આજના ભાગદોડ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ શાંતિ અને સુખની આશા સાથે જ્યારે સમય મળે ત્યારે મંદિરે જવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ મંદિરે જાય છે ત્યારે મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ વગાડે છે દરેક મંદિરમાં નાના મોટાં, વિવિધ કદ અને કોતરણીના ઘંટ હોય જ છે. ફક્ત મંદિર જ નહિ પણ બૌધ્ધ સ્થાનકોઅને ચર્ચમાં પણ ઘંટ રાખવામાં આવે છે. ભગવાનની આરતી ઘંટારવ વગર પૂર્ણ થતી નથી. આરતીમાં વાગતા ઘણા બધાં વાજિંત્રોની સરખામણીમાં ઘંટનું પોતાનું આગવું મહત્વ છે એટલે જ ઘરે પણ ભગવાનની પૂજા-આરતીમાં પણ આપણે ઘંટડી વગાડીએ છીએ.

ઘંટ વગરના મંદિરની કલ્પના પણ ન થઈ શકે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં પ્રવેશતાં સમયે કે આરતી સમયે ઘંટ કેમ વગાડવામાં આવે છે તો આજે જાણો મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે અને તેનાથી શા ફાયદા થાય છે?
ઘંટ વગાડવા પાછળની ધાર્મિક માન્યતા

– મંદિરમાં પ્રવેશતાં જ ઘંટ વગાડવાથી ઈશ્વરના દરબારમાં આપણી હાજરી પૂરાય જાય
છે. જાણે ઘંટ વગાડીને આપણે ઈશ્વરનું ધ્યાન આપણી તરફ કરીએ છીએ.
– ઘંટના અવાજથી ઉત્પન્ન થતો કર્ણપ્રિય અવાજ વ્યક્તિના મન- મસ્તિષ્કને શાંતિ
અને આધ્યાત્મિકતાથી ભરી દે છે.
– ઘંટનો અવાજ આપણા શરીરમાં ઉર્જાનો સંચાર કરી એકાગ્રતા ધારણ કરવામાં મદદરૂપ
થાય છે.
– ઘંટના અવાજથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિમાં ચેતના પ્રગટે છે
અને ત્યાર બાદ તેમની પૂજા કરવાથી પૂજા ફળદાયી બને છે.

ઘંટ વગાડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
મંદિરમાં પ્રવેશતાની સાથે જ ઘંટ વગાડવાથી તેના અવાજને કારણે વાતાવરણમાં કંપન ઉત્પન્ન થાય છે આ કંપન વાતાવરણને કારણે તેની આસપાસનાં પર્યાવરણમાં ફેલાય છે જેથી તેમાં રહેલા વિષાણું અને સૂક્ષ્મજીવો નાશ પામે છે અને વાતાવરણ શુધ્ધ થાય છે. આથી જે સ્થાનો પર વારંવાર ઘંટ વગાડાય છે તે સ્થાન હંમેશા શુધ્ધ અને પવિત્ર રહે છે જેથી નકારાત્મકતાનો નાશ થાય છે અને વ્યક્તિનું મન સકારાત્મક ઉર્જા, પવિત્રતા અને શાંતિનો અનુભવ કરે છે.
તો મિત્રો હવેથી જ્યારે પણ મંદિરે જાવ ત્યારે જોર શોરથી ઘંટ વગાડો અને મંદિરમાં ઘંટ મુકવાના આશયને ચરિતાર્થ કરો.
