ગિરનાર પર્વત ઉપર જવાની સીડી શરૂ થતાં સીડીની બાજુમાં જ શ્રી ચડાવાવ હનુમાનજી બિરાજે છે. સુંદર વૃક્ષોની ઘટાઓથી છવાયેલ સુશોભિત ગિરિરાજ ગિરનારના પ્રથમ પગલે મસ્તક નમાવી યાત્રા શરૂ થાય છે. કહેવાય છે કે ગિરનાર પર્વત ઉપરથી કોઇ પક્ષી કોઇ જીવનું હાડકું લઇને પણ ઊડે તો તે જીવનો મોક્ષ થઇ જાય છે. રસ્તામાં વિસામો લેવા બાંધેલી નાની કોટડીઓ આવે છે. ઉપર ચડતા ભરથરી ગુફા આવે છે, ગુફાની અંદર ભરથરી-ગોપીચંદની મૂર્તિઓ છે, તેઓએ અહીં ઘણાં વર્ષ તપ કર્યું હતું. ર૩૦૦ સીડી પૂરી થતાં ૧૮૮૦ ફીટની ઉંચાઇએ માળી પરબ યાને વિશ્રામઘાટની જગ્યા આવે છે.
અહીં યાત્રિકોને પાણી પીવાની તથા આરામ લેવા માટેની સુંદર સગવડ છે તથા શ્રી રામચંદ્રજીનું મંદિર છે. તેમજ સાધુ-સંતો માટે ભોજનનું અન્ન ક્ષેત્ર છે. માળી પરબે વિશ્રાંતિ લઇ ઉપર ચડતાં રાણકદેવીની શિલા અને કબૂતરી ખાણ આવે છે. ૩૪પ૦ સીડી પાસે સુવાવડી પગલાં આવે છે ત્યાં ગર્ભવતી સ્ત્રી પોતાની રક્ષા માટે શ્રીફળ વધારી દર્શન કરે છે. ઉપર ચડતાં શ્રી ગુરુદત્તની ગુફા તથા શ્રી પંચેશ્વર મહાદેવની જગ્યા આવે છે ત્યાં પાણીનું ઝરણું વહે છે. ૩૮૦૦ સીડી ચડતાં ગિરનાર કોટ દૂરથી જ નજરે પડતાં યાત્રિકોને આનંદ થાય છે.
ભવ્ય કોટમાં જૈન ભાઇઓના ખાસ જોવાલાયક હજારો વર્ષનાં પ્રાચીન દેવ મંદિરો છે. જેની કારીગરી બહુ જ આકર્ષક અને સુંદર છે. મુખ્ય મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું છે. જેની પ્રતિમા અતિ સુંદર અને ચમત્કારી છે. શ્રી નેમિનાથજીની પૂજા કરવા તથા યાત્રાનો લાભ લેવા હજારો જૈન ભાઇઓ પ્રતિ વર્ષ આવે છે, શ્રી નેમિનાથજીની પૂજા ન કરનાર યાત્રિકને યાત્રાનું ફળ મળતું નથી માટે દરેક જૈન ભાઇએ ભાવનાથી સેવા-પૂજા અવશ્ય કરવી જોઇએ.
શ્રી નેમિનાથજીને ફરતી ભમતિઓ-દેરી છે. જેની અંદર ચોવીસ તીર્થંકરો બિરાજે છે. જેની કારીગરી અતિ સુંદર છે. કોટની અંદર ભમતિમાં બીજી મુખ્ય પ્રતિમા શ્રી અમીઝરા પાર્શ્વનાથની છે. જેઓ ભોંયરામાં બિરાજે છે તથા શત્રુંજયનો પટ ખાસ જોવા લાયક અને અતિ સુંદર છે, અહીંની શોભા ઇંદ્રપુરીને લજાવે તેવી છે. અહીંથી નીચે ઊતરતા ઘડી ઘટુકો આવે છે, જેમાં આદેશ્વર-ઋષભદેવની ભવ્ય પ્રતિમા યાત્રિકોને જૈન ધર્મની પ્રાચીનતા અને જાહોજલાલીની સાક્ષી પૂરે છે. કોટની અંદર જૈન મંદિરમાં એક પ્રાચીન મંદિર ગ્રેનાઇટ પત્થરનું સંભવનાથજીનું મંદિર, રા’માંડલિકે બનાવેલું નેમિનાથજીનું બીજું મંદિર છે. મેરકવશીની ટુંક, સગરામ સોનીની ટુંક, કુમારપાળની ટુંક, વસ્તુપાળ-તેજપાળના ખાસ પીળા રંગના પત્થરનાં મંદિર, સંપ્રતિરાજાની ટુંક, માનસંઘ ભોજરાજની ટુંક. આ દરેક મંદિરો ધ્યાનથી જોતાં સમયને ભૂલી જવાય છે. આ દેવાલયોની શોભા અવર્ણીય છે અને તે ખાસ જોવાલાયક છે.
કોટથી ડાબી બાજુ તરફ જતા દાકતર કુંડ, જ્ઞાનવાવ, ભીમકુંડ અને સૂરજકુંડ નામનાં જળાશયો આવેલાં છે. અહીંયા પક્ષીઓ કલ્લોલ કરે છે અને વાંદરાઓ નાચતાં-કૂદતાં નજરે પડે છે. કોટની અંદર જૈન ભાઇઓને ઊતરવા તમામ જાતની સગવડો છે. અહીં ઘણા યાત્રાળુઓ દિવસો સુધી રહે છે અને ગિરનારની યાત્રાનો અલભ્ય લાભ લે છે. કોટની સામે ‘દિગંબર જૈન’ ધર્મશાળા આવેલી છે.
ગિરનાર સર્વે મનુષ્યને સેવા કરવા લાયક, સર્વ પર્વતોનાં આભૂષણ રૂપ અને પોતાની સેવા કરનારનાં દુઃખોને હરનાર એવો આ ગિરિરાજ ગિરનાર કરોડો વર્ષથી જયવંતો છે. આ લોક અને પરલોકમાં મનવાંછિત ફળ આપનાર છે. આ ગિરિરાજનાં સ્મરણથી દુઃખો નાશ પામે છે. દર્શનથી આનંદ થાય છે અને જીવ માત્ર બીજે સ્થાને રહીને પણ ગિરનારનું ધ્યાન કરે છે. તો આગામી ચોથા ભવમાં તે મોક્ષને પ્રાપ્ત કરે છે. એવા આ ગિરનાર તીર્થનો સદાય જય થાઓ.