાય છે. ગાયત્રી મંત્રના ત્રણ ચરણ છે. એના પ્રથમ ચરણમાં સૂર્ય જેવી તેજસ્વિતા, ઊર્જા અને ગતિશીલતા છે તે જો માણસમાં પ્રગટે તો સમજવું કે તેણે શક્તિ મેળવી લીધી છે. જેની મદદથી મુશ્કેલીઓનો સામનો કરવાનું સંભવ બની જાય છે.

બીજા ચરણમાં દેવત્વનું સમ્યક્ ચિંતન છે. માણસમાં પશુ, પિચાશ અને દેવતા હોય છે.  એટલે તેનામાં જોવા મળતી શાલીનતા, સજ્જનતા અને ભલમનસાઈ દેવત્વની વિશેષતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજા ચરણમાં સદબુદ્ધિ પ્રાર્થના છે. આત્મા જે વસ્તુઓથી સૌથી વધુ નજીક છેતે છે સદબુદ્ધિ.

સદબુદ્ધિ પ્રાપ્ત થવી એ એટલો મોટો લાભ છે કે તેની તુલનામાં અન્ય કોઈ સિદ્ધિ કે સંપત્તિ ટકી શકતી નથી.  સદબુદ્ધિ જ જીવનનો સાર છે, જીવનનું દર્શન છે અને આત્માનું મંગલમય સ્વરૂપ છે તેનો સર્વોત્તમ લાભ મેળવવા માટે આત્માનો જે તરફડાટ છે, તરસ છે, આકાંક્ષા છે તેના પ્રગટીકરણનું નામ જ ગાયત્રી છે

એટલે બુદ્ધિમાન માણસે શાસ્ત્રોનું બુદ્ધિ દ્વારા મંથન કરીને માખણ સમાન ઉત્કૃષ્ટ તત્ત્વોને જાણવા જોઈએ આવી સદબુદ્ધિથી જ મનુષ્યજીવન પરિપૂર્ણ બને છે અને દિવ્ય જીવનનો આનંદ પ્રાપ્ત થાય છે. આ ગાયત્રી મંત્રનો ઋષિ વિશ્વામિત્ર છે, તેના દેવતા સવિતા દેવ છે અને છંદ ગાયત્રી છે.

વેદમૂર્તિ યુગઋષિ પં. રામ શર્મા આચાર્યજી ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતા કહે છે કે, ”ગાયત્રી મંત્રના જાપ દ્વારા એક એવી ચેતન શક્તિનો જન્મ થાય છે કે જપ કરનારના શરીર અને મનમાં વિશિષ્ટ પ્રકારની હલચલ પેદા કરે છે અને સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરે છે.

આ મંત્રનો લાભ એવી વ્યક્તિઓને મળે છે જેમણે પોતાના વ્યક્તિત્વને અંદરથી અને બહારથી શુદ્ધ કર્યું હોય, વિચાર અને આચરણને પવિત્ર બનાવ્યા હોય. સાધકનું વ્યક્તિત્વ અને અંતઃકરણ જેટલું નિર્મળ હશે એટલી જ તેની ઉપાસના સફળ બનશે.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer